સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૨૦)

એક પણ સ્થાન, એક પણ દેશ અને પરિસ્થિતિ સુભાષની સાથે નહોતાં, છતાં...

- વિષ્ણુ પંડ્યા Wednesday 10th August 2016 06:51 EDT
 
 

એટલે યુદ્ધબંદીઓ તરફ નજર પડી. ૧૩ ઓગસ્ટ, ૧૯૪૫ જનરલ કિયાની સિંગાપુરમાં, ૨૬ ઓગસ્ટે બેંગકોકમાં જનરલ ભોંસલે, હેનોઈમાં મેજર જનરલ ચેટરજી, આબિદ હસન, પ્રીતમ સિંહ અને ગુલઝારા સિંઘને પકડવામાં આવ્યા. દેવનાથ દાસની હેનોઇમાં ધરપકડ થઈ. અય્યર અને હબીબુર રહેમાન ટોકિયોમાં. ઝાંસી રાણી સેનાની ૩૦૦ વીરાંગનાઓને યુદ્ધકેદી તરીકે દિલ્હી લાવવામાં આવી. મેથી ઓક્ટોબર ૧૯૪૫માં બીજા ૧૦ હજાર આઝાદ ફોજીઓને ભારત લાવવામાં આવ્યા. તમામને દિલ્હી સહિત બીજી જેલોમાં રાખવામાં આવ્યા... આમાંથી કોણ - કેટલા બ્રિટિશ શાસન દ્વારા ફાંસી – ગોળી – તોપનો શિકાર બન્યા? આ દીર્ઘ યાદી તો છૂપાવી દેવામાં આવી, પણ કેટલીક ઘટનાઓ વિસ્ફોટક બનીને બહાર આવી.
સબમરીનમાં જાપાનથી લાવવામાં આવેલા ચારને મદ્રાસ જેલમાં ફાંસીએ ચડાવી દેવાયા.
સતેનવર્ધન.
અબ્દુલ કાદિર.
એસ. આનંદમ્.
ફૌજ સિંહ.
મદ્રાસનું કારાગાર આ ‘જય હિન્દ’ નાયકોનું અંતિમ બલિદાન-સ્થાન બન્યું. દિવસ હતો ૨૭ સપ્ટેમ્બર, ૧૯૪૫નો, જ્યારે બીજા નવ ફાંસીએ ચડી ગયા.
કોણ તે બધા?
જમાદાર માનકુમાર બસુબકર.
એન. કે. કે. ડે.
હવાલદાર ડી. ડી. રામચૌધરી.
હવાલદાર એસ. કે. મુખરજી.
એન. બડુઆ.
પી. ચક્રવર્તી.
સી. મુખરજી.
કે. પી. આઇચા.
આજીવન કેદી બન્યા અબ્દુલ રહેમાન અને આર. એન. ઘોષ. આ બધા યુવાન હતા, ૧૭ વર્ષના રણબંકાઓ, પોતાની તોપના ગોળે બ્રિટિશરોને રણભૂમિમાં પરાસ્ત કર્યા હતા.
અને બીજા ૨૦ વીરો -
છત્તર સિંહને ફાંસી. નાઝીર સિંહને ફાંસી. કેપ્ટન દુર્ગામલને ફાંસી. દિવસો ૨૬ જુલાઈ અને ૨૫ ઓગસ્ટ, ૧૯૪૪. સ્થાન દિલ્હી.
હવાલદાર હજારા સિંહ, સરદાર સિંહ, નગિન્દર સિંહ, કેશરીચંદ્ર શર્મા, ચરણ સિંહ, કેપ્ટન દલબહાદુર થાપા, કેપ્ટન દલબાર સિંહ, હવાલદાર ચમન સિંહ, હવાલદાર ગુરુચરણ સિંહ, પ્રીતમ સિંહ, ટી. પી. કુમારન્, ખુદાર સિંહ, કરતાર સિંહ, રામુ થેવર, રામ સ્વામી, અજાયબ સિંહ અને ઝહુર અહમદ... બધાને ફાંસીની સજા. કારાગારો - દિલ્હી, મુલતાન, સિયાલકોટ, કોલકાતા.
સુબેદાર સિંગારા સિંહ, જમાદાર ફત્તેહ ખાં, જમાદાર પૂરણ સિંહ...
આ યાદી અધૂરી છે ઇતિહાસના વેરવિખેર ગ્રંથના પાનાંઓ ક્યાંક અદૃષ્ટ થઈ
ગયાં છે.
પણ બ્રિટિશ ગુસ્તાખીને કોઈ સીમા નહોતી. સૈનિકી વિપ્લવને તેઓ બરાબરનો પાઠ ભણાવવા માગતા હતા એટલે સુભાષ નહીં તો, તેમના સાથીદારો – એવા ઇરાદાની સાથે ૫ નવેમ્બર, ૧૯૪૫ના ત્રણ સેનાનાયકો પરનો ‘લાલ કિલ્લાનો મુકદમો’ ચાલુ થયો.
આઝાદ હિન્દ ફોજ અને બ્રિટિશ ભારતીય સેના – બન્નેમાં હતા તો ભારતીયોને? બન્ને વચ્ચે મૈત્રી સ્થાપિત થવા લાગી. રંગુન પહોંચેલી બ્રિટિશ સેનાના ભારતીય સૈનિકો આઝાદ હિન્દ ફોજના વિચારોને સમર્થન આપતા થયા. ‘રાજકીય ચેતના’ ભવિષ્યવાણી કરીને જ સુભાષે સિંગાપુર છોડ્યું હતું. બ્રિટિશ સેનાપતિઓ અને બ્રિટિશ સરકાર ભયથી ફફડી ઊઠ્યાં. ભારતમાં ચોતરફ રણઘોષ થયો, ‘જય હિન્દ!’ કર્નલ સહગલને તો બર્માથી ભારત લઈ જવામાં આવતા હતા ત્યારે બ્રિટિશ સૈનિકોએ કહ્યું કે અમને આદેશ આપો, હમણાં બ્રિટિશ એનસીઓને ગોળીએ વીંધી નાખીએ અને આઝાદ ફોજમાં જોડાઈ જઈએ!
કોલકાતાની નીલગંજ મિલિટરી બેરેકમાં ૧૦૦૦ આઝાદ હિન્દ ફોજ સૈનિકોને કેદી તરીકે રાખવામાં આવ્યા હતા તેમાંથી પાંચને બ્રિટિશરોએ મારી નાખ્યા. બીજા ઘણા ઘાયલ થયા. બગાવતનો એ સૂર હતો... પછી લોકોને ખબર પડી. પોસ્ટ – તાર – હવાઈ કાર્યાલયોમાં હડતાળ શરૂ થઈ. રાજભક્ત ગણાતી ગુરખા સેનાએ વિદ્રોહનો બૂંગિયો ફૂંક્યો. જાપાન પરના વિજયનો બધો યશ બ્રિટિશરો લેવા માગતા હતા. તેમના સૈન્યમાં ૭૫ પ્રતિશત તો ભારતીય હતા...
દરમિયાન ભારત ભારેલો અગ્નિ બની રહ્યું. કોંગ્રેસ દુવિધાગ્રસ્ત હતી. લોર્ડ વેવેલે ચૂંટણીનું ગાજર લટકાવ્યું. ‘પછી સ્વરાજનો વિચાર કરીશું’ એમ જણાવી દીધું હતું. બેંતાળીસની લડત તો ભૂતકાળ બની ગઈ, હવે શું કરવું? અકાલી દળ, હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગે સાફ સાફ એલાન કર્યું કે આઝાદ હિન્દ ફોજના તમામ સૈનિકોને છોડી દેવામાં આવે.
તેઓ દેશદ્રોહી નથી, દેશભક્તો છે.
માઇકલ એડવર્ડઝે લખ્યુંઃ હવે કોંગ્રેસની પાસે કોઈ રસ્તો જ નહોતો. દેશની ત્રણ મુખ્ય કોમ – હિન્દુ, મુસ્લિમ, શીખના આઝાદ ફોજના નેતાઓ પર મુકદમો ચલાવવાનો હતો એટલે આખુ ભારત તેની ખિલાફ ઊભું થઈ ગયું.
કોંગ્રેસે શું કરવું જોઈએ?
કોંગ્રેસે ‘રાજકીય હથિયાર’ (Hugh Toye) તરીકે આઝાદ હિન્દ ફોજ સામેના મુકદમાનો વિરોધ કરવાનો નિર્ણય લેવો પડ્યો. પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ય વિરોધમાં જોડાયા. જવાહરલાલથી તેની શરૂઆત થઈ. નિધિ સંગ્રહ શરૂ થયો. ‘ફ્લેગ ડે’ ઊજવાયો. અત્યાર સુધી જાપાન સાથેની નેતાજીની મૈત્રીને વખોડનારા તેમની દેશદાઝનાં ગુણગાન ગાતા થયા.
સહગલ – શાહનવાઝ – ધિલોન તો પ્રતીક હતાં, દેશ નેતાજી માટે લડી રહ્યો હતો. બ્રિટિશ વડા પ્રધાન અર્લ એટલીએ નિસાસો નાખ્યોઃ ‘We were sitting on the top of the volcano, in India!’ ઇન્ડિયન એર ફોર્સના જવાનોએ તો પોતાના પગારમાંથી આઈએનએ માટેના ફંડમાં મોટી રકમ પણ આપી. મેક આર્થરને તેના સેનાપતિત્વનો અનુભવ સાવધ કરતો હતોઃ ‘If he was again escaped, if Subhash Bose comes again we will loose whole of Asia.’
- તો બ્રિટિશ ડર એકલા ભારત પૂરતો નહીં, સમગ્ર એશિયા ગુમાવી દેવાનો હતો! ગાંધીજીએ લખ્યુંઃ આપણા બધામાં આઈએનએથી સમ્મોહન થયું છે.
પટ્ટાભી સીતા રામૈય્યા કોંગ્રેસના ઇતિહાસકાર હતા, તેમની નજરે - ‘સ્વાધીનતાની લડાઈમાં અત્યાર સુધી અહિંસા દ્વારા પ્રાપ્ત સન્માનને આઈએનએએ નિષ્પ્રભ કરી નાખ્યું છે.’
ભૂલાભાઈ દેસાઈએ ભૂતકાળમાં સુભાષ ચંદ્રની તરફદારી કરી નહોતી, પણ આઝાદ ફોજના મુકદમાએ તેમનાં ચિત્તને ખળભળાવી મૂક્યું. શરીર હવે સાથ દે તેવું નહોતું, તબીબોએ સંપૂર્ણ આરામની સલાહ આપી હતી. છતાં આ ગુજરાતી અનાવિલ રાતદિવસના ઊજાગરા કરીને આઝાદ ફોજનો બચાવ કરવાની સામગ્રી ઝૂટાવી રહ્યો હતો. તેમને મન આ તો સૌથી મોટી સ્વતંત્રતાની લડાઈ હતી. દિલીપ કુમાર રાયે ભૂલાભાઈના મનોજગતમાં સુભાષની સ્થાપનાનું શબ્દચિત્ર દોર્યુંઃ ‘Netaji shall live for all times as a singing light house of inspiration to posterity in this our drab age where all the rest is dumb ash.’
સાત ન્યાયમૂર્તિઓએ સહગલ – શાહનવાઝ – ધિલોનનો મુકદમો ચલાવ્યો. બધા બ્રિટિશ–ભારતીય સેનાના જ પદાધિકારીઓ. ચાર અંગ્રેજ, એક મુસ્લિમ, એક શીખ અને એક હિન્દુ. સરકારી વકીલ મેજર વોલ્સ અને સર એમ. પી. એન્જિનિયર. ભૂલાભાઈની સાથે ૧૬ ધારાશાસ્ત્રીઓ, તેમાંના એક ૨૨ વર્ષ પછી કાળો કોટ પહેરનાર જવાહરલાલે ય ખરા.
એક તરફ મુકદમો.
બીજી તરફ જનજુવાળ.
મદુરાઈનાં સરઘસમાં બે મરાયા.
જવાહરલાલે કહ્યુંઃ Revolt!
Revolt! નહીં તો આપણે મરેલો દેશ પુરવાર થશું. કોલકાતા, મુંબઈ, અલ્લાહાબાદ, વારાણસી, પટણા, કરાચી, રાવલપિંડી, ચારે તરફ જુલુસો. કોલકાતામાં ૨૨ દેખાવકારોને ગોળીએ દેવાયા. ૨૦૦ ઘાયલ થયા. ૯૭ બ્રિટિશ ફોજીઓ મર્યા. માઇકલ એડવર્ડઝે નોંધ્યું કે બ્રિટિશરોને ગાંધી–નેહરુથી કોઈ ખતરો નહોતો. ડર તો સુભાષનો જ હતોઃ The British, however still feared Subhash Bose!
ફિલ્ડ માર્શલ અકિતલેકે તો વેવેલને ખુલ્લી રીતે કહી દીધું કે આપણી સેનાના ભારતીય સૈનિકોના ચિત્તમાં આઝાદ ફોજ વિશે શું ભાવના છે એ જાણવું મુશ્કેલ છે. ગમેત્યારે વિસ્ફોટ થવાની સંભાવના છે. દરેક ભારતીય આજે રાષ્ટ્રવાદી બની રહ્યો છે. સૈનિક વિદ્રોહ અને સૈનિક વિભાજન અનિવાર્ય બનશે.
બીજી તરફ, દુનિયાના ચોકમાં યુદ્ધ અપરાધીઓના ન્યૂરેમ્બર્ગ મુકદ્દમામાં એકલા ભારતીય રાધા વિનોદ પાલે કહ્યુંઃ આ તો દેખાડો છે. યુદ્ધ અપરાધી કોણ નથી? કોણ કહી શકશે કે આ વિશ્વયુદ્ધમાં અન્યાય અને નૃશંસપણું આચરવામાં પોતે સામેલ નહોતા? તો પછી એકલું જાપાન જ યુદ્ધ-અપરાધી કઈ રીતે?
રાધા વિનોદનો વૈશ્વિક તખતા પર તો અવાજ સંભળાયો નહીં, પણ લાલ કિલ્લાના મુકદમામાં ભારત અને ભારતવાસી જીત્યો. બ્રિટિશ લશ્કર હાર્યું.
૧૯૪૬ની ચોથી જાન્યુઆરીએ ત્રણે સેનાપતિને છોડી મૂકાયા.
ચોતરફ ‘જય હિન્દ!’નો ગગનભેદી નારો આકાશને આંબીને ધરતી સુધી વિસ્તર્યો... આ સુભાષની ‘Authenticity of vison’ને Hugh Toyeની કલમે વધાવ્યું છે... અમેરિકન રાષ્ટ્રપ્રમુખનેય નવાઈ લાગી કે સુભાષ બાબુને ભારતીયો જ્યોર્જ વોશિંગ્ટન ગણી રહ્યા છે.
સૂતેલું ભારત જાગી ગયું હતું. બેંતાળીસની હતાશાને ભૂલાવી દે તેવા વિદ્રોહ થવા લાગ્યા.
રોયલ ઇન્ડિયન એર ફોર્સનો વિમાન-વિદ્રોહ.
જબલપુરમાં સૈનિકી બળવો.
દહેરાદૂનમાં ગોરખા રેજિમેન્ટની બગાવત.
કરાચી, વિશાખાપટ્ટનમ્, મદ્રાસ, કોલકાતા સુધી નૌ-સેનાની હડતાળ.
ઇન્ડોનેશિયાની આઝાદીને સમાપ્ત કરવા, ફ્રાન્સને મદદ કરવા બ્રિટિશ ભારતીય સેનાને મોકલવાનો નિર્ણય રદ કરવા માગણી.
૪૦,૦૦૦ નૌ-સૈનિકોની ખુલ્લી બગાવત.
મુંબઈના રસ્તા પર નૌ-સેના માટેના જુલુસ પર ગોળીબારમાં ૮૦૦નાં મોત.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ લખ્યુંઃ આ બધાંની પાછળ આઈએનએનો હાથ છે.
૧૮ ફેબ્રુઆરીથી ૨૨ ફેબ્રુઆરી - ચાર દિવસમાં તો દેશઆખો ખળભળી ઊઠ્યો. ૨૦૦૦ સૈનિકોને તેમની ફરજથી વંચિત કરાયા. ૫૦૦ને જેલવાસની સજા થઈ, પણ રાષ્ટ્રીય નેતૃત્વને આ વિપ્લવી માર્ગ પસંદ નહોતો. આઇએનએના સૈનિકોને માન્ય ન કરવાના ઇરાદાઓ વ્યક્ત થવા લાગ્યા. બ્રિટિશ રાજકીય ખેલાડીઓ એક પછી એક મંત્રણાના દરવાજા ખોલતા રહ્યા.
ભારત-વિભાજનનો નકશો તૈયાર થયો. બ્રિટિશરો ઇચ્છતા હતા કે ભારતીય રાજનીતિમાંથી નેતાજી ભૂલાઈ જવા જોઈએ. ૧૯૪૬માં મલેશિયાની યાત્રાએ ગયેલા જવાહરલાલને સિંગાપુરમાં આઝાદ ફોજનાં સ્મારક પર પુષ્પાંજલિ માટે ન જવાનું સમજાવ્યું લેડી માઉન્ટબેટને. તેમણે કહ્યું કે અરે, આઝાદ ફોજે તો અહીં સ્થાનિક લોકોની સામે લડાઈ કરી હતી!
માર્ચમાં પેથિક લોરેન્સનું મિશન આવ્યું. એ જ મંત્રણાઓ. એ, બી, સી ગ્રૂપમાં વિભાજિત કરવાનો એજન્ડા ચર્ચાયો. ઓગસ્ટ ૧૯૪૬માં જનાબ જિન્નાહનું ડાયરેક્ટ એકશન. ૧૦,૦૦૦ હત્યા. આગ - લૂંટફાટ - બળાત્કાર.
સંખ્યા સર્વનાશ તરફ વધતી ગઈ. નોઆખલીમાં કર્નલ જીવન સિંહ સમક્ષ રાત્રિના અંધારે ગાંધીજી રડ્યા. તેમણે આઝાદ ફોજના આ સૈનિકને કહ્યુંઃ જીવન સિંહ, મને કોઈ સમજી ના શક્યું. ન જવાહરલાલ, ના સરદાર, ના રાજેન્દ્ર પ્રસાદ...
કોઈ જ નહીં?
ના. કોઈ નહીં. માત્ર એક જ માણસ – એક જ – મને સમજતો હતો, પણ એ અત્યારે મારી પાસે નથી.
‘તમારી પાસે? કોણ?’
‘હા. સુભાષ... કાશ, મારો આ પુત્ર મારી સાથે અત્યારે હોત!’
‘કાશ’ શબ્દનો આટલો કરુણ પ્રયોગ ઇતિહાસમાં ક્યારેય થયો હશે?
ક્યારેય?
સુભાષ અને શિદેઈના હાથમાં ભારત વિશેના દસ્તાવેજોના પાનાં ફરતાં રહ્યાં... હવે શેષ જાણવા જેવું જ ક્યાં હતું?
•••
‘શું કરી રહ્યા છો, ચંદ્રબોઝ? આ પત્ર...’
‘જોસેફ સ્તાલિનને લખી રહ્યો છું કે મારી આઝાદી ચળવળનું ખૂલ્લું સમર્થન કરો અને મને મારું કામ કરવા દો. મોસ્કોમાં રહીને હું ભારતની આઝાદી જંગની ચળવળ જલદીથી આગળ વધારવા માગું છું મને ઉતાવળ છે... મારા દિવસો અહીં વેડફાઈ રહ્યા છે...’
શિદેઈ ચૂપ રહ્યો.
‘કેમ કશું કહ્યું નહીં, શિદેઈ?’
નેતાજી જાણતા હતા કે સંઘર્ષના નવા અધ્યાયનો પ્રારંભ કરવા માટે શિદેઈ આધારસ્તંભ હતો. આ ભારતપ્રેમી માણસે પોતાના જાનની બાજી લગાવીને છેક અહીં પહોંચાડ્યા હતા – પોતાને અને શિદેઈને.
નેતાજીને એ રહસ્યભરી અદ્ભુત ઘટનાની હારમાળા દિમાગમાં સળવળી.
કેવા ખતરનાક સંજોગોમાં બ્રિટિશરોની આંખમાં ધૂળ નાખીને અદૃષ્ટ થઈ જવાની યોજના ઘડવામાં આવી હતી. અરે, આઝાદ ફોજના સર્વોચ્ચ અફસરો પણ જાણતા નહોતા કે...
કોઈ એક ક્ષણની ભૂલ જિંદગીનાં તમામ સપનાંને નષ્ટ કરી નાખે એવા એ દિવસો.
જાપાનની શરણાગતિ. મિત્ર દેશો – ફ્રાન્સ – અમેરિકા – ઇંગલેન્ડના મરણિયા પ્રયાસો. કોઈ એકાદ દુશ્મન પણ જીવતો ન રહે – બોંબ, ફાંસી, ગોળી, અદાલત – તમામ માધ્યમોનો ઉપયોગ કરવાનું અટ્ટહાસ્ય... આમાં બ્રિટનના વિન્સ્ટન ચર્ચિલે તો ગુપ્તચર લશ્કરી દળોને સૂચના આપી હતી કે બોઝ જ્યાં ક્યાંય મળે કે તરત તેને ખતમ કરવાં. ગમે તે ભોગે આ માણસ જીવતો રહેવો ન જોઈએ...
આઝાદ હિન્દ ફોજ માટે વધુ સંઘર્ષ નિરર્થક હતો. રંગુન – ટોકિયો – સિંગાપુર ધ્વસ્ત થવાના આરે હતાં. અમેરિકન સૈન્યે જમીન અને આકાશ બન્ને પર કબજો જમાવી દીધો હતો. જાપાનના સમ્રાટે ભગ્ન હૃદયે શરણાગતિ સ્વીકારી લીધી પણ-
સુભાષ?
જાપાની સૈનિકી વડા તેરાઉચિ આશ્ચર્ય સ્તબ્ધ હતોઃ આ ભારતીય ક્રાંતિકાર પરાજિત થવા કે માનવા તૈયાર જ નહોતો!
૧૬ ઓગસ્ટ. ૧૯૪૫.
કથિત વિમાની અકસ્માતનું સ્થાન તો તાઇહોકુ તો હજુદૂર હતું, પણ ઓગસ્ટની અગિયારથી સોળમી સુધીમાં સા-વ નકશા પર પગ માંડવાની યોજના નેતાજીના દિલો દિમાગમાં છવાઈ ગઈ હતી.
સિંગાપુરથી લગભગ ૧૦૦ માઇલ દૂરનું સેરેબોન આઝાદ ફોજનાં મથકમાં ફેરવાઈ ગયું હતું. નેતાજીને મળવા માટે ત્યાં તોદામોતો નેગિશી આવ્યો. જાપાનના થાઇદેશના રાજદૂત તો તે વિશેષ પ્રતિનિધિ હતો. ટોકિયોમાં જાપાન સરકારની હતાશા-દુરાશાની વચ્ચે તેને સંદેશો મળ્યો કે જલદીથી નેતાજી સુભાષચંદ્રને મળો અને તાકિદ કરો કે....

(ક્રમશઃ)


comments powered by Disqus