મહેસાણા, ગાંધીનગરઃ મહેસાણા તાલુકાના અંબાસણથી સ્ટુડન્ટ વીઝા પર અમેરિકા ગયેલા ૨૧ વર્ષના યુવાનને સ્થાનિક અશ્વેત યુવાને ઠાર મારતાં વતનમાં શોકની કાલિમાં છવાઈ ગઈ છે. મોટી બહેન જૈમિની અને મૃતક યુવાન મૌલિક બંને સ્ટુડન્ટ વીઝા પર દોઢ વર્ષ અગાઉ જ અમેરિકા ગયાં હતાં અને કેન્ટકી સ્ટેટના લુઈ વિલે શહેરમાં રહેતા હતાં. મૌલિક અભ્યાસના ખર્ચને પહોંચી વળવા પાર્ટ ટાઇમ જોબ કરતો હતો.
૨૧ વર્ષનો મૌલિક લુઈ વિલમાં રહીને ડિપ્લોમા એન્જીનિયરીંગમાં અભ્યાસ કરતો હતો. ગુરૂવારે, બીજી જૂને મોડી રાત્રે ૧૧.૩૦ વાગ્યાના અરસામાં તે પાર્ટ ટાઇમ જોબ પરથી તે ૪૯૦૦ સેડલબ્રુક લેઈન ખાતેના પોતાના નિવાસસ્થાને પાછો ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. મૌલિક પોતાના એક મિત્ર સાથે મોબાઈલ પર વાત કરતાં ચાલતો ચાલતો તે પોતાના ઘરથી માંડ ૫૦૦ મીટર દૂર રોકફર્ડ લેન પાસે પહોંચ્યો હતો ત્યાં પાછળથી આવેલા અજાણ્યા અશ્વેત યુવાને ફોન કરવા તેનો મોબાઇલ
માગ્યો હતો.
મૌલિકને અશ્વેત યુવાનનો ઇરાદો શંકાસ્પદ જણાતા તેને રોડની સામે આવેલા કન્વીનિયન્સ સ્ટોરમાં જઇને ફોન કરવા કહ્યું હતું. આથી ઉશ્કેરાયેલા અશ્વેત યુવાને બંદૂક કાઢીને મૌલિકને પીઠની પાછળના ભાગે ગોળી ધરબી દીધી હતી અને નાસી છૂટ્યો હતો. મૌલિકને પીઠના ભાગે મારવામાં આવેલી ગોળી છાતી વીંધીને બહાર નીકળી ગઇ હતી. ગંભીર ઇજાગ્રસ્ત મૌલિક લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઇ પડ્યો હતો.
હુમલાની ઘટનાની જાણ થતાં પોલીસ ચારેક મિનિટમાં સ્થળ પર પહોંચી ગઇ હતી. પોલીસે તેને ઘટનાસ્થળે મૃત્યુ પામેલો જાહેર કર્યો અને હુમલાખોરના સગડ મેળવવા સમગ્ર વિસ્તારમાં તપાસ આદરી હતી.
મૌલિકના પિતા કનૈયાલાલ પટેલ તાલુકાના જગુદણ ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પુત્રને ધોરણ ૧૨માં સારા માર્ક આવ્યા હોવાથી તેને વધુ અભ્યાસ માટે મૌટી પુત્રી જૈમિની સાથે કેન્ટકી સ્ટેટના લુઈ વિલેમાં ભણવા મોકલ્યો હતો. મૌલિક પર હુમલો થયાની જાણ થતાં બહેન જૈમિની અને અન્ય પરિચીતો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે જ અંબાસણમાં પિતાને આ આઘાતજનક ઘટનાની જાણ કરતાં નાનકડા અંબાસણમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઉલ્લેખનીય છે કે કેન્ટકી સ્ટેટના આ લુઈ વિલે શહેરમાં છેલ્લા એક વર્ષમાં હત્યાની ૪૮મી ઘટના છે.

