સાઉથ એશિયામાં એક જ દેશ આતંક ફેલાવી રહ્યો છે: નરેન્દ્ર મોદી

Wednesday 07th September 2016 06:31 EDT
 
 

હાંગઝોઉ (ચીન)ઃ જી-૨૦ દેશોની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદને સમર્થન અને ફેલાવા માટે પાકિસ્તાન પર આડકતરો પ્રહાર કર્યો છે. ચીનની ધરતી પરથી જ તેના જ મિત્ર દેશ સામે આક્રમક વલણ અપનાવતા કહ્યું હતું કે સાઉથ એશિયામાં આતંકવાદના પ્રસાર માટે ફક્ત એક જ દેશ જવાબદાર છે. અલબત્ત, મોદીએ પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કર્યો નહોતો.
તેમણે જણાવ્યું હતું કે, ભારત ઇચ્છે છે કે, વિશ્વ સમુદાય આતંકવાદ સામે તાકીદે લડવા એકસંપ થઇને અવાજ ઉઠાવે. આતંકવાદને સમર્થન આપતા લોકોને પુરસ્કારો આપવાને બદલે એકલા પાડી દઇને પ્રતિબંધો લાદવા જોઇએ. ભારતે આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. તેનાથી ઓછું અમને કંઇ ખપતું નથી. અમારા માટે આતંકવાદી આતંકવાદી જ છે. ભારત આતંકવાદને મળતી આર્થિક સહાય અટકાવવાના જી-૨૦ દેશોના પ્રયાસોને બિરદાવે છે.
મોદીએ જણાવ્યું હતું કે, વિશ્વ આતંકવાદના કેન્દ્રવર્તી પડકારનો સામનો કરી રહ્યું છે. જો આ મામલાને અત્યારે ઉકેલવામાં નહીં આવે તો વિશ્વે આગામી સપ્તાહો અને મહિનાઓમાં મોટી સમસ્યાનો સામનો કરવો પડશે. હિંસા અને આતંકના વધતા પરિબળો મૂળભૂત પડકારો સર્જી રહ્યાં છે. એવા કેટલાક દેશો છે જે આતંકવાદને પોતાની સ્ટેટ પોલિસીના સાધન તરીકે ઉપયોગમાં લઇ રહ્યાં છે.
ભારતમાં સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ પહેલી વાર મોદીએ જી-૨૦ જેવા શક્તિશાળી ગણાતા આંતરરાષ્ટ્રીય મંચ પરથી પાકિસ્તાન પર આટલો આકરો હુમલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ચીન પાકિસ્તાનનો સૌથી સારો મિત્ર દેશ છે. આ જોતાં મોદીની ટિપ્પણી ઘણું મહત્ત્વ ધરાવે છે.

કાળા નાણાંના દૂષણને ડામવા આહવાન

જી-૨૦ સમિટને સંબોધતા ભારતીય વડા પ્રધાને કાળા નાણાં અને કરચોરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે આર્થિક ભ્રષ્ટાચાર સામે એકજૂથ થઇને કાર્યવાહીની અપીલ કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે, અસરકારક ફાઇનાન્સિયલ ગવર્નન્સ માટે ભ્રષ્ટાચાર, કાળા નાણાં અને કરચોરી સામેની લડત કેન્દ્રવર્તી છે. જી-૨૦ દેશોએ આર્થિક ભ્રષ્ટાચાર સામે એક થઇ પગલાં લેવાં જોઇએ અને આર્થિક અપરાધીઓ માટે સ્વર્ગસમાન સ્થળોને નેસ્તનાબૂદ કરવા જોઇએ. આપણે હવાલા કૌભાંડીઓને શોધી કાઢી બિનશરતી દેશનિકાલ આપવો જોઇએ.
સમિટને સંબોધિત કરતા વડા પ્રધાને કહ્યું હતું કે, આપણે એવા સમયે મળી રહ્યા છીએ, જ્યારે વિશ્વ રાજકીય અને આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે. જી-૨૦ દેશોને ક્લેક્ટિવ, કોઓર્ડિનેટર અને ટારગેટેડ એક્સનની જરૂર છે.

વિશ્વના ટોચના નેતાઓ સાથે મુલાકાત

જી-૨૦ દેશોનાં સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વનાં શક્તિશાળી દેશોનાં નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા, ચીનના પ્રમુખ શી જિનપિંગ ઉપરાંત અન્ય નેતાઓ સાથે વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
મોદીએ વિવિધ રાષ્ટ્રોના નેતાઓ સાથેની બેઠકમાં પાકિસ્તાનના અશાંત વિસ્તારોમાં ચલાવવામાં આવી રહેલા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ ઉપરાંત આર્થિક વિકાસ સહિતનાં મુદ્દાઓ અંગે ભારતની ચિંતાઓથી માહિતગાર કર્યા હતાં.
મોદીએ યુએસ પ્રમુખ બરાક ઓબામા સાથે ટૂંકી મુલાકાત કરી હતી. તો ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન માલ્કમ ટર્નબુલ અને સાઉદી અરબના શાહજાદા મોહમ્મદ બિન સલમાન સાથે પણ દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. ટર્નબુલે ભારત આવવાના આમંત્રણનો પણ સ્વીકાર કર્યો હતો.

ઓબામાએ જીએસટી મુદ્દે મોદીની પ્રશંસા કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અમેરિકન પ્રમુખ બરાક ઓબામા સાથે મુલાકાત કરી હતી. ઓબામાએ ભારતમાં જીએસટી કાયદો પસાર થવા અંગે મોદીની પ્રશંસા કરી. તેમણે તેને આકરા વૈશ્વિક આર્થિક પરિદૃશ્યમાં ‘સાહસિક નીતિ’ ગણાવી હતી. જી-૨૦ સંમેલન માટે ગ્રૂપ ફોટો લેતી વખતે મોદીએ બરાક ઓબામા સાથે વાતચીત કરી હતી.

પેરિસ પર્યાવરણ સંધિને ચીન-યુએસની બહાલી

સાઇબર અને જળસીમાના વિવાદોને બાજુ પર મૂકીને અમેરિકી પ્રમખ બરાક ઓબામા અને ચીનના પ્રમુખ શી જિનપિંગે પેરિસ પર્યાવરણ સંધિમાં પોતાના દેશોની ભાગીદારી પર મહોર મારી દીધી હતી. બંને નેતાઓએ પૃથ્વીને બચાવવાની મહાન તક તરીકે પર્યાવરણ સહકારના આ નવા યુગને વધાવી લીધો હતો.
જી-૨૦ ગ્લબોલ સમિટ અવસરે વિશ્વમાં કાર્બનનનું સૌથી વધુ ઉત્સર્જન કરતાં બે દેશો અમેરિકા અને ચીનના પ્રમુખોએ યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ બાન કી મૂને શ્રેણીબદ્ધ દસ્તાવેજો મોકલી આપ્યા હતા. આ દસ્તાવેજો પ્રમાણિત કરે છે કે પેરિસ સંધિ સાથે જોડવામાં અમેરિકા અને ચીને પૂરતા પગલાં લીધાં છે.

અમેરિકી-ચીની સુરક્ષા ટુકડી વચ્ચે ટપાટપી

જી-૨૦ સંમેલનમાં પાંચમી સપ્ટેમ્બરે અમેરિકન પ્રમુખ બરાક ઓબામા હાંગઝોઉ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે સુરક્ષા મુદ્દે અમેરિકા અને ચીની અધિકારીઓ વચ્ચે ટપાટપી થઈ હતી. આ અંગે અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ ચીન પર જાહેરમાં પ્રહાર કર્યા હતા. ઓબામાએ કહ્યું હતું કે, અમેરિકા અને ચીનના મૂલ્યોમાં કેટલું બધું અંતર છે. આ પ્રકારની ઘટનાથી માનવાધિકાર અને પ્રેસની આઝાદી જેવા બે દેશના મૂલ્યોનો તફાવત સામે આવે છે. આપણે જે કામ કરીએ છીએ ત્યાં સુધી પ્રેસની પહોંચ હોવી જોઈએ. અમે જ્યારે પણ આવી યાત્રાઓ પર જઈએ છીએ ત્યારે અમારા મૂલ્યોને પાછળ છોડીને નહીં પણ સાથે લઈ જઈએ છીએ.
ઉલ્લેખયની છે કે હાંગઝોઉ એરપોર્ટ પર પ્રમુખ ઓબામા પહોંચ્યા ત્યારે ચીની સુરક્ષા અધિકારીઓએ સુરક્ષાના બહાને વ્હાઈટ હાઉસ અધિકારીઓ અને અમેરિકન પત્રકારો પર ગુસ્સે થયા હતા. તમામને એક બાજુ ધકેલી દીધા હતા. પત્રકારોએ દલીલ કરવા પ્રયાસ કર્યો તો તેમણે સંભળાવી દેવાયું હતું કે ‘આ અમારો દેશ છે, અમારું એરપોર્ટ છે.’ ઓબામાએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી.

જી-૨૦ પહેલા હાંગઝોઉમાં સન્નાટો

ચીની શહેર હાંગઝોઉમાં વૈશ્વિક નેતાઓની જી-૨૦ બેઠક યોજાઇ તે પૂર્વે ચીની સત્તાધિશોએ સમગ્ર શહેરને ભૂતિયા શહેરમાં ફેરવી નાખ્યું હતું. મુખ્ય કારણ હતું સુરક્ષા. શહેરની મોટા ભાગની દુકાનો બંધ કરાવી દેવાઈ હતી, મોલ ખાલીખમ જોવા મળતા હતા અને લોકોને વિના કારણ ઘર બહાર નહીં નીકળવાની સુચના આપી દેવામાં આવી હતી. જાણે શહેરવાસીઓ નજરકેદ હોય એવો માહોલ સર્જવામાં આવ્યો હતો. સાઉથ ચાઇના સીમાં સતત દાદાગીરી કરી રહેલા ચીનને એક શહેરમાં બેઠક યોજવામાં ભારે ડર લાગતો હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. જી-૨૦ની બેઠક તો અનેક વાર જગતના અનેક શહરોમાં યોજાઈ છે, પણ ચીનની માફક ડરી જઈને જનજીવન ઠપ્પ કરી દેવામાં આવ્યું હોય તેવા બનાવો અન્ય કોઇ દેશમાં બન્યા નથી.
ચીની જાયન્ટ ઈ-કોમર્સ કંપની અલિબાબાની ઓફિસ આ શહેરમાં છે અને બીજા અનેક સ્ટીલ કારખાનાઓ આ શહેરની આસપાસ ધમધમી રહ્યા છે. શહેરની વસતી ૯૦ લાખ કરતાં પણ વધારે છે. જોકે જી-૨૦ દરમિયાન તો શહેરમાં જાણે ૯ લાખથી પણ ઓછા લોકો વસતા હોય તેવો માહોલ સર્જાયો હતો.


comments powered by Disqus