પેરિસઃ વિશ્વના પ્રથમ ક્રમાંકિત સર્બિયાના નોવાક જોકોવિચે રવિવારે રમાયેલી ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ભારે લડત બાદ બીજા ક્રમાંકિત બ્રિટનના એન્ડી મરેને ૩-૬, ૬-૧, ૬-૨, ૬-૪થી હરાવી કારકિર્દીમાં ૧૨મું ટાઇટલ જીત્યું હતું. આ સાથે તેણે કેરિયર ગ્રાન્ડ સ્લેમ પણ પૂરો કર્યો હતો. સર્બિયન ખેલાડીએ ટેનિસના ચારેય મેજર ગ્રાન્ડ સ્લેમ જીતીને ‘નોવાક સ્લેમ’ હાંસલ કર્યો હતો. કેરિયર ગ્રાન્ડ સ્લેમ પૂરો કરનાર તે વિશ્વનો આઠમો ખેલાડી બન્યો છે અને તેણે સતત ચારેય ગ્રાન્ડ સ્લેમ જીતનાર ત્રીજા ખેલાડી તરીકેની સિદ્ધિ મેળવી હતી.
મુગુરુઝાનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ
સ્પેનની મુગુરુઝાએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી અમેરિકાની સેરેના વિલિયમ્સને સતત બે સેટમાં ૭-૫, ૬-૪થી હરાવીને વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું હતું. મુરુગુઝાએ શાનદાર પ્રદર્શન કરતાં પહેલો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો હતો. આ સાથે જ તેણે સેરેનાનું ૨૨ ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સપનું તોડ્યું હતું.

