ભ્રષ્ટાચાર અને કાળા નાણાં પર મોદીનો વજ્રાઘાત

Wednesday 09th November 2016 12:27 EST
 

હંમેશા અણધાર્યા અને આંચકાજનક નિર્ણયો માટે જાણીતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો રાતોરાત રદ કરી નાખીને હલચલ મચાવી દીધી છે. વડા પ્રધાને મંગળવારે સાંજે રાષ્ટ્રજોગ પ્રવચનમાં કરેલી આ આશ્ચર્યજનક જાહેરાતને કારણે સામાન્ય માણસ અમુક અંશે પરેશાન થઈ ગયો છે. જૂની ચલણી નોટોને બેન્કો - પોસ્ટ ઓફિસોમાં બદલી આપવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત છતાં દેશભરમાં ગભરાટ ફેલાઇ ગયો છે. જોકે, આર્થિક નિષ્ણાતો મોદી સરકારના આ નિર્ણયને દેશમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચાર, કાળા નાણાં અને બનાવટી ચલણી નોટોની નકારાત્મક અસર (આતંકવાદ)ને નાબૂદ કરનારું ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું ગણાવી રહ્યા છે.
સરકારે રાતોરાત ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટની કાયદેસરતા ખતમ કરી છે. જોકે, ભારતમાં આવું પહેલી વાર થયું છે એવું પણ નથી. ભારતમાં ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયો ભૂતકાળમાં પણ થયા છે. ૧૯૪૬માં રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઈ)એ રૂપિયા ૧,૦૦૦ અને રૂપિયા ૧૦,૦૦૦ની ચલણી નોટોના વ્યવહાર પર પ્રતિબંધ લાદી દીધો હતો. તે વખતે દેશમાં અગણિત ચલણી નોટો બજારમાં ફરતી હતી અને તેના કારણે અર્થતંત્રમાં મુશ્કેલી ઊભી થઈ હતી. ૧૯૫૪માં સરકારે આ પછી રૂપિયા ૫,૦૦૦ના દરની ચલણી નોટ બજારમાં મૂકી હતી. જોકે, ૧૯૭૮માં તેની ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવાયો હતો. મોદી સરકારે દેશમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારને નાથવા માટે આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. મોદી સરકારે ચૂંટણીમાં વિદેશમાંથી કાળું નાણું લાવવાની વાત કરી હતી. કોઇ વ્યક્તિ બિનહિસાબી નાણું જાહેર કરે તો વેરા અને પેનલ્ટીમાં છૂટછાટ આપતી ઇન્કમ ડેકલેરેશન સ્કીમ (આઇડીએસ) પણ જાહેર થઇ હતી. આ સ્કીમમાં સરકારની અપેક્ષાથી બહુ ઓછું - રૂ. ૬૫,૨૫૦ કરોડનું કાળું નાણું જાહેર થયું હતું. સીધી આંગળીએ ઘી ન નીકળ્યું તો સરકારે આંગળી વાંકી કરી છે. વડા પ્રધાન મોદીએ તાજેતરમાં એક જાહેર સભાને સંબોધતા સંકેત આપ્યો હતો કે હવે બિનહિસાબી આર્થિક વ્યવહારો પર ગમેત્યારે સર્જિકલ સ્ટ્રાઇક થઇ શકે છે. આમ હવે, દેશમાંથી કાળું નાણું બહાર કાઢવા માટેનો પ્રયાસ હાથ ધરાયો છે. આ ઉપરાંત સરકારનો ઇરાદો પાડોશી દેશ પાકિસ્તાનમાંથી આયાત થતી બોગસ ચલણી નોટોને પણ અંકુશમાં લેવાનો છે. ભારતમાં દોઢ લાખ કરોડ રૂપિયાથી પણ વધુનું ચલણ બોગસ નોટોરૂપે ફરી રહ્યું હોવાનું કહેવાય છે. આ પેરેલલ ઈકોનોમી કે જે છાયા અર્થતંત્ર તરીકે પણ ઓળખાય છે તેને નાથવા માટેનો પણ આ એક મજબૂત પ્રયાસ છે. ભારતી રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન્ કહેતા રહેતા કે દેશમાં વધારે પડતું ચલણી નાણું ફરી રહ્યું છે. ભારતની જાહેર ક્ષેત્રની નંબર વન બેન્ક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ તેના એક નિવેદનમાં આ વાત કરી હતી. રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ રદ કરીને નવી ચલણી નોટો બજારમાં મૂકવાનું સરકારનું પગલું દર્શાવે છે કે તે આ સમસ્યાને કોઇ પણ ભોગે નાથવા માગે છે. અલબત્ત, ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટ બજારમાં મૂકાવાની છે અને તેનાથી ફુગાવની સ્થિતિ વધુ વકરશે. જોકે અત્યારે તો સરકારના આ અણધાર્યા નિર્ણયથી આમ ભારતીય હેરાન પરેશાન છે. બેન્કો અને એટીએમ એક દિવસ બંધ રખાયા હોવાથી આર્થિક વ્યવહારો લગભગ ઠપ્પ થઇ ગયા છે. રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો રદ થવાની જાહેરાત થતાં રાત્રે જ લોકો એટીએમ પર ઉમટ્યા હતા, અને હવે એક દિવસના બંધ બાદ ગુરુવારે બેન્કો અને પોસ્ટ ઓફિસ ખૂલશે એટલે ફરી ચલણી નોટો બદલવા ધસારો થવાનો છે તે નક્કી છે. લોકોને સરકારની ક્ષમતા અને ઇરાદામાં તો ભરોસો છે, પરંતુ ઠાગાઠૈયા કરું છું ને ચાંચુડી ઘડાવું છુંની રાહે કામ કરવા ટેવાયેલી બેન્કો - પોસ્ટ ઓફિસની કાર્યપદ્ધતિમાં ભરોસો નથી. દેશના અર્થતંત્રની ધોરીસમાન બેન્કો અને પોસ્ટ ઓફિસો જો ચલણી નોટો બદલી આપવાની કામગીરી ઝડપભેર પાર પાડશે તો અત્યારે લગભગ અટકી પડેલું આર્થિક ચક્ર ફરી ઝડપભેર ફરતું થઇ જશે.


comments powered by Disqus