વોશિંગ્ટનઃ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ ચેતવણી ઉચ્ચારી છે કે પોતાની આક્રમક આર્થિક નીતિ અને વિવાદિત સાઉથ ચાઇના સી મુદ્દે પાડોશીઓને ચિંતામાં મૂકી રહેલા ચીને વિશ્વ મંચ પર સંયમ જાળવીને જવાબદાર બનવાની જરૂર છે. ઓબામાએ કહ્યું હતું કે મેં ચીનના પ્રમુખ શી જિનપિંગને એ સમજાવવા પ્રયાસ કર્યો છે કે અમેરિકા સંયમ જાળવીને સત્તાના આ સ્થાને પહોંચી શક્યું છે. ‘આપણે જ્યારે અનેક આંતરરાષ્ટ્રીય કાયદા અને નિયમોથી બંધાતા હોઇએ છીએ તેનો અર્થ એ થાય કે આપણે તેને માન્યતા આપીએ છીએ. લાંબા ગાળે સંગીન આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ઊભી કરવી તે આપણા હિતમાં છે. અને હું વિચારું છું કે લાંબા ગાળે આ બાબત ચીનના પણ હિતમાં રહેશે.’
ઓબામાએ કહ્યું હતું કે, ‘આપણે જોયું છે કે ચીન આંતરરાષ્ટ્રીય નિયમો અને પરંપરાનો ભંગ કરે છે. આર્થિક નીતિઓ અને દક્ષિણ ચીની સાગર કિસ્સામાં આવા વલણો સામે આવ્યા છે. આપણે મક્કમ છીએ. આપણે સંકેત આપી ચૂક્યા છીએ કે તેના પરિણામો ભોગવવા પડશે.’ અમેરિકા ભારપૂર્વક ચીનને સમજાવી રહ્યું છે કે ચીન જો આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ કામ કરે છે તો બંને દેશોએ ખરેખર સહયોગી દેશ બનવું જોઇએ.
વાણિજ્ય મોરચે પણ અમેરિકા અને ચીન મિત્રતાપૂર્ણ સ્પર્ધક બની શકે તેમ છે, પરંતુ કેટલીક આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ જ બંને દેશને મિત્રતાથી દૂર રાખે છે.

