વોશિંગ્ટનઃ વૃદ્ધાવસ્થાના રોગોથી મુક્તિ અપાવતી 'યૂથ પીલ'ની મનુષ્ય પરની અજમાયશ બે વર્ષમાં શરૂ થઇ જવા શક્યતા છે. આ ગોળી ૩૦ જેટલા વિટામિન અને ખનિજ પદાર્થનું મિશ્રણ છે. જે હેલ્થ ફૂડ સ્ટોર મળશે અને આહારપૂરક ગોળીના રૂપમાં તેને લઇ શકાશે. ગોળીના પ્રાથમિક પરીક્ષણમાં જણાયું છે કે વિટામિન બી, સી, ડી, ફોલિક એસિડ, ગ્રીન ટીનો અર્ક, કોડલીવર ઓઇલ જેવા તત્વો ધરાવતી ગોળી શરીર પર નાટયાત્મ પ્રભાવ સર્જે છે.
અભ્યાસના તારણો સૂચવે છે કે ઉંદરો પર તેની ધારી અસર થઇ છે. છેલ્લે અડધોઅડધ બ્રેઇન સેલ નાશ પામ્યા હોય તેવા ઉંદર પર ગોળીનો પ્રયોગ થયો હતો. બ્રેઇનના અડધોઅડધ કોષ નાશ પામવાની ઘટનાને માનવીય કિસ્સામાં અલ્ઝાઇમર દર્દ જ કહી શકાય. ઉંદરોને ચોક્કસ સમય રોજ આ ગોળીના તત્વો અપાતા તેની સ્થિતિમાં સુધારો જણાયો હતો. આ પછી એક તબક્કો એવો આવે છે કે જ્યારે બ્રેઇન સેલ લોસની ઘટના અટકી પણ જાય છે.
સંશોધકોના મતે ગોળી અલ્ઝાઇમર અને પાર્કિન્સન જેવી ન્યૂરોલોજીક વ્યાધિની સારવારમાં ઉપયોગી થશે. વ્યક્તિ વૃદ્ધ થતાં તેની દૃષ્ટિ નબળી પડે છે, શરીર સમતોલન ગુમાવવા લાગે છે. વૃદ્ધત્વને કારણે થતાં ન્યૂરાલોજીકલ રોગથી આ બધું થતું હોય છે. પરંતુ એન્ટિ-એજીંગ ગોળી તેવા દર્દી પર પણ નાટયાત્મક અસર કરીને જીવનની ગુણવત્તા સુધારવા માટે સક્ષમ જણાઇ છે.

