ફિનિક્સઃ બોક્સિંગ રિંગના બેતાજ બાદશાહ મોહમ્મદ અલીનું ૭૪ વર્ષની વયે નિધન થયું છે. ત્રણ વખતના બોક્સિંગ ચેમ્પિયન મોહમ્મદ અલીનું જીવન ઘણું ઉતાર ચડાવભર્યું રહ્યું હતું. બોક્સિંગમાં સૌથી મહત્ત્વના યોગદાન બદલ તેમને ઓલટાઇમ મહાન હેવીવેઇટ બોક્સરના નામથી પણ નવાજવામાં આવ્યા છે. પ્રોફેશનલ બોક્સિંગમાં વર્ષો સુધી દબદબો જાળવી રાખનારા મોહમ્મદ અલી હવે ભલે આ દુનિયામાં ન હોય, પરંતુ તેમની મહાનતા ક્યારેય વિસરાશે નહીં.
મોહમ્મદ અલીએ માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં જ ૧૯૬૪માં પ્રથમ ચેમ્પિયનશિપ જીતી હતી. તેમણે ૧૯૭૯માં ફાઇટ બાદ નિવૃત્તિ જાહેર કરી હતી. જોકે ડિસેમ્બર ૧૯૮૧માં તેઓ ફરી વાર બોક્સિંગ રિંગમાં ઉતર્યા હતા. મોહમ્મદ અલીએ ચાર લગ્ન કર્યા હતા અને તેમના કુલ ૯ સંતાનો છે. મોહમ્મદ અલીની સૌથી નાની દીકરી લૈલા અલી હાલ પ્રોફેશનલ બોક્સર છે.
મહાન બોક્સર મોહમ્મદ અલીનું મુળ નામ કેસિયસ માર્સેલસ ક્લે જુનિયર હતું અને ૧૯૬૪માં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતતાની સાથે જ તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. મોહમ્મદ અલીને તેમના રાષ્ટ્રવાદી વિચારો, સમાનતા અને કોઇની વિરુદ્ધ ખરાબ વાણીનો ઉપયોગ નહીં કરવા બદલ મહાન ગણવામાં આવતા હતા. મોહમ્મદ અલી હંમેશા નાગરિકોના અધિકારોની તરફેણ કરતા હતા. તેમને રમત, જાતિ અને રાષ્ટ્રીયતાના સીમાડાથી અલગ એક કવિ તરીકે પણ ખ્યાતિ મેળવી હતી. મોહમ્મદ અલીએ બોકસર બનવાની પ્રેરણા એક પોલીસ કર્મી પાસેથી મેળવી હતી.
શુક્રવારે મોહમ્મદ અલીની અંતિમ વિધિ થશે તે પૂર્વે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન સહિતના મહાનુભાવો સંબોધન કરશે. મોહમ્મદ અલીના કેન્ટકી સ્ટેટમાં આવેલા હોમ ટાઉન લૂઇ વિલેમાં તમામ સરકારી ઇમારતો પર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યા છે. મોહમ્મદ અલીના નિધન બાદ તેમની અંતિમ વિધિમાં હોલિવૂડ ફિલ્મ અભિનેતા બિલિ ક્રિસ્ટલ અને ટીવી પ્રેઝન્ટર બ્રાયન ગમ્બલ પણ હાજર રહેશે. આ ઉપરાંત અમેરિકાના અન્ય મહાનુભાવો પણ શ્રદ્ધાંજલિ આપશે. બીજી તરફ ન્યૂ યોર્ક, વોશિંગ્ટન સહિતના મોટા શહેરોમાં પણ તેમના પ્રશંસકોએ વિવિધ સ્થળોએ ફૂલો અર્પણ કરી અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ફાઇટ ઓફ ધ સેન્ચુરી
મોહમ્મદ અલી અને ફ્રેઝિયર વચ્ચે આઠમી માર્ચ, ૧૯૭૧ના રોજ એક ફાઇટ થઈ જેનું નામ ફાઇટ ઓફ ધ સેન્ચુરી રાખવામાં આવ્યું હતું. ૧૫ રાઉન્ડના આકરા સંઘર્ષ બાદ આ ફાઇટમાં મોહંમદ અલી જીત્યા હતા. આ મુકાબલો મનિલામાં યોજાયો હતો અને ૧૫ રાઉન્ડ ચાલેલા મુકાબલામા એવું લાગતું હતું કે, બંનેમાંથી કોઇ એક બોક્સર પોતાનો જીવ ગુમાવશે.

