વોશિંગ્ટનઃ જો તમારી વય ૩૦થી ૫૦ વર્ષની વચ્ચે હોય અને તમે હાઇ બ્લ્ડ પ્રેશરથી પીડાતા હો તો તમારે ચેતી જવાની જરૂર છે કારણ કે સમય વીત્યે આ તકલીફ ડિમેન્સિયા નામની ગંભીર બીમારીમાં પરિણમી શકે છે. ડિમેન્સિયા સામાન્ય રીતે ભૂલવાની બીમારી કહેવાય છે, જે હાઇ બ્લડ પ્રેશરના દર્દીને થઈ શકે છે. જોકે, સંતોષજનક બાબત એ છે કે, સારવાર દ્વારા તેનાથી બચી શકાય છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું હતું કે, હાઇ બ્લડ પ્રેશરના કારણે વેસ્ક્યુલર ડિમેન્સિયા થવાનો ખતરો ૬૨ ટકા સુધી વધી જાય છે. બ્રિટનમાં ૧.૫૦ લાખથી વધુ લોકો વેસ્ક્યુલર ડિમેન્સિયાથી પીડાય છે, જેનાથી યાદશક્તિ સંબંધિત, બોલવા સાથે સંકળાયેલી અને ધ્યાન કેન્દ્રીત કરવા અંગેના કામમાં સમસ્યા સર્જાય છે.
આ રોગગ્રસ્ત રક્તનલિકાઓ મસ્તિષ્કમાં લોહીનો પ્રવાહ ઘટવાને કારણે થાય છે. આ શોધ એક મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરાઈ છે. જેમાં જણાવાયું છે કે, બ્લડ પ્રેશરની સમસ્યા સમયની સાથે વકરે છે અને આગળના જીવનમાં પણ સમસ્યા ઊભી કરે છે. આમ, સંશોધન દરમિયાન જાણવા મળ્યું હતું કે હાઈ બીપી વાળા દર્દીઓને આ બીમારી વધુ ખતરો રહે છે.

