બુધવારે વહેલી સવારે અમેરિકામાં ઇસ્ટર્ન ટાઇમ અનુસાર ૩ વાગ્યે ન્યૂ યોર્કમાં પોતાની માલિકીના ટ્રમ્પ ટાવર હોટેલમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ૪૫મા પ્રમુખ તરીકે ચૂંટાયા તેનો આનંદ વ્યક્ત કર્યો અને સાથોસાથ જ કંઇક આશ્ચર્યજનક કહી શકાય તેવો પ્રતિભાવ વ્યક્ત કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પે (તેમના આખાબોલા વ્યક્તિત્વથી વિપરિત) નવા અને નમ્ર સ્વરૂપે વિચારો વ્યક્ત કર્યા છે તેમાં કશી નવાઇ નથી. તેમણે હિલેરી માટે સારા શબ્દો કહ્યા એટલું જ નહીં, સેનેટર તરીકે લાંબો સમય મહત્ત્વના હોદ્દાની જવાબદારી સંભાળીને જે રાષ્ટ્રસેવા કરી છે તે બદલ તેમને બિરદાવ્યા પણ ખરા.
અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખના પ્રતિભાવોને આશ્ચર્યજનક પણ કહેવાય, અને ચોંકાવનારા પણ કહેવાય. પરંતુ ચૂંટણી ઝૂંબેશ દરમિયાન ઉમેદવારો દ્વારા થતા મંતવ્યો કે ઉદ્ગારોમાં જે આક્રમક્તા જોવા મળે છે, પ્રતિસ્પર્ધી પ્રત્યે જે આક્ષેપબાજી થતી સાંભળવા છે તેમાં પરિણામ બાદ હંમેશા, અને સર્વત્ર ધરમૂળથી પરિવર્તન આવતું હોવાનું આપણે સહુ એકથી વધુ જોઇ, અનુભવી ચૂક્યા છીએ. આમ, નવા પ્રમુખના વલણ અને વર્તન એક સહજ ઘટના ગણવી જોઇએ.
વૈશ્વિક સ્તરે અમેરિકા એકમાત્ર મહાસત્તા છે અને તેના પ્રમુખ તરીકે, કમાન્ડર ઇન ચીફ તરીકે જે અતિ મહત્ત્વની જવાબદારી ડોનાલ્ડ ટ્રમ્પ હોદ્દાની રુએ મેળવી રહ્યા છે તેની ગંભીરતા તેઓ અવશ્ય જાણતા જ હશે. ટ્રમ્પને - મહદ્ અંશે - જાતમહેનતે બનેલા સફળ બિઝનેસમેન ગણી શકાય. દેશવિદેશમાં ફેલાયેલા હોટેલ્સ, રિસોર્ટ્સ, ગોલ્ફ ક્લબના વિશાળ સામ્રાજ્યના વહીવટનો તેઓ બહોળો અનુભવ ધરાવે છે. આ વ્યવસાયમાં સાહસવૃત્તિ અમુક અંશે જોખમી હોવા છતાં કંઇક નવું પ્રાપ્ત કરવાની તત્પરતા અને આવડત તેમના જીવનમાં સ્પષ્ટ જોઇ શકાય છે. તેઓ એક સ્વપ્નદૃષ્ટા છે, દૂરંદેશીભર્યો અભિગમ ધરાવે છે. આવી સિદ્ધિ માટે મજબૂત મનોબળ આવશ્યક હોય છે, જે આપણે ડોનાલ્ડ ટ્રમ્પમાં જોઇ શકીએ છીએ. ટ્રમ્પ એમ્પાયરે પણ ચઢતીપઢતી જોઇ છે. કંઇકેટલાય સંઘર્ષો બાદ અત્યારની સફળતા તેને સિદ્ધ થયેલી છે. જે વ્યક્તિ આ પ્રકારનું સામર્થ્ય ધરાવતી હોય તે ભલે અગાઉ જાહેરજીવન કે રાજકારણનો અનુભવ ન ધરાવતી હોય તો પણ જવાબદારી પ્રાપ્ત થતાં જ આવશ્યક
અને ઉપયોગી કાર્યકૌશલ્ય પ્રાપ્ત કરવા શક્તિમાન બની શકે છે.
દેશની આંતરિક બાબતોની વાત કરીએ તો, નવા પ્રમુખ સમક્ષ કંઇકેટલાય પ્રશ્નોની હારમાળા છે. તેમની ભાષામાં કહીએ તો અમેરિકામાં મેન્યુફેક્ચરીંગ ઇન્ડસ્ટ્રીઝ નબળી પડી છે. અર્થતંત્રને વધુ જોશ આપવાની જરૂર છે. આક્રમક ચૂંટણી ઝૂંબેશના કારણે અથવા તો પછી તાજેતરના અરસામાં સમાજના જે કોઇ સ્તરોને લાગતું હોય કે તેમની ઉપેક્ષા થઇ રહી છે, તેમની જરૂરતને લક્ષમાં લેવામાં આવી નથી કે અન્ય કોઇ પ્રકારે તેમના પ્રત્યે ધિક્કાર પ્રગટ થયો છે તે તમામ વર્ગને, ભિન્ન ભિન્ન સ્તરના લોકોને એકતાંતણે બાંધવાની જવાબદારી નવા પ્રમુખની છે. આ વર્ગને સુખ-શાંતિ-સુરક્ષાનો અહેસાસ થાય તેવા પગલાં લેવા પ્રમુખની નૈતિક ફરજ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તમાન પડકારોની વાત કરીએ તો, અનેકવિધ રીતે અમેરિકાના નવા પ્રમુખને નવેસરથી શરૂઆત કરવી પડે તેવા સંજોગો છે. રશિયા સાથે ઠંડા યુદ્ધ બાદ પણ પ્રવર્તતા શંકા-કુશંકા અને નકારાત્મક સ્પર્ધાના માહોલને બદલવાની જરૂર છે. ચાર - સાડા ચાર દસકા પૂર્વેના એક નબળા ચીનના સ્થાને હવે તે આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રે મજબૂત રાષ્ટ્ર બનીને ઉભર્યું છે. તેની સાથે અમેરિકા કેવી રીતે કાર્ય આટોપે છે તે ઉપર આવતા દસકાઓ અવલંબે છે. ચીન સાથે તનાવના બદલે અમેરિકન બિઝનેસ વર્તુળ કંઇક સમાધાનપૂર્વક સહઅસ્તિત્વ વાંછે છે. નવા પ્રમુખ ટ્રમ્પ આ વિચારસરણીથી સુવિદિત છે તેમ માનવાને પણ કારણ છે. તેમની વેપારીવૃત્તિ કદાચ વચલો માર્ગ શોધવામાં કામિયાબ બને.
આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક બાબતોમાં આશાસ્પદ રીતે ઉભરી રહેલા ભારત સાથે સહયોગનું નવું સમીકરણ સાધવાનું ટ્રમ્પ માટે આસાન બને તેમ માનવાને કારણ છે. અમેરિકામાં મોટી સંખ્યામાં - કહોને ૩૫થી ૪૦ લાખની સંખ્યામાં ભારતીય વંશજો વસી રહ્યા છે. જેઓ શિક્ષણ, વેપાર-ઉદ્યોગ, ટેક્નોલોજીથી માંડીને અનેકવિધ ક્ષેત્રે સિદ્ધહસ્ત થયા છે. ચૂંટણી પૂર્વે પ્રચાર ઝૂંબેશ દરમિયાન પણ ટ્રમ્પે ભારતીય-અમેરિકન સમુદાય કે ભારત કે સવિશેષ હિન્દુ સમુદાય પ્રત્યે સન્માનભર્યું વલણ દર્શાવ્યું છે.
ઇસ્લામિક દેશો સાથેના સંબંધોમાં સંભવ છે કે અત્યારના તબક્કે કંઇક અંશે આશંકા સેવાય, પરંતુ પાણી હંમેશા તેનો રસ્તો શોધી જ લેતું હોય છે. આ સમસ્યામાં પણ કંઇને કંઇ રસ્તો મળી જ આવશે તેવી આશા રાખવી અસ્થાને નથી. ઘરઆંગણે બીજી પણ કેટલીક સમસ્યા છે. અમેરિકામાં બધાને સાથે રાખવા હોય, સમરસ સમાજ રચવો હોય તો અછતવાળા, કહેવાતા ઉપેક્ષિત વર્ગને વિકાસયાત્રામાં સાથે રાખવો પડશે. અમેરિકાના પ્રમુખપદે પહેલી વખત એક મહિલા નેતા ચૂંટાઇ શક્યા હોત, પરંતુ તેમ થયું નથી. જે દર્શાવે છે કે અમેરિકામાં અમુક સ્તરે જાતીય ભેદભાવ (જેન્ડર બાયસ) સાવ નિવારી શકાયો નથી. ટ્રમ્પ માટે સૌથી મોટી સમસ્યા પોતાના પક્ષમાંથી જ છે. ટ્રમ્પ જે રાજકીય પક્ષની ટિકિટ પર અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયા છે તે જ પક્ષના પીઢ નેતાઓ ચૂંટણી પૂર્વે તેમના પ્રત્યે ખુલ્લેઆમ શંકા-કુશંકા, સુગ દર્શાવી ચૂક્યા છે. આ વર્ગ સાથે સહયોગ સાધવાનું ટ્રમ્પ માટે થોડુંક પડકારજનક સાબિત થઇ શકે છે. અલબત્ત, ‘ગુજરાત સમાચાર’ એમ પણ માને છે કે ટ્રમ્પ અમુક અંશે વિરોધાભાસી વ્યક્તિત્વ ધરાવતા હોવા છતાં પ્રેક્ટિલ નેતા તરીકે ઉપસી આવવા સમર્થ છે.
એક બીજો પણ પ્રશ્ન ટ્રમ્પ અને ઓબામા માટે જોઇ શકાય છે. અમેરિકાનું બંધારણ ભલે ૨૨૫ વર્ષ પૂર્વે કંડારાયું હોય, પણ તેમાં કોંગ્રેસના બન્ને ગૃહો અને શાસન તથા શાસક વચ્ચેના સંબંધોમાં સમતુલન જાળવવાની વ્યવસ્થા છે. ૮ નવેમ્બરે ચૂંટણી યોજાઇ અને ૨૦ જાન્યુઆરીએ વિજેતા ઉમેદવાર રાષ્ટ્ર પ્રમુખ તરીકે સત્તા હસ્તગત કરશે. પ્રમુખપદ સંભાળનાર ટ્રમ્પ માટે હાલ તુર્ત તો સૌથી મોટી જવાબદારી વહીવટી તંત્રમાં અતિ મહત્ત્વના ૨૦૦ હોદ્દાઓ પર હોદ્દેદારો કે અધિકારીઓની નિમણૂક કરવાની છે. આમાં પ્રધાનમંડળના સાથીદારોથી માંડીને જુદા જુદા દેશોમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરતા રાજદૂતોનો સમાવેશ થાય છે. આ કામ જેટલું દેખાય છે એટલું સરળ નથી. જોકે, ચૂંટણીમાં વિજેતા જાહેર થવાની સાથે જ આ પ્રકારની પૂર્વતૈયારીઓ એક યા બીજા સ્તરે શરૂ થઇ જતી હોય છે તેથી ૨૦ જાન્યુઆરી સુધીમાં ટ્રમ્પની સંપૂર્ણ યાદી તૈયાર હશે તેમ માની શકાય.
લોકશાહી શાસન પ્રણાલિમાં કંઇ અણધાર્યું કે અનપેક્ષિત પરિણામ એ નવાઇની વાત નથી. સાચા અર્થમાં આ જ તો લોકશાહની ખરી તાકાત છે. અઢી વર્ષ પૂર્વે એક પક્ષના ૩૦ વર્ષના શાસન બાદ પહેલી વખત લોકસભામાં સ્પષ્ટ બહુમતી સાથે એક પક્ષની સરકાર રચાઇ. વડા પ્રધાન પદે બેસનારા આ પક્ષના નેતાને સરકારી કામગીરીમાં સંખ્યાબંધ સમસ્યાનો સામનો કરવો પડશે તેવી આશંકા સેવાતી હતી, તેઓ કેટલા સફળ રહેશે તે મુદ્દે પણ સવાલો ઉઠતા હતા. જોકે અઢી વર્ષના શાસનકાળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે. અથાગ પરિશ્રમ થકી, સર્વક્ષેત્રે દેશનો વિકાસ સાધ્યો છે અને સહુને સાથે રાખીને આગળ વધવાની નીતિ અપનાવી છે તેના પરિણામ આપણે જોઇ રહ્યા છીએ. અત્યારે વિશ્વસ્તરે ભારતનો જે માનમરતબો વધી રહ્યો છે તેનો દાખલો આપણી નજર સામે છે. આ જ પ્રમાણે અમેરિકાના નવા પ્રમુખને પણ તેમનો દાવ રમવાની પૂરતી તક અને સમય આપવા જ રહ્યા. ભૂતકાળ ઉપર નજર ફેરવતાં કહી શકાય કે પ્રમુખપદે ટ્રમ્પના આગમન સાથે અમેરિકામાં જે નવો યુગ
શરૂ થઇ રહ્યો છે તે કદાચ સમયની સાચી જરૂરતને અનુરૂપ છે.
