લંડનઃ પ્રસિદ્ધ ભારતીય ગાયક અને અભિનેતા કિશોર કુમારના પુત્ર અમિત કુમારને હાઉસ ઓફ કોમન્સ દ્વારા ૨૦ ઓક્ટોબરે સન્માનિત કરવામા આવ્યા હતા. ‘ભારતીય સંગીતને ૫૦ વર્ષના પ્રદાન’ બદલ હાઉસ ઓફ કોમન્સ દ્વારા સન્માનિત કરાયેલા સર્વપ્રથમ ભારતીય કળાકાર હોવાનું બહુમાન તેમને સાંપડ્યું હતું. આ કાર્યક્રમ વેસ્ટમિન્સ્ટર, લંડન ખાતે પાર્લામેન્ટના ઐતિહાસિક ગૃહો ખાતે આયોજિત કરાયો હતો.
યુકેમાં ‘યે શામ મસ્તાની’ સંગીત ટુર લઈને આવેલા અમિત કુમાર અને બંગાળી ગાયિકા અને અભિનેત્રી રુમા ગુહા થાકુરટાએ ૨૨ ઓક્ટોબરે લંડનના લોગાન હોલ તેમજ ૨૩ ઓક્ટોબરે લેસ્ટરમાં DMH ખાતે સેલ-આઉટ કોન્સર્ટમાં પરફોર્મન્સ આપી ભારે જમાવટ કરી હતી. અમિત કુમારના નાના ભાઈ અને ગાયક સુમિત કુમાર પણ પરફોર્મન્સમાં જોડાયા હતા.
ભારતની ત્રણ મહાન દંતકથાઓ -ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અનોખુ સ્થાન ધરાવતા સંગીતકાર રાહુલ દેવ (RD) બર્મન, હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સૌથી સફળ પ્લેબેક સિંગર કિશોર કુમાર અને બોલીવૂડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાના જીવન અને કાર્યને સન્માનવા કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમિત અને સુમિતે વીતેલા યુગના યે શામ મસ્તાની, ઝિંદગી કા સફર સહિત અણમોલ ગીતો રજૂ કરીને ઓડિયન્સને તે સુવર્ણયુગની યાદ તાજી કરાવી હતી. આ સોલ્ડ-આઉટ ટુર ઉપરાંત, અમિત કુમારે ૧૯ ઓક્ટોબરે પ્રતિષ્ઠિત નહેરુ સેન્ટરમાં સાંજના મેળાવડામાં બોલીવૂડમાં પોતાની કારકિર્દી તેમજ કિશોર કુમાર અને મોહમ્મદ રફી જેવા સંગીતક્ષેત્રના દિગ્ગજ ગાયકોને નજીકથી નિહાળવાના અનુભવોનું વર્ણન કર્યું હતું.
Concertsના પ્રમોટર અને ઈન્દ્રા ટ્રાવેલ્સના ચેરમેન મિ. સુરેશ કુમાર સાથેના ઈન્ટર્વ્યૂમાં અમિત કુમારે બોલીવૂડના સુવર્ણયુગના કેટલાક અનુભવો તેમજ જાણવામાં નહિ આવેલા રમૂજી પ્રસંગોથી ઓડિયન્સને રસતરબોળ કરી નાખ્યું હતું.
અમિત કુમારે પિતાની ફિલ્મ ‘દૂર ગગન કી છાંવ મેં’માં બાળ કલાકાર તરીકે ગાયકી અને અભિનય ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું. તેમણે પુત્રી મુક્તિકા ગાંગુલી સાથે પ્રથમ આલ્બમ ‘બાબા મેરે’ બનાવ્યું હતું, જેમાં મુક્તિકાના દાદા કિશોર કુમાર સાથે પ્રથમ વખત સ્વપ્નમાં હૃદયસ્પર્શી મેળાપની વાત છે. કિશોર કુમારના પત્ની લીના ચંદાવરકર ગાંગુલી અને અમિત કુમારના સહિયારા પ્રયાસથી આલ્બમ તૈયાર કરાયું છે. અમિત કુમારે તેના ભાઈ સુમિત કુમાર સાથે ૨૦૧૫માં કુમાર બ્રધર્સ મ્યુઝિક (KBM) પ્રોડક્શન કંપનીની સ્થાપના કરી હતી. ‘બાબા મેરે’ની જોરદાર સફળતા પછી અમિત કુમારે નહેરુ સેન્ટર, લંડન ખાતે બીજા ‘સપને બનાતા હું- ધ ડ્રીમ મેકર’ આલ્બમને રીલીઝ કર્યું હતું. ત્રીજુ આલ્બમ ફેબ્રુઆરી ૨૦૧૭માં રીલીઝ કરવાની યોજના છે.

