બળદીયા લેવા પટેલ સર્વોદળ (યુકે)નું દિવાળી સ્નેહમિલન યોજાયું

Thursday 10th November 2016 08:41 EST
 
 

લંડનઃ બળદીયા લેવા પટેલ સર્વોદળ (યુકે) દ્વારા ગત ૫ નવેમ્બર,૨૦૧૬ને શનિવારે હેરોના હેરો લેઝર સેન્ટર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ દિવાળી સ્નેહમિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના ૧૦૦૦થી ૧૨૦૦ લોકોએ તેમાં ભાગ લીધો હતો. સૌએ પરસ્પર નૂતનવર્ષની શૂભકામના પાઠવી હતી.

કાર્યક્રમની શરૂઆત સાંજે ૫ વાગે થઈ હતી. જેમાં બાળકો માટે વિવિધ રમતો, રંગોળી દર્શન, દેશી રાસ તથા કાડિયા રાસની રમઝટ બોલાવવામાં આવી હતી. નાના ભુલકાંથી માંડીને વડીલોએ ભાગ લઈને રાસ રમવાનો આનંદ લીધો હતો. ત્યારબાદ સમુહ ભોજનમાં સૌએ સ્વાદિષ્ટ વ્યંજનોની લિજ્જત માણી હતી.

વધુમાં, આગામી ૫થી ૭ માર્ચ, ૨૦૧૭ દરમિયાન શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટીના સાનિધ્યમાં કચ્છ - ભુજથી અમદાવાદ સુધી ગુજરાત ચેરિટી બાઈક રાઈડનું આયોજન કરાયું હોવાની વિગતો કાર્યક્રમમાં આપવામાં આવી હતી. આ રાઈડમાં બળદીયા પટેલ લેવા સર્વોદળના ૧૪ યુવકો સહિત લંડનના કુલ ૫૨ યુવકો ભાગ લેવાના છે. સંસ્થા દ્વારા ૫૦૦ પાઉન્ડના યોગદાનની જાહેરાત સાથે સમાજના સભ્યોને ચેરિટીમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી અને ગણતરીની મિનિટોમાં જ ૫,૦૦૦ પાઉન્ડનો ફાળો એકત્ર થઈ ગયો હતો. લગભગ રાત્રે ૧૧.૩૦ વાગે કાર્યક્રમ સંપન્ન થયો હતો.

ઉલ્લેખનીય છે કે, વિદેશની ધરતી પર પણ ભારતીય સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે તેમજ ધાર્મિક રીત-રિવાજોની માહિતી યુવક-યુવતીઓને મળી રહે તે માટે ૪૬ વર્ષ અગાઉ બળદીયા લેવા પટેલ સર્વોદળ (યુકે)ની સ્થાપના કરાઈ હતી. 


comments powered by Disqus