આપણો મૂળધર્મ - સનાતન ધર્મ
'ગુજરાત સમાચાર' દ્વારા શ્રી રમણભાઈ બાર્બરના વિચારો તથા ચિંતન પ્રસ્તુત થયું તે પ્રશંસનીય છે. યુવાપેઢી સનાતન વિચારો તથા સનાતન ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાય તે સમયની માંગ છે. યુવાપેઢીને સનાતન ધર્મમાં રૂચિ થાય તે હેતુથી રમણભાઈએ સ્વેચ્છાએ પ્રમુખપદ છોડી યુવાન અને ઉત્સાહી કાર્યકર વિભુતિબહેન આચાર્યને સુકાન સોંપ્યું તે આવકાર્ય છે. વિભુતિબહેન તથા તેમની બંને બહેનો હેમાબહેન અને ભારતીબહેન પણ એમની સાથે આ પુનિત કાર્યમાં જોડાઈને સનાતન ધર્મની સેવા આગળ વધારી રહ્યા છે. તેમને પિતાશ્રી રમેશભાઈ આચાર્યની સંસ્કૃતિ વારસામાં મળી છે.
વર્ષો પહેલાં મેં અને શ્રી રમણભાઈ બાર્બર અને શ્રી નાથુભાઈ જગજીવન, શ્રી ઠાકોરભાઈ પટેલે મળીને મિલ્ટન કિન્સમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કર્યું હતું. વિવિધ ક્ષેત્રના કથાકારો સંતો-મહંતો જેવા કે પૂ. શ્રી મોરારિ બાપુ, પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, પૂ. સ્વામી સત્યમિત્રાનંદ ગીરીજી, પૂ. પ્રમુખ સ્વામી મહારાજે પણ ઉપસ્થિત રહી આ વિચારને મંચ ઉપરથી આશીર્વાદ આપ્યા હતા.
ભારતથી આવતા કથાકારો, ચિંતકો,વ્યાખ્યાનકારો તથા વિવિધ સંપ્રદાયના મહાનુભાવોએ આપણા સનાતન ધર્મ વિશે વિશેષ ભાર દઈને સમાજને એક મંચ પર એટલે કે સનાતન ધર્મની સાથે જોડવા મહાપ્રયાસ કરવો પડશે. બીજું સનાતન ધર્મ એ જ આપણો મૂળધર્મ છે. બીજા જે સંપ્રદાયો છે તે પણ સનાતન ધર્મની ઉપજ છે. જો આપણે તેનો ખ્યાલ નહી રાખીએ તો ભવિષ્યમાં યુવાપેઢી થડને ભુલીને પાંદડાને જળ પીવડાવશે. થડને પાણી પીવડાવો તો ઝાડ પલ્લવિત થશે, પાન અને ફળની શોભા વધશે એ દરેકે માનવું જ રહ્યું.
પૂ. શ્રી રામભક્ત સૌ પ્રથમ લેસ્ટર પધાર્યા હતા. તેમણે સૌ પ્રથમ લેસ્ટરમાં અને બાદમાં પ્રેસ્ટન, બ્રિસ્ટલ, વેલિંગબરો, કોવેન્ટ્રી, લુટન, ડાર્લેસ્ટન, ડડલી, ચેલ્ટનહામ, લીડ્ઝ, પીટરબરો, વોલસોલ, લફબરો અને ક્રોલી મંદિરોની હારમાળા સર્જી હતી. રામભક્ત બ્રહ્મલીન થયા બાદ તેમના શિષ્ય પૂ. ભરત ભગત આવી જ વિચારધારાને અનુસરીને છેલ્લા ૧૧ વર્ષથી અવિરત યુકે પધારી પૂ. રામભક્તજીની ધર્મધુરાને વેગ આપી રહ્યા છે. હાલ તેઓ ક્રોલી મંદિર માટે ખૂબ મહત્ત્વનો ફાળો આપી રહ્યા છે.
વર્ષ ૧૯૮૮માં ગુજરાત દુષ્કાળ માટે પૂ. મોરારિ બાપુએ રામકથા પ્રેસ્ટનને આપી હતી ત્યારે બાપુએ કથામાં કહ્યું હતું કે યુવાપેઢીને સંસ્થાનો દોર સોંપવો જોઈએ. ત્યારે હું ૫૫ વર્ષનો હતો. નવ વર્ષના પ્રમુખપદ બાદ પૂ.બાપુના શબ્દોને માન આપીને મેં ૧૯૮૮માં યુવા કાર્યકર્તા શ્રી ઈશ્વરભાઈ ટેલરને સંસ્થાનું સુકાન સોંપ્યું. જેમના પ્રમુખપદમાં નૂતન મંદિર બન્યું તેનો યશ ઈશ્વરભાઈ અને દશરથભાઈને જાય છે. હું ફંડ રેઈઝીંગનો અધ્યક્ષ રહ્યો અને ખોટનું દેવું ચૂક્તે થયું. મારી સાથે મારા ધર્મપત્નીએ પણ ખૂબ જ સાથ આપ્યો. તેમના સહકારથી સેવા કરી શક્યો છું અને બીજા વર્ષે પૂ બાપુ લંડન પધાર્યા ત્યારે શાલ ઓઢાડીને મારું સન્માન કર્યું હતું. સૌ સમાજસેવકો મારા વિચારોને સાથ આપશો તો આપણો સનાતન ધર્મ જળવાઇ રહેશે.
- છોટાભાઈ લિંબાચિયા, પ્રેસ્ટન
•••
એથેન્સ કથાઃ મોરારિ બાપુ અને સોક્રેટિસ
તા.૬-૮-૧૬ના ‘ગુજરાત સમાચાર’માં એથેન્સ રામકથાનો કોકીલાબેનનો સરસ લેખ વાંચતા કંઈક ઉમેરવાનું મન થયું છે.
એથેન્સમાં ચામડાનો એક વેપારી હતો. નામ હતું એનીટ્સે. તેણે ૪૨ વર્ષના સોક્રેટિસ ઉપર કોર્ટમાં કેસ માંડ્યો. આરોપ હતો કે આ માણસે મારા છોકરાનું વિચારબીજ ફેરવી નાંખ્યું છે. બાપના ધંધામાં જોડાવાને બદલે સામાજિક સુધારણા તરફ આગળ વધવાનું સૂત્ર આપ્યું છે. તે હજારો વર્ષથી જે ઈશ્વર પૂજાય છે તેને ન પૂજવા સમજાવે છે. સોક્રેટિસ લોકોના મગજને ભ્રષ્ટ કરે છે. સમાજ સામે વિદ્રોહ ઊભો કરે છે. આ ગુના માટે સોક્રેટિસને કઠોર જેલની સજા થાય છે.
સોક્રેટિસે લોકોના મગજના વિચારોને ચગડોળે ચડાવી દેતી ભારોભાર અંધશ્રદ્ધાને પડકારી હતી. લોકોએ તે વખતે તેમનું જીવન ઝેર જેવું કરી નાંખ્યું હતું અને આજે સોક્રેટિસ મહાન ફિલસૂફ તરીકે જગતભરમાં પ્રસિદ્ધ છે. આ સ્થળ પૂજ્ય મોરારિબાપુની કથા માટે પસંદ થયું. ત્યારે માનસ શુક્રાંતના વિચાર સાથે એટલો જ વિચાર આવે છે કે સોક્રેટિસ નામના ઘણાંને ધરતીમાં દબાઈ જઈને સડી જવું પડ્યું હતું, પરંતુ વિચારબીજનો એ દાણો હજારો નવા દાણા ઊગાડતો રહ્યો છે, ડોલરભાઈ પોપટ અને પરિવારે તેને પોષણ આપ્યું છે. બાપુની આ ૮૦૦મી કથામાં ઐતિહાસિકતા ઊભરે છે.
- જગદીશ ગણાત્રા, વેલિંગબરો
•••
લેસ્ટરમાં ભવ્ય મહોત્સવ
ભાઈશ્રી પૂ. રમેશભાઈ ઓઝાની કથાના આયોજનથી લેસ્ટરમાં એક નવો ઉમંગ, ઉત્સાહ અને આનંદ છવાઈ ગયો. ભગવાન શ્રીરામચંદ્રજી 14 વર્ષનો વનવાસ ભોગવ્યા પછી અયોધ્યા પરત થતા, અયોધ્યાવાસીઓને જે ખુશી થઇ હતી, તેમના જીવનમાં જે ચેતના આવી હતી એવી જ જાણે ભાઇશ્રીના આગમનથી લેસ્ટરવાસીઓને થઇ હોય એવો મને ટીવી પર જોઈને આભાસ થયો. ભાઈશ્રીનો જે રીતે ભવ્ય આદરસત્કાર થયો, હજારોની સંખ્યામાં લોકોને ભાવપૂર્વક કથા શ્રવણ કરતા જોઈને એક અનેરો આનંદ અનુભવ્યો. આપણો સનાતન ધર્મ હજુ મજબૂત છે અને તેની જ્યોત કાયમ જ્વલંત રહે તેવી શુભકામના.
ભાઇશ્રીને મારા કોટી કોટી વંદન. યજમાનોને ધન્યવાદ. સૌ કાર્યકર્તાઓને, સ્વયંસેવકોને અને તમામ લેસ્ટરવાસીઓને હાર્દિક અભિનંદન.
- નિરંજન વસંત, લંડન (ઈમેલ દ્વારા)
•••
આનંદીબેનનું આશ્ચર્યજનક રાજીનામુ
આપણા ‘ગુજરાત સમાચાર’ના તા 06/08/16ના અંકના પ્રથમ પાને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુશ્રી આનંદીબેન પટેલે ‘ફેસબુક’ના માધ્યમથી એકાએક રાજીનામુ આપ્યું તે સમાચાર વાંચ્યા. હજુ આગલે દિવસે તો તેઓ સુરત ખાતે ભાજપના કાર્યકર્તાઓની એક સભામાં હતા. પરંતુ એ પછી એવું તો શું બન્યું કે તેમણે રાજીનામુ આપ્યું અને હદ તો એ વાતની થઈ કે મીડિયામાં જેવા આ સમાચાર આવ્યા તેની થોડી જ મિનિટોમાં ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શ્રી વિજયભાઈ રૂપાણીના સમાચાર જોરશોર થી વહેતા થયા !!! અત્રે યાદ અપાવું કે ગુજરાતમાં ત્રણ વખત મુખ્યમંત્રી તરીકે રહેલા નરેન્દ્રભાઈ મોદીએ (મારા માનવા મુજબ ) વિજયભાઈ રૂપાણી ને ક્યાંય કોઈ હોદ્દો આપ્યો ન હતો કે તેમની સેવા પણ લેવાઈ ન હતી. પરંતુ થોડા મહિના પહેલા તેઓ રાજકોટની શ્રી વજુભાઇ વાળાની ખાલી પડેલી બેઠક પરથી ચૂંટાયા. ત્યાર પછી તેઓ આનંદીબેનની સરકારમાં પ્રધાન બન્યા. ગત ફેબ્રુઆરીમાં તેઓ ગુજરાતના ભાજપ પ્રમુખ તરીકે બિરાજમાન થયા અને તા.૭-૮-૧૬ના રોજ તો તેઓ મુખ્ય મંત્રી પણ બની ગયા. આટલી ઝડપી પ્રગતિનો પણ એક રેકોર્ડ થયો હશે !!!! ખેર આનંદીબેન જયારે મુખ્ય મંત્રી બન્યા તેના માત્ર 17દિવસમાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની ઉંચાઈ વધારવામાં સફળ થયા હતા. દિલ્હી સરકારે મંજૂરી આપી તે દિવસે તેઓ જૂનાગઢમાં એક કાર્યક્રમમાં હતા. ત્યાંથી તેઓ તાબડતોબ હેલીકૉપ્ટર મારફતે કેવડિયા કોલોની પહોંચ્યા અને ડેમની ઉંચાઈ વધારવાના કામની શરુઆત કરાવી. રાજીનામુ આપ્યું તેના 48 કલાક પહેલા જ તેમણે ગુજરાતની પ્રજાને ટોલ ટેક્સ માંથી મુક્તિ અપાવી હતી. ગુજરાતના કર્મચારીઓને સાતમા પગારપંચનો અમલ તેમ જ પાટીદાર આંદોલન વખતના 90 % કેસો પાછા ખેંચ્યા છે. પોતાના કાર્યકાળમાં તેમણે અનેક પ્રશંસનીય કાર્યો કર્યા છે તે બદલ તેમને હાર્દિક અભિનંદન.
- ભરત સચાણીયા, લંડન
