નવી દિલ્હીઃ ટીમ ઇંડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ઇએસપીએને તૈયાર કરેલી વિશ્વના ટોચના ૧૦૦ ખેલાડીઓની યાદીમાં સ્થાન મળ્યું છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમનો કેપ્ટન કોહલી ટોપ-૧૦માં છે. યાદીમાં બાસ્કેટ બોલ અને ફૂટબોલ ખેલાડીઓનો દબદબો જોવા મળે છે. ટોચના ૧૦૦ ખેલાડીઓમાં માત્ર બે ક્રિકેટર ધોની તથા કોહલી સામેલ છે.
કોહલીને યાદીમાં આઠમું અને ધોનીને ૧૩મું સ્થાન મળ્યું છે. ભારતની ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા યાદીમાં ૪૧મા ક્રમાંકે છે. ખેલાડીઓને તેમના કુલ વેતન, એન્ડોર્સમેન્ટ, સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ તથા ગૂગલ સર્ચની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને રેન્કિંગ આપવામાં આવી છે.

