અહિંસાના પૂજારી ગાંધીજીનો દેશ લશ્કરી શસ્ત્ર-સરંજામની ખરીદીમાં વિશ્વભરમાં પહેલા નંબરે હોવાની વાત આંચકાજનક હોવા છતાં સાચી છે. ‘સિપ્રી’ના નામે જાણીતા સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટયૂટના રિપોર્ટ પ્રમાણે, ૨૦૧૧-૧૫માં ભારતે દુનિયામાં સૌથી વધારે ૧૪ ટકા શત્રો આયાત કર્યા છે. આયાતનો આ આંકડો વિશ્વમાં સૌથી મોટું સૈન્ય ધરાવતા ચીન કરતાં પણ ત્રણ ગણો છે. જ્યારે શસ્ત્ર-સરંજામની નિકાસમાં અમેરિકા ૩૩ ટકા સાથે પહેલા ક્રમે અને રશિયા ૨૫ ટકા સાથે બીજા ક્રમે છે.
ભારતને આટલા જંગી પ્રમાણમાં શસ્ત્રોની આયાત કેમ કરવી પડે છે? રિપોર્ટનું તારણ છે કે ભારતીય શસ્ત્ર ઉદ્યોગ સ્વદેશી ડિઝાઇન ધરાવતા આધુનિક શસ્ત્રો બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. દરેક મામલે વિકાસનો દાવો ભલે થતો હોય, સંરક્ષણ જરૂરિયાતોમાં ભારત અન્ય દેશ ઉપર નિર્ભર છે. બીજાના ભરોસે રહેવાના એક નહીં, અનેક ગેરલાભ છે. એક તો, મોટા ભાગના શસ્ત્ર ઉત્પાદક દેશ આયાતી દેશને પોતાની જૂનવાણી સંરક્ષણ ટેકનોલોજી પધરાવે છે, અને તેમાં પણ આકરી શરતો હોય છે. જેમ કે, અમેરિકા ભારતને શસ્ત્ર-સરંજામનો પુરવઠો તો આપે છે, પરંતુ તેની સાથે ઉપયોગ સંબંધિત શરતો પણ જોડાયેલી હોય છે. જેમ કે, શસ્ત્રોનો ઉપયોગ અન્ય દેશ પર આક્રમણ માટે નહીં કરવામાં આવે, તેના ઉપયોગ સંબંધિત તપાસ માટે કોઇ પણ સમયે તેના પ્રતિનિધિને મોકલી શકશે વગેરે બાબતો સામેલ હોય છે. કેટલાક દેશ સમજૂતીનું ઉલ્લંઘન કરીને અચાનક શસ્ત્ર-સરંજામની કિંમત વધારી દે છે. કોઇ વળી જૂના વિમાન, જહાજ, શસ્ત્ર કે સાધનોના અપગ્રેડેશન માટે મોં માંગી કિંમત વસુલે છે. અલબત્ત, સરકારનો દાવો છે કે શસ્ત્રોના સૌથી મોટા આયાતકાર દેશ તરીકે ભારત હંમેશા વિદેશી કંપનીઓ સાથે સોદો કરતી વેળા પોતાની ઉચ્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની શરત રાખે છે. પરંતુ આ શરતનો વ્યાવહારિક અમલ ભાગ્યે જ જોવા મળે છે. ભારતીય ઉત્પાદકો હજુ એ ક્ષમતા જ હાંસલ કરી શક્યા નથી કે જેના દ્વારા તે સમય સાથે તાલ મિલાવીને પોતાના તંત્રને વધુ સજ્જ બનાવી શકે. વિદેશી કંપનીઓ ધંધાદારી હિતોને ધ્યાનમાં રાખીને સોદો ભલે કરે, પરંતુ ટેકનોલોજીની નિકાસ પર તો તેમના દેશની સરકારનો જ અંકુશ હોય છે. અને સરકાર હંમેશા ટેકનોલોજીના આદાનપ્રદાનને પોતાની ડિપ્લોમસીના ભાગરૂપ ગણતી હોય છે.
આ તમામ સમસ્યાનો એક જ ઉકેલ છે - શસ્ત્ર-સરંજામના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા. જો ભારતીય વિજ્ઞાનીઓ દેશને સ્પેસ ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનાવી શકતા હોય તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ (ડીઆરડીઓ)ના વિજ્ઞાનીઓ આવું કેમ ન કરી શકે? આ માટે ભારત સરકારે દર વર્ષે નિશ્ચિત પ્રમાણમાં શસ્ત્રોની આયાત ઘટાડવાનું અને ઉત્પાદન વધારવાનું લક્ષ્ય નિર્ધારિત કરવું પડશે, અને તેનો લશ્કરી શિસ્તબદ્ધતા સાથે અમલ પણ કરવો પડશે.
