વિજય-નીતિનની જુગલબંધી ગુજરાતમાં કેવો રાજકીય ચમત્કાર સર્જશે!

- વિષ્ણુ પંડ્યા Wednesday 10th August 2016 06:29 EDT
 
 

આ શ્રાવણે તો ગુજરાતનાં રાજકારણમાં તરેહવારના ખેલ-છાંટણાં કર્યાં!
નિશ્ચિત તો કશું જ નહોતું અને એક દિવસે બપોરે ફેસબૂક પર મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબહેન પટેલે પોતાનાં રાજીનામાંની ઇચ્છા વ્યક્ત કરી દીધી. અને પછી એ ઇચ્છાનું જાતે અમલીકરણ કરતાં જણાવ્યું કે ૭૫ની વયે હવે ગુજરાત નવા અનુગામીનાં નેતૃત્વમાં કામ કરે તે માટે રાજીનામું આપું છું.
ખરેખર?
મને ૧૯૬૨ના ડો. જીવરાજ મહેતાનાં રાજીનામાની ઘટના યાદ આવી ગઈ. કોંગ્રેસમાં ત્યારે ‘દસ વર્ષ યોજના’ (ટેન યર્સ પ્લાન) અમલમાં આવી હતી. કોઈ એક સત્તા-હોદ્દા પર દસ વર્ષથી વધુ કોઈ ના રહે તેવું કોંગ્રેસ પ્રમુખ સંજીવ રેડ્ડીએ જાહેરમાં કહ્યું અને તેનો ઉપયોગ-દુરુપયોગ સર્વત્ર થવા માંડ્યો. ડો. જીવરાજ પણ સંગઠન પાંખ અને કેટલાક ધારાસભ્યોની ઇચ્છામાં ‘બલિનો બકરો’ બન્યા. પહેલાં તો તેમણે આ દલીલનો દૃઢતાથી વિરોધ કર્યો, પણ પછી રાજીનામું આપ્યું અને તેમની સાથે રસિકભાઈ પરીખ તેમજ રતુભાઈ અદાણીનાંયે પ્રધાન પદેથી રાજીનામાં આવી પડ્યાં. આવું ન થયું હોત તો ખુદ કોંગ્રેસના જ ધારાસભ્યો ડો. જીવરાજ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાના હતા!
‘દસ વર્ષ’ પછી ‘પંચોતેર વર્ષ’!! આનંદીબહેન પાટીદાર અનામત સંઘર્ષ અને અચાનક જાગેલા દલિત આંદોલનમાં ક્યાંક ઊણા ઉતર્યા એવો ગણગણાટ શરૂ થઈ ગયો હતો. આ પટેલ મહિલાએ ગુજરાતનું શાસન અને મહિલા સશક્તિકરણ - બન્ને પૂરી તાકાતથી સારી રીતે ચલાવ્યાં તેમાં બેમત નથી. પણ ૨૦૧૭ની ચૂંટણીને નજરમાં રાખવામાં આવે તો હજુ વધુ સારું કરવું પડે એવી દલીલ દિલ્હીથી આવી. અમિત શાહ વિરુદ્ધ આનંદીબહેન, આ બે અ-સંઘર્ષથી ભાજપને નુકસાન થયું તે કડવી વાસ્તવિકતા પક્ષે સ્વીકારી લેવી જોઈએ.
તેના પરિણામરૂપે નવો મુખ્ય પ્રધાન કોણ - તે સવાલ પેદા થયો. અમિત શાહને પોતાને જ મુખ્ય પ્રધાન બનવું હતું કે પક્ષ પ્રમુખ તરીકે પોતાને અનુકૂળ મુખ્ય પ્રધાન પસંદ કરાય એવું ઇચ્છે છે આ બે પ્રશ્નો મીડિયામાં અને પક્ષમાં છવાઈ ગયા. નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકેની બૃહદ્ જવાબદારીને લીધે રાજ્ય એકમના મનાતા પ્રશ્નોમાં દરમિયાનગીરી ટાળે છે, પણ હવે ભાજપની હાલત એવી છે કે તેમના પડછાયા વિના કશું આગળ ચાલતું નથી. નીતિન પટેલ, પુરુષોત્તમ રૂપાલા, વિજય રૂપાણી - આ ત્રણ મુખ્ય નામો અને બીજાં ત્રણેક નામો તરતાં થયાં ને છેવટે નીતિન પટેલનાં નામની અનેક કારણોસર પસંદગી થશે એમ માની લેવામાં આવ્યું.
પાંચમી ઓગસ્ટે સવારથી મીડિયા સ-જાગ હતું. બપોરે ચાર કલાકે વિધાયક દળમાં ‘સર્વાનુમતિ’થી નામ મુકાશે તેવું નક્કી હતું. નીતિન પટેલ ઠાવકા ચહેરે મીડિયાને જવાબ આપી રહ્યા હતા. તેમાં શરીર-ભાષા (બોડી લેંગ્વેજ) શોધનારાઓને ય લાગ્યું કે ઘીના ઠામમાં ઘી પડી જશે. બપોરે બાર વીસે સીએમઓ (મુખ્ય પ્રધાન કાર્યાલય)માંથી એક મિત્રે મને સંદેશો પણ આપ્યો.
ચાર વાગ્યાથી બેઠક શરૂ થઈ તે શ્રીકમલમ્ ભાજપનું વિશાળ કાર્યાલય ગાંધીનગર-અમદાવાદની વચ્ચે આવેલું છે. ત્યાં ઊજવણીનો અને ઉત્સુકતાનો માહોલ હતો. ગડકરી, વી. સતીષ અને બીજા ‘કેન્દ્રીય નેતા’ હાજર હતા. અમિત શાહ આગલા દિવસે જ પહોંચી ગયા હતા.
મીડિયાએ તો નીતિન પટેલનાં નામ પર ક્યારની મહોર મારી દીધી હતી. દૂરદર્શન પર મારે વિશ્લેષણ કરવાનું હતું, પણ મોડો પડ્યો એટલે એક બીજા પત્રકાર - દેવેન્દ્ર પટેલ - તત્કાલીન પરિસ્થિતિ પર બોલ્યા. એ દરમિયાન ટીવી પર સમાચારો આવ્યા કે બેઠક લાંબી ચાલી છે અને આનંદીબહેને લંબાણપૂર્વક વાત કરી છે. એ સમયે મને આશંકા થઈ. નીતિન પટેલ વિશેની ‘બાઇટ’ આપી દીધા પછી પણ મેં સૂચવ્યું કે મામલો સરળ નથી લાગતો. આ પહેલાં મુખ્ય પ્રધાન પસંદ કરવાના વિધાયક દળની બેઠકની કેટલીક પૂર્વઘટનાઓનો સાક્ષી રહ્યો છું. હિતેન્દ્ર દેસાઈ, ચીમનભાઈ પટેલ, અમરસિંહ ચૌધરી, છબીલદાસ મહેતા, બાબુભાઈ જસભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, દીલિપ પરીખ, કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતા... આટલા નેતાઓને ધારાસભ્યોએ મુખ્યમંત્રી બનાવ્યા તે બેઠકો નજરે નિહાળી છે.
કેશુભાઈ પછી - બાવન ધારાસભ્યોના બળવાને લીધે - પરિસ્થિતિ બદલાઈ ત્યારે કાશીરામ રાણાનું નામ લગભગ નક્કી હતું, પણ વિધાયક દળની બેઠક મળ્યા પહેલાંના દિવસે પત્રકારો સમક્ષ તે ખડખડાટ હસીને પોતાની ખુશી અભિવ્યક્ત કરવામાં સાવચેતી ના દાખવી એટલે પત્તું કપાઈ ગયું. સુરેશ મહેતાનું નામ આગળ આવ્યું. ત્યારે અટલ બિહારી વાજપેયી મામલો ઉકેલવા ખાસ આવ્યા હતા. તેમની સાથે ભૈરોં સિંહ શેખાવત, પ્રમોદ મહાજન, કૃષ્ણલાલ શર્મા અને જસવંત સિંહ પણ હતા. અટલજીએ શંકરસિંહને મનાવી લીધા, પોતાના પ્રિય વડીલ નેતાની વાતનો અ-સ્વીકાર કરી ન શક્યા. એ પછી ચર્ચાનો દોર ચાલ્યો.
સુરેશ મહેતાનું નામ આવતાં એક સીનિયર નેતાથી કહેવાઈ ગયુંઃ ‘પણ અટલજી, આ તો ‘મહેતા મારેય નહીં અને ભણાવેય નહીં!’ એવો ઘાટ થશે! અટલજીએ પક્ષનાં અનેક તોફાનો જોયાં હતાં, તેમણે સ્મિત સાથે કહ્યુંઃ હા, હમેં ઐસા હી મહેતાજી આજકી ઘડીમેં ચાહિયે!’
૨૦૧૬નું મુખ્ય પ્રધાન પદ પરિવર્તન થઈ રહ્યું હતું ત્યારે તેમાંના કોઈ નેતાનું ન હોવું એ પણ એક રાજકીય વળાંક કહેવાય. મહાજન - શેખાવત - કૃષ્ણલાલ તો રહ્યા નહીં, જસવંત સિંહ અને વાજપેયી બીમારીના બિછાને! હા, વી. સતીષ અને ગડકરી જેવા - તે સમયના દ્વિતીય પંક્તિના - અને અમિત શાહ જેવા તે પછી પ્રભાવી બનનારા નેતાઓ જરૂર હતા. તેમણે આ ઘમાસાણના સારરૂપે નવી ફોર્મ્યુલા અપનાવી. વિજય રૂપાણી મુખ્ય પ્રધાન, નીતિન પટેલ નાયબ મુખ્ય પ્રધાન બને છે.
વિજય રૂપાણી રંગુન ટુ ગાંધીનગર - વાયા રાજકોટ - કારકિર્દી ધરાવે છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મંત્રી તરીકે એક સ્કૂટર પર ૧૯૭૦ની આસપાસ અમદાવાદમાં કામ કરતા અને પાલડીમાં આવેલા શ્રીલેખા ભવન (વિદ્યાર્થી પરિષદના કાર્યાલય)માં રહેતા. પરિષદનાં કાર્યકર્તા અંજલિ બક્ષી (અંજલિના પિતા સ્વયંસેવક હતા.) સાથેનો પરિચય લગ્નમાં પરિણમ્યો અને લગ્ન સમારંભ અમદાવાદમાં થયો. વિજય રૂપાણી કોર્પોરેશનના મેયર અને સાંસદ રહ્યાં, મંત્રી બન્યા, છ મહિના પહેલાં પ્રદેશ પ્રમુખ બન્યા. સંગઠન, સંઘર્ષ અને શાસન - ત્રણેમાં તે કંઈક પ્રભાવશાળી છે એવા નિરીક્ષણ સાથે નરેન્દ્ર મોદીએ તેમની પસંદગી પર મહોર લગાવી તેવું માનવામાં આવે છે.
વિજય-નીતિનની જોડી ભાજપની રાજકીય જુગલબંદીમાં ફેરવાઈને કામ કરે તો તે ૨૦૧૭ની ચૂંટણીમાં વધુ ફાયદો કરાવી શકે. કટોકટી સમયમાં વિજયભાઈ વડોદરા જેલમાં હતા તેના રસપ્રદ કિસ્સા હમણાં મળેલા મીસાવાસી રાજ્ય સંમેલનમાં તેમણે કહ્યા અને મને સોલ્ઝેનિત્સીનની ‘ગુલાગ આર્કીપિર્લગો’ નવલકથાના મારાં વક્તવ્યોની કેવી અસર થઈ હતી તે જણાવ્યું હતું!
ગુજરાતમાં ૨૦૧૪ પછી આ બીજા અને ૧૯૬૦ પછીના ૧૬મા મુખ્ય પ્રધાનને માટે કંઈ ઓછા પડકારો નથી. પાટીદાર આંદોલન અને દલિત ઉદ્વેગને પાર પાડવામાં તેમની શક્તિ અને સમજનો પૂરેપૂરો ઉપયોગ કરાશે.


comments powered by Disqus