દોહાઃ ભારતીય વડા પ્રધાનની બે દિવસની કતાર મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે સાત મહત્વના કરારો થયા છે. જેમાં હવાલા ટ્રાન્ઝેક્શન્સ અને ટેરર ફાઇનાન્સિંગ પર બન્ને દેશો વચ્ચે સંયુક્ત કમિટી રચવાનો પણ સમાવેશ થાય છે. આ દ્વિપક્ષીય કરારો બાદ બન્ને દેશની ગુપ્તચર એજન્સીઓ એકબીજાના સંપર્કમાં રહેશે અને આતંકીઓની ગતિવિધી પર નજર રાખશે. ખાસ કરીને આતંકીઓને કેટલાક દેશોમાં આંતરિક તત્વો જ ભંડોળ પૂરું પાડતા હોય છે, જેના પર પણ હવે ચાંપતી નજર શક્ય બનશે.
બન્ને દેશો વચ્ચે એક હાઇ લેવલની જોઇન્ટ કમિટી પણ રચાશે, જે બન્ને દેશોના વ્યાપાર તથા અન્ય મુદ્દાઓ અંગે એકબીજાના સંપર્કમાં રહેશે. આ ઉપરાંત ભારત અને કતારની બે ખાનગી કંપનીઓ વચ્ચે હોટેલ બનાવવા માટે કરાર થયા છે. આ હોટેલ આગ્રામાં તાજ મહેલથી થોડે દુર બનશે.
કતાર ભારતને ક્રૂડ ઓઇલ પુરુ પાડવામાં પણ મદદ કરશે. બન્ને દેશો વચ્ચે થયેલા કરાર બાદ એક સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે કતાર પાસેથી ભારત વધુ પ્રમાણમાં અને વાજબી ભાવે ક્રૂડ ઓઇલથી લઇને ગેસનો જથ્થો ખરીદવામાં રસ ધરાવે છે. ખાસ કરીને કતારમાં ગેસ અને ઓઇલના બ્લોક્સ મળી આવ્યા છે જેમાં ભારતે પણ રસ દાખવ્યો છે.
ભારતમાં રોકાણ માટે આમંત્રણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કતારની મુલાકાત દરમિયાન ટોચની કંપનીના સીઇઓ અને બિઝનેસમેન સાથે બેઠક યોજી હતી અને તેમને ભારતમાં મૂડીરોકાણ કરવા માટે વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં હાલ વ્યાપાર ક્ષેત્રે રોકાણની વ્યાપક તકો રહેલી છે જેને કતારની કંપનીઓએ ઝડપી લેવી જોઇએ.

