કાળું નાણું ભારત પરત લાવવા સ્વિત્ઝર્લેન્ડ સાથે સહયોગ

Wednesday 08th June 2016 06:34 EDT
 
 

જિનિવાઃ ન્યૂક્લિયર સપ્લાયર ગ્રૂપ (એનએસજી)માં સ્થાન મેળવવાના ભારતના રાજદ્વારી પ્રયાસોને વેગ આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સ્વિત્ઝર્લેન્ડનું મહત્ત્વનું સમર્થન મેળવવામાં સફળ રહ્યા હતા. તો સાથોસાથ વિદેશમાં ધરબાયેલાં કાળા નાણાં સ્વદેશ પરત લાવવાની દિશામાં મહત્ત્વની સફળતા હાંસલ કરતાં ભારત અને સ્વિત્ઝર્લેન્ડ સ્વિસ બેંકોમાં ભારતીયો દ્વારા જમા કરાયેલું કાળું નાણું શોધી કાઢવામાં સહકાર વધારવા પણ સંમત થયા છે.
સોમવારે સ્વિત્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ જોહોનને સ્નાઇડરે અમ્માને વડા પ્રધાન મોદી સાથે વિવિધ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મંત્રણા બાદ સંયુક્ત નિવેદનમાં તેમણે એનએસજીમાં ભારતનાં સભ્યપદને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. એનએસજીમાં સ્વિત્ઝર્લેન્ડ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એનું સમર્થન ભારત માટે મહત્ત્વનું પુરવાર થશે. તેમણે જણાવ્યું હતું કે અમે એનએસજીના સભ્યપદ માટે ભારતને સમર્થનનું વચન આપ્યું છે.
પ્રતિભાવમાં વડા પ્રધાન મોદીએ સ્વિસ રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે બંને દેશો યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં સભ્યપદ માટે એકબીજાના દાવાને સમર્થન આપવા સંમત થયા છે. કરચોરી અને કાળા નાણાના દૂષણ સામેની લડાઈ બંને દેશોની પ્રાથમિકતા છે. કરચોરો સામે ખટલા ચલાવવા ઝડપી માહિતી માટે બંને દેશ સંમત થયા છે.

ભારતમાં ૨-૩ સ્વિત્ઝર્લેન્ડ બનાવવા છેઃ મોદી

મોદીએ સ્વિત્ઝર્લેન્ડના ટોચના ઉદ્યોગપતિઓની બેઠકમાં જણાવ્યું હતું કે હું ભારતમાં બેથી ત્રણ સ્વિત્ઝર્લેન્ડ નિર્માણ કરવા માગું છું. ભારતને ૫૦ શહેરોમાં મેટ્રો રેલવે પ્રોજેક્ટ અને પાંચ હજાર રહેણાંકો તૈયાર કરવા છે. મારી સરકાર રેલવે નેટવર્કનો વિસ્તાર કરવા માગે છે. તે ઉપરાંત ભારત પર્યાવરણની જાળવણીના ઉદ્દેશ સાથે ૧૭૫ ગીગાવોટ સૌરઉર્જાનું ઉત્પાદન કરવા માગે છે. આ માટે સ્વિસ રોકાણની જરૂર છે.

ભારતે સ્વિત્ઝર્લેન્ડ પાસેથી શું મેળવ્યું?

• ન્યૂક્લિયર સપ્લાયર ગ્રૂપમાં સભ્યપદને સમર્થન

• કાળા નાણાં - કરચોરોની માહિતીની આપલે

• રિન્યુએબલ એનર્જી અને વોકેશનલ એજ્યુકેશનમાં સહકાર અને રોકાણ.


comments powered by Disqus