બોસ્ટનઃ યુએસની જાણીતી બોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો ગુજરાતી વિદ્યાર્થી એક સ્ટોરમાંથી ચોરી કરીને ભાગવા જતાં ઝડપાઇ ગયો હતો. ૧૮ વર્ષના પાર્થ પટેલ સામે કોસ્ટકોના એક સ્ટોરમાંથી નવ હજાર ડોલરના માલસામાનની ચોરીનો આરોપ છે.
પોલીસે પાર્થની ધરપકડ કરીને તેની પાસેથી સ્પીકર સિસ્ટમ, સ્પીકર્સ, જિન અને વ્હીસ્કીની બોટલ્સ સહિત ૪૦થી વધુ ચીજવસ્તુઓ કબ્જે કરી છે. પાર્થનું કહેવું હતું કે તે કોસ્ટકોના એક સ્ટોરમાં ગયો ત્યારે ગાંજાના નશામાં ધૂત હતો.
પાર્થ તેના પિતાની બીએમડબ્લ્યુ કાર લઇને સ્ટોરમાં ગયો હતો. કારમાંથી પોલીસને બે લેપટોપ, એક આઇપેડ, એક મોબાઇલ ફોન, મેડિકલ સેન્ટરના ત્રણ આઇકાર્ડ અને થોડોક ગાંજો મળી આવ્યા હતા. પોલીસનું માનવું છે કે પાર્થની કારમાંથી મળી આવેલી વસ્તુઓ પણ તેણે ચોરેલી હોય તેવું બની શકે છે.
નોંધનીય છે કે પાર્થ ચોરીના ગુનામાં પકડાયો તે અગાઉ બોસ્ટન યુનિવર્સિટીમાં પણ તેને ‘કેમ્પસ માટે જોખમરૂપ’ ગણાવાયો હતો. આથી તે મેડિકલ લીવ પર હતો. હવે તે વધારે મોટી મુસીબતમાં મુકાયો છે.

