મુંબઇઃ ક્રિકેટચાહકો જેનો લાંબા સમયથી ઇંતઝાર કરી રહ્યા હતા તે ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપનો મંગળવારથી પ્રારંભ થઇ ગયો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ ભલે લાંબા સમયથી રાજકીય વિવાદમાં અટવાતી હોય પરંતુ આ કટ્ટર પ્રતિસ્પર્ધીઓ વચ્ચેનો જંગ ૧૯ માર્ચે ધર્મશાળામાં જોવા મળશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ જાહેર કરેલા આ ટાઇમટેબલ અનુસાર આ બન્ને ટીમો ટી૨૦ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની ટીમો એક જ ગ્રૂપમાં છે.
આઇસીસીએ જાહેર કરેલા ગ્રૂપ પર નજર ફેરવતા જણાય છે કે ભારતને કઠોર ગ્રૂપમાં રાખવામાં આવ્યું છે. જેમાં કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. યજમાન ભારત ૧૫ માર્ચે નાગપુરમાં ન્યૂ ઝીલેન્ડ સામે મેચ રમીને આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ અભિયાનનો પ્રારંભ કરશે.
આઠ માર્ચથી શરૂ થયેલો આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ ત્રીજી એપ્રિલ સુધી ભારતના વિવિધ શહેરોમાં રમાશે. ટૂર્નામેન્ટ દરમિયાન ૧૬ ટીમો વચ્ચે કુલ ૩૫ મેચો રમાશે. કુલ ૩૮ કરોડ રૂપિયાની પ્રાઇસ મની ધરાવતી આ ટૂર્નામેન્ટના વિજેતાને રૂ. ૨૪ કરોડ જ્યારે રનર અપને રૂ. ૧૦ કરોડ મળશે.
આ વર્લ્ડ કપની સેમિ-ફાઇનલ મેચો દિલ્હી અને મુંબઇમાં રમાશે જ્યારે ફાઇનલ મુકાબલો ઐતિહાસક મેદાન કોલકતાના ઇડન ગાર્ડન પર રમાડવામાં આવશે. આ મુકાબલા ૩૦ અને ૩૧મી માર્ચે રમાશે.
આ વર્લ્ડ કપમાં કુલ ૧૬ ટીમો ભાગ લેશે અને આ બીજી વખત એવું બન્યું છે કે ટેસ્ટ મેચ રમતા ૧૦ એસોસિએટ્સ દેશો ઉપરાંત અન્ય છ ટીમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રીલંકાની ટીમ આ ટુર્નામેન્ટમાં ગત ચેમ્પિયન છે.
ગત વર્ષે યોજાયેલા ટી૨૦ વર્લ્ડ કપ ક્વોલિફાયરના દેખાવને આધારે અફઘાનિસ્તાન, નેધરલેન્ડ્સ, આયર્લેન્ડ, ઓમાન, હોંગકોંગે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ બાંગ્લાદેશ-ઝિમ્બાબ્વે ટેસ્ટ દરજ્જો ધરાવે છે, પરંતુ તે આઇસીસી ટી૨૦ રેન્કિંગમાં ટોપ-૮માં નહીં હોવાથી તેને ક્વોલિફાઇંગ રાઉન્ડમાં રમવું પડશે.
છેલ્લા કેટલાક સમયના દેખાવને જોઇએ તો ગ્રૂપ 'એ'માંથી બાંગ્લાદેશના ક્વોલિફાઇ થવાની સંભાવના વધુ છે. જોકે, તેને નેધરલેન્ડ્સ, આયર્લેન્ડ પાસેથી લડત મળી શકે તેમ છે. બીજી તરફ ગ્રૂપ 'બી'માંથી અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે મુખ્ય સ્પર્ધા જોવા મળી શકે છે. ક્વોલિફાઇંગ રાઉન્ડની મેચ નાગપુર અને ધરમશાળામાં રમાશે.
હોંગકોંગ, ઓમાનની ટીમમાં ગુજરાતી
હોંગકોંગની ટીમમાં સામેલ વિકેટકીપર-બેટ્સમેન કિંચીત દેવાંગ શાહ મૂળ ગુજરાતનો છે. ૨૦ વર્ષીય કિંચીતનો જન્મ મુંબઇમાં થયો છે અને તેણે હોંગકોંગ માટે ચાર વન-ડેમાં ૫૮, ૧૨ ટ્વેન્ટી૨૦માં ૫૯ રન કર્યા છે. ઓમાનની ટીમમાં ૯૦ ટકા પ્લેયર્સ ભારત-પાકિસ્તાન મૂળના જ છે. ઓમાનની ટીમમાં સામેલ જતિન્દરસિંહ, અજય લાલછેટા, વૈભવ વેટેગાઓંકર, રાજેશકુમાર રાણપુરા પણ ભારતના છે. આ પૈકી ૩૨ વર્ષીય રાજેશ રાણપુરાનો જન્મ પાલનપુરમાં થયો છે. રાજેશ રાણપુરા ડાબોડી મીડિયમ પેસર છે અને તે બે આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી૨૦માં રમવાનો અનુભવ ધરાવે છે.
ઓસ્ટ્રેલિયાનો કીપર હવે હોંગકોંગ ટીમમાં
ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ વિકેટકીપર ૪૪ વર્ષીય રિયાન કેમ્પબેલ ટી૨૦ વર્લ્ડ કપમાં હોંગકોંગની ટીમ માટે રમશે. કેમ્પબેલ ૨૦૦૨માં ઓસ્ટ્રેલિયા માટે બે વન-ડે રમ્યો હતો. કેમ્પબેલ ચાર વર્ષ અગાઉ હોંગકોંગની ટીમને કોચિંગ આપી રહ્યો હતો. કેમ્પબેલે જણાવ્યું હતું કે ‘દોઢ દાયકા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાથી ખૂબ જ રોમાંચ અનુભવું છું. મારી ફિયાન્સી હોંગકોંગની છે. બે વર્ષ અગાઉ કૂલોન ક્રિકેટ ક્લબ માટે એક મેચમાં ૧૦૭ બોલમાં ૩૦૩ રન કરવા સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન માટે આત્મવિશ્વાસ આવ્યો હતો.’
વર્લ્ડ કપમાં પહેલી વખત મહિલા અમ્પાયર ઊતરશે
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ આવતા મહિને ભારતના યજમાનપદે યોજાનારા ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ ક્રિકેટ માટે મેચ રેફરી ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર જગાવલ શ્રીનાથ સહિત ૩૧ સભ્યોની ‘પ્લેઇંગ કન્ટ્રોલ ટીમ’ના સભ્યોની જાહેરાત કરી છે. જેમાં પહેલી વખત બે અમ્પાયર સહિત ચાર મહિલા અધિકારીઓની નિયુક્તિ કરાઇ છે.
આઇસીસીએ ગુરુવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે મજબુત પ્લેઇંગ કન્ટ્રોલ ટીમમાં આઇસીસી મેચ રેફરીઓના સાત તથા અમ્પાયર્સની એલિટ પેનલના ૧૨ સભ્યો છે. તેમાં ઇન્ટરનેશનલ અમ્પાયરની એલિટ પેનલના ૧૦ સભ્યોને સામેલ કરાયા છે.
ક્વોલિફાઇંગ ગ્રૂપ
ગ્રૂપ-એઃ બાંગ્લાદેશ, નેધરલેન્ડ્સ, આયર્લેન્ડ, ઓમાન
ગ્રૂપ-બીઃ ઝિમ્બાબ્વે, સ્કોટલેન્ડ, હોંગકોંગ, અફઘાનિસ્તાન
સુપર ૧૦ ગ્રૂપ
ગ્રૂપ-૧ઃ શ્રીલંકા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇંડિઝ, ઇંગ્લેન્ડ, ક્વોલિફાઇંગ ગ્રૂપ-બીનો વિજેતા
ગ્રૂપ-૨ઃ ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, ક્વોલિફાઇંગ ગ્રૂપ-એનો વિજેતા.
ટી૨૦ વર્લ્ડ કપ ટાઈમ ટેબલ
૧૦ માર્ચ સ્કોટલેન્ડ-ઝિમ્બાબ્વે/હોંગ કોંગ-અફઘાનિસ્તાન - નાગપુર
૧૧ માર્ચ નેધરલેન્ડ્સ-ઓમાન/બાંગ્લાદેશ-આયર્લેન્ડ - ધર્મશાળા
૧૨ માર્ચ ઝિમ્બાબ્વે-અફઘાનિસ્તાન/સ્કોટલેન્ડ-હોંગકોંગ - નાગપુર
૧૩ માર્ચ નેધરલેન્ડ્સ-આયર્લેન્ડ/બાંગ્લાદેશ-ઓમાન - ધર્મશાળા
૧૫ માર્ચ ભારત-ન્યૂ ઝીલેન્ડ - નાગપુર
૧૬ માર્ચ વિન્ડીઝ-ઈંગ્લેન્ડ - મુંબઈ
૧૬ માર્ચ પાકિસ્તાન - ક્વોલિફાયર - કોલકતા
૧૭ માર્ચ ઓસ્ટ્રેલિયા-ન્યૂ ઝીલેન્ડ - ધર્મશાળા
૧૭ માર્ચ શ્રીલંકા - ક્વોલિફાયર - કોલકતા
૧૮ માર્ચ ઈંગ્લેન્ડ-સાઉથ આફ્રિકા - મુંબઈ
૧૯ માર્ચ ભારત-પાકિસ્તાન - ધર્મશાળા
૨૦ માર્ચ સાઉથ આફ્રિકા - ક્વોલિફાયર - મુંબઈ
૨૦ માર્ચ શ્રીલંકા-વેસ્ટ ઈન્ડિઝ - બેંગલૂરુ
૨૧ માર્ચ ઓસ્ટ્રેલિયા-ક્વોલિફાયર - બેંગલૂરુ
૨૨ માર્ચ ન્યૂ ઝીલેન્ડ-પાકિસ્તાન - ચંદીગઢ
૨૩ માર્ચ ઈંગ્લેન્ડ-ક્વોલિફાયર - બેંગલૂરુ
૨૩ માર્ચ ભારત-ક્વોલિફાયર - બેંગલૂરુ
૨૫ માર્ચ ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન - ચંદીગઢ
૨૫ માર્ચ સાઉથ આફ્રિકા-વેસ્ટ ઇંન્ડિઝ - નાગપુર
૨૬ માર્ચ ન્યૂ ઝીલેન્ડ-ક્વોલિફાયર - કોલકતા
૨૬ માર્ચ ઈંગ્લેન્ડ-શ્રીલંકા - દિલ્હી
૨૭ માર્ચ ભારત-ઓસ્ટ્રેલિયા - ચંદીગઢ
૨૭ માર્ચ વેસ્ટ ઇંન્ડિઝ-ક્વોલિફાયર - નાગપુર
૨૮ માર્ચ સાઉથ આફ્રિકા-શ્રીલંકા - દિલ્હી
૩૦ માર્ચ પ્રથમ સેમિ-ફાઈનલ - દિલ્હી
૩૧ માર્ચ બીજી સેમિ-ફાઈનલ - મુંબઈ
૩ એપ્રિલ ફાઈનલ - કોલકતા

