એક ગ્લાસ દૂધનું મૂલ્ય

Wednesday 10th August 2016 10:01 EDT
 

સ્કૂલની ફી ભરવા માટે એક છોકરો ગૃહઉપયોગી નાની નાની વસ્તુઓ વેચવા નીકળ્યો હતો. વેચાણ કરતાં કરતાં ઘણો સમય પસાર થઈ ગયો હતો. અને હવે તે થાક્યો હતો. તેને સતત ભૂખ પણ લાગી હતી. તેણે નિર્ણય કર્યો કે હવે પછી જે ઘરે જઈશ ત્યાં થોડું ખાવાનું માગીશ. તેણે દરવાજો ખખડાવ્યો અને એક યુવાન ગૃહિણીએ બારણું ખોલ્યું. તેની સ્થિતિ જોતાં જ આ કિશોરે ભોજન માગવાનું માંડી વાળીને માત્ર એક ગ્લાસ પાણી માગ્યું. ગૃહિણીએ તેને ધ્યાનથી જોયો એટલે સમજી ગઈ કે એ થાકેલો અને ભૂખ્યો છે. તે ઘરમાંથી પાણીને બદલે એક ગ્લાસ દૂધ ભરીને લાવી. કિશોર એ પી ગયો અને હૃદયપૂર્વક આભાર માની ત્યાંથી ચાલ્યો ગયો.
થોડાં વર્ષ પછી આ ગૃહિણી ગંભીર બીમારીમાં પટકાઈ. શહેરના સરકારી દવાખાનાના સ્થાનિક ડોકટરો તમામ પ્રયાસો કરી છૂટયા, પરંતુ ન તો તેનો રોગ પકડાયો કે ન તો કોઈ ઉપાય મળ્યો. છેવટે તેમણે એક યુવાન ડોકટરની મદદ માગી. એ યુવાન ડોકટરે સરકારી દવાખાને જઈને બીમાર મહિલાના કેસના કાગળ જોવા માગ્યા. તેમાં ગામનું નામ વાંચતા જ સહેજ ચોંક્યો અને દર્દી કોણ છે એ જોવાની ઈચ્છા વ્યક્ત કરી.
હોસ્પિટલમાં ગૃહિણીને જ્યાં રાખવામાં આવી હતી તે રૂમમાં જતા જ ડોકટર તેને ઓળખી ગયા અને તેને કોઈ પણ હિસાબે બચાવી લેવા મનોમન નિર્ધાર કર્યો. યુવાન ડોકટરે પોતાની તમામ આવડતનો ઉપયોગ કરી ગૃહિણીની સારવાર કરી અને તેને સાજી પણ કરી દીધી. છેવટે હોસ્પિટલમાંથી તેને રજા આપવાનો સમય આવ્યો ત્યારે ડોકટરે બિલ પહેલાં પોતાને બતાવવા સ્થાનિક ડોકટરને કહ્યું. બિલ પોતાની પાસે આવ્યું એટલે એ યુવાન ડોકટરે તેના પર નોંધ લખી અને બિલ એ મહિલા પાસે મોકલી આપ્યું.
મહિલા બિલની સામું જોતાં જ ગભરાતી હતી. તેને ખાતરી હતી કે તેની જીવનભરની મૂડી આ બિલ ચૂકવવામાં વપરાઈ જશે. તેણે ધીમે રહીને બિલ ઉપર નજર કરી તો તેના ઉપર લખ્યું હતું, ‘એક ગ્લાસ દૂધના બદલામાં બિલની તમામ રકમ ભરપાઈ થઈ ગઈ છે.’
બોધઃ કોઈ સ્વાર્થ કે ગણતરી વિના કરેલી કોઈની સેવા જીવનમાં કટોકટીના તબક્કે ઉપયોગી
સાબિત થાય જ છે.


comments powered by Disqus