જ્યોર્જિયામાં ભૂમિકા પટેલે સશસ્ત્ર લૂંટારુને ભગાડ્યો

Wednesday 09th March 2016 06:37 EST
 
 

જ્યોર્જિયાઃ અમેરિકામાં વધુ એક ગુજરાતી પર લૂંટના ઇરાદે હુમલાનો બનાવ નોંધાયો છે. જોકે આ વખતે ફરક એ છે કે હુમલાખોર યુવકને જડબાતોડ જવાબ મળ્યો છે અને આ હિંમત દેખાડી છે ગુજરાતી મહિલાએ. ભૂમિકા પટેલ નામની આ મહિલાએ લૂંટારુના હાથમાં રહેલી ગન અને હથોડાની પરવા કર્યા વિના એવો સજ્જડ પ્રતિકાર કર્યો હતો કે હતપ્રભ થઇ ગયેલા યુવકને નાસી જવા ફરજ પડી હતી.
આ સમગ્ર ઘટના એક સીસીટીવી કેમેરામાં કેદ ગઇ છે, જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે બંદૂકની અણીએ કેવી રીતે લૂંટનો પ્રયત્ન કરાયો અને લૂંટારુનો કેવી રીતે પ્રતિકાર થયો હતો.
જ્યોર્જિયાની બૂર્કે કાઉન્ટીમાં સ્ટોર ધરાવતા ભૂમિકા પટેલ જ્યારે લુંટારો આવ્યો ત્યારે કેશ કાઉન્ટર પર બેઠા હતા. ૧૭ વર્ષીય ક્રિશ્ચિયન ડાકોટા થોર્નટન કેશ કાઉન્ટર પર પહોંચ્યો હતો. તેણે સોડા કેન લઇને પીધું હતું અને પછી તેના પૈસા ચૂકવવાને બદલે ભૂમિકા પટેલના ચહેરા સામે ગન તાકીને કેશબોક્સમાં જે કંઇ પણ પૈસા હોય તે આપી દેવા ધમકી આપી હતી.
ત્યાં ગોઠવાયેલા કેમેરાના વીડિયો ફૂટેજ પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે આ ક્ષણે ભૂમિકા પટેલે સહેજ પણ ગભરાયા વિના કે નાણા તેમને સોંપ્યા વગર તેનો સામનો કર્યો હતો. ભૂમિકાએ કહ્યું હતું કે 'ના, હું તને નાણા નહીં આપું.’ આ સમયે હુમલાખોરે ધમકી આપી હતી કે તો હું ગોળી મારી દઇશ. તો ભૂમિકાએ કહ્યું હતું કે સારું તું ગોળી મારી દે.
આ પછી તરત જ તેમણે હાથની ઝાપટ મારીને લૂંટારાની ગન પોતાના ચહેરા સામેથી હટાવી દીધી હતી અને કેશ કાઉન્ટરમાં હાથ નાંખવાનો પ્રયાસ કરી રહેલા થોર્નટનના વાળ પકડી લઇને કેશ કાઉન્ટર પર તેનું માથું પછાડવાનું ચાલુ કર્યું હતું. આ સમયે અચાનક ભૂમિકાના હાથમાં હુમલાખોરનો હથોડો આવી ગયો હતો.
પોતાનો હથોડો ભૂમિકાના હાથમાં જતો રહેતા જ લૂંટારો સમજી ગયો હતો કે ખાલી હાથે મને કેશ કાઉન્ટર પર પછાડનાર આ વિરાંગનાના હાથમાં હવે હથિયાર આવી ગયું છે. આથી તે મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો હતો. ભૂમિકાએ હાથમાં હથોડા સાથે તેનો પીછો પણ કર્યો હતો. જોકે તે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
જોકે રણચંડી સ્વરૂપ ભૂમિકા પટેલ તેની પાછળ દોડી હતી, પણ યુવક ભાગી જવામાં સફળ રહ્યો હતો. બાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે યુવકને ઝડપી લીધો હતો. પોલીસે વિવિધ કલમ હેઠળ તેની સામે ગુનો નોંધ્યો છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, દુકાન લૂંટવાનાં ઇરાદાથી આવેલાં હુમલાખોરની ઓળખ ક્રિશ્ચિયન ડાકોટા તરીકે થઇ છે. તેણે બંદૂકની અણીએ દુકાનને લૂંટવા પ્રયાસ કર્યો હતો. હુમલાખોર દુકાનમાં સોડાનું કેન ખરીદવાના બહાને આવ્યો હતો. કેન લઇને તે કેશ કાઉન્ટર પર પહોંચ્યો હતો. ભૂમિકાએ જ્યારે તેની પાસેથી સોડા કેનનાં પૈસા માંગ્યા તો તેણે બંદૂક કાઢીને તેની સામે ધરી દઇને દુકાનના કાઉન્ટરમાં રાખેલા પૈસા આપી દેવા ધમકી આપી હતી.
ભૂમિકા પટેલે જણાવ્યું હતું કે આ ઘટનાક્રમમાં તેને કોઇ ઈજા થઇ નથી. ભૂમિકાની આ બહાદુરીનાં આસપાસનાં વિસ્તારમાં ભારે વખાણ થઇ રહ્યાં છે.


comments powered by Disqus