બિઝનેસમેન રાજાએ સગર્ભા પ્રેમિકાની હત્યાનો પ્રયાસ કર્યો

Wednesday 09th March 2016 05:39 EST
 
 

લંડનઃ સટન કોલ્ડફિલ્ડના બિઝનેસમેન બાબુર કરામાત રાજા પર તેની પ્રેગનન્ટ પ્રેમિકા નતાલી ક્વિરોઝની હત્યાના પ્રયાસનો આરોપ મૂકાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર રાજાએ શુક્રવાર, ચોથી માર્ચે નતાલીના પેટ અને હાથ પર ચાકુના વારંવાર ઘા કર્યા હતા. ૪૧ વર્ષીય રાજાને સોમવાર, સાતમી માર્ચે બર્મિંગહામ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. ચર્ચની બહાર શેરીમાંથી પસાર થતા પાંચ રાહદારીએ ઘાયલ નતાલીને પ્રાથમિક સારવાર આપવા ઉપરાંત હુમલાખોરને ઝડપી લીધો હતો. હોસ્પિટલમાં નતાલીએ સિઝેરિયન ઓપરેશનમાં સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. રાજા સામે હુમલો, બાળકના નાશનો પ્રયાસ તેમજ જાહેરમાં ચાકુ જેવું શસ્ત્ર રાખવાના ગુનાઓ પણ લાગ્યા છે.

ફાર્માસ્યુટિકલ કંપનીમાં મેનેજર અને બે સંતાનની માતા નતાલી એકાદ વર્ષ અગાઉ જ રાજા સાથે રહેવા ગઈ હતી. બોબી કરામાત નામે ઓળખાતો રાજા મિસ ક્વિરોઝ સાથે રહેવા ગયો તે પહેલા સટન કોલ્ડફિલ્ડમાં ગોલ્ફ કોર્સ નજીક તેની માતા સાથે પાંચ બેડરુમના ઘરમાં રહેતો હતો. હુમલાખોર બિઝનેસમેન-કંપની ડિરેક્ટર રાજા બર્મિંગહામના લેબર સાંસદ ખાલિદ મહેમૂદનો ફેસબૂક મિત્ર છે. રાજાને ઓળખતા હોવાનું જણાવી તેમણે હુમલા અંગે આઘાતની લાગણી દર્શાવી હતી.

હુમલાનો ભોગ બનેલી નતાલીને પ્રસૂતિનાં ગણતરીના દિવસો બાકી હતા. મિસ ક્વિરોઝને એરલિફ્ટ કરી હોસ્પિટલ લઈ જવાઈ હતી. મિસ ક્વિરોઝના સગાંએ માતા અને બાળકનો જીવ બચાવવા પાંચ રાહદારીએ દર્શાવેલી સમયસૂચકતા અને હિંમતની ભારે પ્રસંશા કરવા સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી. પ્રિઝન ગાર્ડ ડેનિયલ બિર્ચે ચાકુધારી રાજાને જમીન પર પટકી દીધો હતો. ક્રિશ્ચિયન બ્લન્ડેલ અને કેલૂમ ગિબ્સન પણ હુમલાખોર પર તૂટી પડ્યા હતા. પોલીસ આવ્યા પછી તેઓ નતાલીની પ્રાથમિક સારવારમાં લાગી ગયા હતા. પોલીસે પણ નાગરિકોના કાર્યને બિરદાવ્યું હતું.


    comments powered by Disqus