વિયેતનામ સાથે ૧૨ કરાર, જંગી સહાયઃ ચીનને ચીંટિયો ભરતા મોદી

Wednesday 07th September 2016 06:24 EDT
 
 

હેનોઈઃ જી-૨૦ દેશોની બેઠકમાં હાજરી આપવા માટે બૈજિંગ પહોંચતા પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિયેતનામની મુલાકાત લઇને ચીનની દુખતી નસ દબાવી હતી. કોઇ ભારતીય વડા પ્રધાનની દોઢ દસકા પછીની આ પ્રથમ વિયેતનામ મુલાકાત હતી, જેમાં ભારત-વિયેતનામે કુલ ૧૨ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સાથોસાથ ભારતે વિયેતનામને ૫૦ કરોડ ડોલરની (અંદાજે રૂ. ૩૩૫૦ કરોડની) લોન આપવાની પણ જાહેરાત કરી છે. બન્ને દેશોએ સુરક્ષા, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, અંતરિક્ષ, સાયબર સુરક્ષા અને વ્હાઈટ શિપિંગ ઈન્ફર્મેશન શેરિંગ સહિતના ક્ષેત્રોમાં એકબીજાને સહકાર આપવાના કરાર કર્યા છે.
ભારતના વડા પ્રધાનનું સ્વાગત વિયેતનામના રાષ્ટ્રપતિ ત્રાન દાઇ ક્વાંતે કર્યું હતું. એરપોર્ટ પરથી મોદીને સીધા વિયેતનામના ઐતિહાસિક સ્મારક ભવનમાં લઈ જવાયા હતા, જ્યાં ૧૯૫૮થી ૧૯૬૯ દરમિયાન વિયેતનામના જાણીતા નેતા હો ચી મિન્હ રહ્યા હતા. હો ચી મિન્હની ગણના ૨૦મી સદીના મહાન નેતાઓમાં થાય છે. મોદીએ એક ટૂંકા પ્રવચનમાં કહ્યું હતું કે, આપણો સંબંધ બે હજાર વર્ષ જૂનો છે.
વિયેતનામના વડા પ્રધાન નુએન શુએન ફુક સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં મોદીએ ભારત અને વિયેતનામ વચ્ચેના મજબૂત સંબંધોને મહત્ત્વના ગણાવ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે, બંને દેશોએ સંરક્ષણ અને સુરક્ષા સંબંધો માટે ભાગીદારી પર સંમતિ વ્યક્ત કરી છે. બંને દેશો વચ્ચેના સંરક્ષણ સહકાર માટે ધિરાણની મર્યાદા ૫૦ કરોડ કરવાની જાહેરાત કરતાં હું ખુશી અનુભવી રહ્યો છું. આ ઉપરાંત ભારત વિયેતનામમાં સોફ્ટવેર પાર્ક બનાવવા માટે ૫૦ લાખ ડોલરની સહાય કરશે.
ભારતની નવી પૂર્વ એશિયાના દેશોની નીતિ અંતર્ગત વિયેતનામની મુલાકાતે પહોંચેલા મોદીએ વડા પ્રધાન ફુકને ભારત અને કાશીની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ‘આસિયાન’ના સંયોજક વિયેતનામના નેતૃત્વમાં અમે ભારત અને ‘આસિયાન’ની ભાગીદારી મજબૂત બનાવવા કામ કરીશું.
આ અગાઉ હેનોઇ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ગાર્ડ ઓફ ઓનર દ્વારા સ્વાગત કરાયું હતું. મોદીએ શનિવારે સવારે વિયેતનામના રાષ્ટ્રીય નાયકો અને શહીદોના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મોદીએ વિયેતનામના આઇકન હો ચી મિન્હના નિવાસસ્થાનની પણ મુલાકાત લીધી હતી.

કેટલાક યુદ્ધ લાવ્યા, પણ અમે બુદ્ધ લાવ્યા

વડા પ્રધાન મોદીએ હેનોઇના બૌદ્ધ મઠ કુઆન સૂ પેગોડાની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપણો ૨૦૦૦ વર્ષ જૂનો સંબંધ છે. આટલા વર્ષોમાં કેટલાક લોકો અહીં યુદ્ધ લઇને આવ્યા, પરંતુ અમે બુદ્ધ લઇને આવ્યા હતા. જે લોકો યુદ્ધ લઇ આવ્યા તેઓ નાબૂદ થઇ ગયાં, પરંતુ બુદ્ધને લઇ આવનારા અમર થઇ ગયા. બુદ્ધ જ શાંતિનો માર્ગ દર્શાવે છે. બોમ્બ અને બંધૂકવાળા વિયેતનામ પાસેથી શીખે કે યુદ્ધથી વધુ પરિવર્તન બુદ્ધ લાવે છે.

૨૦૧૭ મિત્રતા વર્ષ તરીકે ઉજવાશે

મોદી અને વિયેતનામના વડા પ્રધાન ન્યુગેન શુયાન ફુકે વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા તેમજ દ્વિપક્ષીય સંબંધ વધારે મજબૂત કરવાના હેતુથી ૧૨ કરાર પર સહી કરી હતી. આ ઉપરાંત ભારત અને વિયેતનામે વર્ષ ૨૦૧૭ને મિત્રતા વર્ષ તરીકે મનાવવાના બંને દેશના પ્રોટોકોલ પર પણ સહી કરી છે. વિયેતનામ સરકારે હવાઈ અને સુરક્ષા સંબંધિત ઉત્પાદનમાં ભારત સાથે ભાગીદારી કરવા ઊંડો રસ લીધો હતો. ભારતની એલએન્ડટી કંપની વિયેતનામના દરિયાઈ સુરક્ષા દળો માટે હાઈટેક સ્પિડ બોટનું ઉત્પાદન કરશે. આ ઉપરાંત બંને દેશોએ યુનાઈટેડ નેશન્સને લગતા શાંતિ અને સુરક્ષાને લગતા મુદ્દામાં પરસ્પર સહકાર આપવા પણ કરાર કર્યા છે.

સાઉથ ચાઇના સીઃ ભારતને બિરદાવતું વિયેતનામ

સાઉથ ચાઇના સી મુદ્દે ભારતના વલણના વિયેતનામના નેતાઓએ જોરદાર વખાણ કર્યા હતા. વિયેતનામની કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓએ ભારત સાથે વ્યૂહાત્મક દ્વિપક્ષીય સંબંધો વધારવા પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.
વિયેતનામની કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી નગુયેન ફૂ ત્રોંગે કહ્યું હતું કે, ભારત અને વિયેતનામે સ્થાનિક જ નહીં, વિવિધ સ્તરે પરસ્પરને મજબૂત રીતે સહકાર આપવો જોઈએ.
ભારત અને વિયેતનામ વચ્ચે છે એવો બે હજાર વર્ષ જૂનો સંબંધ શોધવો મુશ્કેલ છે. ઈતિહાસ સાક્ષી છે કે, ભારત હંમેશા વિયેતનામની પડખે રહ્યું છે. સાઉથ ચાઇના સીમાં ચીન વિયેતનામ, ફિલિપાઈન્સ, તાઈવાન, મલેશિયા અને બ્રુનેઈ સહિત અનેક દેશો સાથે કડવા સંબંધો કરી ચૂક્યું છે. વિશ્વના ૫૦ ટકા વેપારી જહાજો આ દરિયાઈ માર્ગેથી જાય છે.
જોકે, ભારત હંમેશાં ફ્રી નેવિગેશન એટલે કે મુક્ત દરિયાઈ વેપારની તરફેણ કરતું આવ્યું છે. સાઉથ ચાઇના સી મુદ્દે પણ ભારતે ચીનની લાગણીની પરવા કર્યા વિના મુક્ત વેપારનું ખૂલીને સમર્થન કર્યું છે.

મોદીએ ડાબેરી નેતા હો ચી મિન્હની ભરપૂર પ્રશંસા કરી

વિયેતનામની મુલાકાતમાં મોદીએ ડાબેરી ક્રાંતિકારી નેતા હો ચી મિન્હની ભરપૂર પ્રશંસા કરી હતી.
તેમણે વિયેતનામના વડા પ્રધાન ફુકને જણાવ્યું હતું કે તમે મને હો ચી મિન્હના નિવાસની મુલાકાત કરાવી વિશેષ લાગણીનો પરિચય આપ્યો છે. હો ચી મિન્હ ૨૦મી સદીના મોટા નેતાઓ પૈકીના એક હતા. તેમના ઘરની મુલાકાત તીર્થયાત્રા સમાન હતી. આ તક આપવા માટે તમારો આભાર.

વિયેતનામની મુલાકાત ચીનને સીધો સંદેશ

મોદી વિયેતનામથી સીધા ચીનની મુલાકાતે પહોંચ્યા હતા. સીધા ચીન જવાના બદલે વિયેતનામ થઇ ચીન જવાનો નિર્ણય કરી મોદીએ ચીનને આકરો સંદેશો આપી દીધો છે. ચીન અને વિયેતનામ વચ્ચે ચાલી રહેલા સમુદ્રી વિવાદમાં ભારતે વિયેતનામનો પક્ષ લીધો છે. ૧૫ વર્ષ બાદ કોઇ ભારતીય વડા પ્રધાનની વિયેતનામ મુલાકાત અને તેનો સમય સમુદ્રી રાજનીતિ માટે મહત્ત્વના મનાઇ રહ્યાં છે. બન્ને દેશોની નૌકાસેના વચ્ચે પણ સહકાર વધી રહ્યો હોવાથી ચીનના પેટમાં તેલ રેડાઇ રહ્યું છે.

વિયેતનામ ભારતનું મહત્ત્વનું બિઝનેસ પાર્ટનર

વિયેતનામ ભારતના પહેલા દસ વેપારી મિત્રોમાંનું એક છે. આ પહેલાં વર્ષ ૨૦૧૩માં બંને દેશોએ ૫.૨૩ બિલિયન ડોલર અને વર્ષ ૨૦૧૪માં આ આંકડો ૫.૬૦ બિલિયન ડોલરે પહોંચ્યો હતો. આ આંકડામાં ભારતની નિકાસનો આંકડો ૩.૧ બિલિયન ડોલર અને આયાત ૨.૫ બિલિયન ડોલર છે. હવે વર્ષ ૨૦૨૦ સુધી બંને દેશ વચ્ચે ૧૫ બિલિયન ડોલરનો વેપાર થવાનું લક્ષ્યાંક છે. ભારતે વિયેતનામમાં ગેસ, ખાણકામ, ગેસ, આઈટી અને એગ્રો કેમિકલ સહિતની ૧૧૧ યોજનામાં ૫૩ કરોડ ડોલર કરતા પણ વધારે મૂડીરોકાણ કર્યું છે.

ભારતીય વડા પ્રધાન ચીનના દબાણમાં નહીં આવેઃ બીબીસી

બીબીસી (બ્રિટન)એ એક અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિયેતનામ યાત્રા એ વાતનો સંકેત આપે છે કે ભારત સરળતાથી ચીનના દબાણમાં આવવાનું નથી. એવામાં ભારત અને વિયેતનામ અને જાપાન નજીક આવે તે ચીન માટે ચિંતાની વાત છે.
ભારત એનએસજીનું સભ્ય બનવાનું માગતું હતું ત્યારે ચીન વિરોધ કરી રહ્યું હતું. જ્યારે ભારત પાકિસ્તાનથી આવનારા કટ્ટરવાદીઓનો વિરોધ કરે છે ત્યારે ચીન યુનાઇટેડ નેશન્સમાં તેમનો બચાવ કરે છે. એવામાં મોદી વિયેતનામ ચીનને એ બતાવવા માટે પણ ગયા છે કે ભારત પણ કૂટનીતિના દાવપેચ કરી શકે છે.


comments powered by Disqus