ફિલ્મ ‘શિવાય’ને બદનામ કરવા અને ‘એ દિલ હૈ મુશ્કિલ’ને પ્રમોટ કરવા કરણ જોહરની કંપનીએ ક્રિટિક કમાલ રશીદ ખાનને રૂ. ૨૫ લાખ આપ્યા હોવાનો આરોપ લગાવતો ઓડિયો અજય દેવગણે સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં કમાલ ખાને ‘એ દિલ હૈ મુશ્કિલ’ માટે નાણાં મળતા હોવાથી તેની તરફેણ કરતો હોવાની કબૂલાત કરી હતી. અજય દેવગણે ઓડિયોને પુરાવા તરીકે રજૂ કરી આ મામલે ન્યાયિક તપાસની માગણી કરી છે. આ અંગે કરણ જોહરે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે, મારું આત્મસન્માન, મારું નામ, કંપનીની પ્રતિષ્ઠા અને મારો ઉછેર આવી વાતોના જવાબ આપવાની પરવાનગી આપતા નથી. આ મામલે ડિરેક્ટર પ્રકાશ ઝાએ કહ્યું હતું કે, અજય, મને સહેજ પણ અચરજ થયું નથી. તે બહુ ડરેલા છે અને શોર્ટ કટનો ઉપયોગ કરે છે, પરંતુ તમારી સાથે શિવ છે.
ઉલ્લેખનીય છે કે કમાલ ખાને સામે આક્ષેપ મૂક્યો છે કે જોહરને ટાર્ગેટ કરવા અજય તેના ખભે બંદૂક મૂકી રહ્યો છે અને તે સાથે તેણે કબૂલાત કરી કે નાણાં લઇને ફિલ્મનું પ્રમોશન કરવું એ મારી પોલીસી છે અને તેમાં ખોટું કંઇ નથી.

