ગાંધીનગરઃ નવી સરકારની શપથવિધિ બાદ સોમવારે યોજાયેલી કેબિનેટની પહેલી બેઠકમાં વિભાગોની ફાળવણી મુદ્દે રાજકીય અને વહીવટીય સ્તરે વ્યાપક અસમંજતાના માહોલ બાદ છેક સાંજે છ વાગ્યે ૨૪ પ્રધાનોને વિભાગોની ફાળવણી કરાઇ હતી.
મોદી અને પટેલ સરકારના અનેક દિગ્ગજ, વહીવટી તંત્ર પર પકડ ધરાવતા પ્રધાનોને પડતા મૂક્યા બાદ હાઈકમાન્ડના નિર્દેશ મુજબ પ્રધાનમંડળમાં વિભાગોની ફાળવણી માટે મુખ્ય પ્રધાન ને નાયબ મુખ્ય પ્રધાન વચ્ચે બંધબારણે છ કલાક સુધી બેઠકો ચાલ્યા બાદ ફાળવાયા હતા.
મુખ્ય પ્રધાન રૂપાણીએ તેમના પુરોગામી મુખ્ય પ્રધાન આનંદીબહેન જે વિભાગો-વિષયોની કાર્યવાહી સંભાળતા હતા, તેમાંના મોટા ભાગના વિષયો-વિભાગો-ખાતાં પોતાના હસ્તક રાખ્યાં છે.
નોંધપાત્ર એ બાબત રહી છે કે, વિજયભાઈએ નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઇને રિઝવવા-ખુશ કરવાનો પ્રયાસ કર્યો હોય તેવું ખાતાંની ફાળવણી ઉપરથી જણાય છે. મુખ્ય પ્રધાને નીતિનભાઈની જવાબદારીમાં વધારો કરતાં એમને અતિ અગત્યના એવા નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ, નર્મદા, કલ્પસર તથા પેટ્રોકેમિકલ્સ વિભાગો સોંપ્યા છે.
બીજી એક ઊડીને આંખે વળગે તેવી બાબત એ છે કે આનંદીબહેનના અતિ માનીતા પ્રધાન શંકર ચૌધરીને ખાસ કોઈ મોટો પોર્ટફોલિયો સોંપાયો નથી. ગૃહ વિભાગની રાજ્યકક્ષાની જવાબદારી પ્રદીપસિંહ જાડેજાને સોંપાઈ છે. એ જોતાં અમદાવાદ શહેરનું પ્રતિનિધિત્વ કરતાં આ રાજ્યકક્ષાના પ્રધાન ભલે પ્રમોશન વગર રહ્યાં, પણ તેઓ નવા મુખ્ય પ્રધાનના વિશ્વાસુ તરીકે ઉપસ્યાં છે. ધારણા મુજબ કેબિનેટ પ્રધાનપદનું સપનું જેમનું સાકાર થયું છે તેવા પૂર્વ સ્પીકર ગણપત વસાવાને ફરી વન, આદિજાતિ વિકાસ વિભાગો સાથે પ્રવાસનની જવાબદારી સોંપાઈ છે.

