સ્ત્રી સશક્તિકરણની દિશામાં મક્કમ ડગ...

Tuesday 08th March 2016 12:38 EST
 

વિશ્વભરના અખબારોમાં આઠ માર્ચ - આંતરરાષ્ટ્રીય મહિલા દિનની નોંધ લેવાઇ છે. બહુમતી અહેવાલોનો સૂર એક જ છે - મહિલા સશક્તિકરણ. પૂર્વના દેશો હોય કે પશ્ચિમના, બધે ઓછાવત્તે અંશે એ વાત લાગુ પડે છે. પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા ધરાવતા ભારતમાં તો ખાસ. જોકે બહુવિધ સંસ્કૃતિથી હર્યાભર્યા આ દેશમાં તાજેતરમાં સ્ત્રી સશક્તિકરણ ક્ષેત્રે બે બહુ મહત્ત્વની ઘટનાઓ બની ગઇ, જેની ભાગ્યે જ ક્યાંય નોંધ લેવાઇ છે. આમાંની એક ઘટના ઉદારવાદી પણ પુરુષપ્રધાન કુટુંબ-વ્યવસ્થા ધરાવતા હિન્દુ સમુદાય સાથે જોડાયેલી છે તો બીજો પ્રસંગ રૂઢિવાદી સામાજિક પરંપરા માટે જાણીતા મુસ્લિમ સમુદાય સાથે સંકળાયેલો છે.
દિલ્હી હાઇ કોર્ટે હિન્દુ કૌટુંબિક વ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તન આણે તેવો ચુકાદો ફરમાવતા ઠરાવ્યું છે કે પરિવારના મોભીનું અવસાન થાય તો તેવા સંજોગોમાં જે તે પરિવારની સૌથી મોટી સ્ત્રી ઘરના ‘કર્તા’ની ભૂમિકામાં આવી શકે છે. પરંપરા અનુસાર અત્યાર સુધી આવો અધિકાર માત્ર પુરુષોને જ હતો - જેમ કે, મોટા પુત્રનો અને વિશેષ સંજોગોમાં નાના ભાઇનો કે પછી ભત્રીજાનો. હિન્દુ સમાજ પર ઘેરી અસર કરનારો આ ચુકાદો સ્વાભાવિકપણે જ સ્ત્રી સશક્તિકરણની પ્રક્રિયાને વધારે મજબૂતી બક્ષે તેવો છે.
‘કર્તા’ શબ્દ હિન્દુ ધર્મગ્રંથો અને રીતિ-રિવાજોમાં એક વિશેષ સંદર્ભમાં વપરાતો રહ્યો છે. ‘કર્તા’ એવી વ્યક્તિ છે જે મૃતકને અગ્નિદાહ આપે છે, તેનું શ્રાદ્ધ કરે છે અને પછી સામાજિક સ્તર પર તેનું સ્થાન લે છે, મતલબ કે તે પરિવારનો મોભી બની જાય છે. અવિભાજિત હિન્દુ પરિવારમાં સંપત્તિના ભાગ કે વેચાણ સંબંધી નિર્ણય પણ એ જ લે છે. વર્ષ ૨૦૦૫માં હિન્દુ પરંપરા ધારામાં સુધારો કરી કલમ ૬ ઉમેરાઇ હતી. સુધારા અંતર્ગત મહિલાઓને પૈતૃક સંપત્તિમાં સમાન હક્ક અપાયો હતો. દિલ્હી કોર્ટના ચુકાદાથી હવે ઘરના તમામ નિર્ણયો લેવાનો હક્ક પણ પુત્રીને મળ્યો છે. ચુકાદો ફરમાવતા જસ્ટિસ નાજમી વજીરીએ કહ્યું હતું કે કાયદા અનુસાર સૌને સમાન અધિકાર મળ્યો છે અને મહિલાઓ પણ દરેક ક્ષેત્રમાં કદમથી કદમ મિલાવીને ચાલી રહી છે તો પછી અત્યાર સુધી મહિલાઓને ‘કર્તા’ બનવા માટે કેમ લાયક ગણાઇ નથી તે સમજાતું નથી.
ચુકાદો નોર્થ દિલ્હીના એક ઉદ્યોગપતિ પરિવારની પુત્રીએ દાખલ કરેલી અરજીની સુનાવણી વેળા અપાયો હતો. પરિવારના મોભી અને તેના ત્રણ ભાઇઓના મૃત્યુ પછી મોભીના નાના ભાઇના એક પુત્રે પરિવારના મોભી તરીકે સુકાન સંભાળી લેતાં મોભીની પુત્રીએ કોર્ટમાં તેના દાવાને પડકાર્યો હતો.
ભારતીય સમાજમાં પુત્રઘેલછાનું એક કારણ એ પણ છે કે હિન્દુ ધર્મશાસ્ત્રોએ દીકરીને વિવિધ કર્મકાંડો અને પરિવાર સંબંધી નિર્ણયોથી દૂર રાખી છે. જોકે ન્યાયપાલિકાની સક્રિયતાએ ધીમે-ધીમે પુત્રીને અધિકાર સંપન્ન બનાવવાનો માર્ગ ખોલ્યો છે. એક પુત્રીના હકને કાનૂની સમર્થન મળ્યું છે ત્યારે સમાજે પણ તેનું વલણ બદલવું રહ્યું. અત્યાર સુધી સારા-માઠા પ્રસંગે પરંપરાગત રિવાજોમાં જે સ્થાન પુત્રને મળતું રહ્યું છે, તે પુત્રીને આપવાની પહેલ કરવી જોઇએ.
હિન્દુ કુટુંબ વ્યવસ્થામાં કોર્ટે પરિવર્તનનો વાયરો ફૂંક્યો છે તો રૂઢિવાદી વિચારસરણી માટે જાણીતા મુસ્લિમ સમુદાયમાં બે યુવતીએ ચીલો ચાતરી સમાજની સ્ત્રીઓને નવો રાહ ચીંધ્યો છે. રાજસ્થાનની અફરોઝ બેગમ અને જહાં આરા દેશની પ્રથમ મહિલા કાજી બની છે. ઈસ્લામ ભલે સમાનતા, ભાઈચારાનો સંદેશ આપતો ધર્મ મનાતો હોય, પરંતુ સદીઓથી ચાલી આવતી પિતૃસત્તાત્મક વિચારધારાએ આજે સમાજ પર ભારે પકડ જમાવી છે. આ પ્રથમ ઘટના છે જયારે કોઇ મુસ્લિમ મહિલાએ કાજીનો અભ્યાસક્રમ પૂરો કરીને પરીક્ષામાં પોતાની યોગ્યતા પુરવાર કરી પુરુષોના આધિપત્યવાળા ક્ષેત્રમાં પગપેસારો કર્યો છે.
પરંપરાવાદીઓના એક વર્ગ આનો વિરોધ કરતા કહે છે કે અફરોઝ બેગમ અને જહાં આરાની સફળતા સામાજિક ચલણની વિરુદ્ધ, ધર્મની દૃષ્ટિએ અનાવશ્યક અને નુકસાનકર્તા છે. તો આ જ સમાજનો બીજો વર્ગ આ બદલાવ આવકારે છે. તેમનો સવાલ છે કે રઝિયા સુલ્તાના શાસક બની શકતી હોય તો મહિલા કાજી કેમ ન બની શકે? ઉલ્લેખનીય છે કે આમ મુસ્લિમ મહિલાને શાદી, તલાક વગેરે મુદ્દે ઈસ્લામની પુરુષવાદી વ્યાખ્યાથી ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. આથી આ ક્ષેત્રે વધુને વધુ મહિલાઓનું આગમન આવકાર્ય છે. ઉદારવાદી વર્ગ માને છે કે આ ક્ષેત્રે મહિલાઓના આગમનથી ધર્મની પક્ષપાતપૂર્ણ વ્યાખ્યાનું જોખમ ઘટશે. સમાજની સ્ત્રીને પોતાની સાથે થતા ન્યાયની તટસ્થતા અંગે આશંકા નહીં રહે.
હિન્દુ સમાજ હોય કે મુસ્લિમ બિરાદરી - સહુએ સમજવું રહ્યું કે બદલાતા માહોલમાં સકારાત્મક પરિવર્તન જ પરંપરા કે ધર્મને પ્રાસંગિક બનાવે છે. સામાજિક પરિવર્તનનો પ્રયોગ મામૂલી હોય કે મહત્ત્વનો, તેનો અમલ જરૂરી છે. બધા જ પ્રયોગ શરૂઆતમાં અટપટા જ લાગતા હોય છે, પરંતુ ધીમે-ધીમે તે ઘરેડમાં આવી જ જતાં હોય છે.


comments powered by Disqus