પ્રાણીઓ કંઈ કરવા ઈચ્છે તો શું ન કરી શકે? તેનું ઉદાહરણ છેઃ ‘આઈસ એજ ફાઈવ’. ‘આઈસ એજ’ પહેલો ભાગ ૨૦૦૨માં બન્યો હતો. એક ઝનૂની ખિસકોલી સ્ક્રેટ પોતાની પાસે રહેલા એક ફળ (એકોર્ન) માટે બિચારી શું નું શું કરી ચૂકી છે. આ વખતે તો તે એલિયનના જહાજથી છેક અંતરિક્ષમાં પહોંચી જાય છે. જહાજ ચલાવતાં તો તેને શું આવડે? એટલે જહાજનાં ખોટાં-સાચાં બટનો દબાવીને તેણે બહુ મોટી પરેશાની ઊભી કરી દીધી છે. એના લીધે ગ્રહો એકબીજા સાથે ટકરાઈ રહ્યા છે. એનાથી પૃથ્વી પર સંકટ ઊભું થાય છે. જોકે, આ બધી બાબતોથી અજાણ સ્ક્રેટ તો પોતાના ફળને બચાવવાની મથામણમાં જ છે.
‘આઈસ એજ’ શ્રેણીની ફિલ્મોના ચાહકો માટે સ્ક્રેટ અજાણ્યું પાત્ર નથી. દરેક ‘આઈસ એજ’માં દરેક મુસીબત એની જ દેન હોય છે જેને અન્ય પ્રાણીઓએ ભોગવવી પડે છે. પાંચમી શ્રેણીમાં આ જાનવરોની દુનિયા ઘણી બદલાઈ ગઈ છે. આળસુ સીડ જોકે જરાય બદલાયો નથી. આ ફિલ્મમાં એક દિવસ બક આવે છે અને આખી ફિલ્મમાં વળાંક આવે છે. ફિલ્મની હિન્દી આવૃત્તિમાં બકને અર્જુન કપૂરે અવાજ આપ્યો છે. બાળકોને આ ફિલ્મમાં અંતરિક્ષની સફર જ નથી કરાવાઈ, પરંતુ સૃષ્ટિની સંરચના અને સમય સાથે અંતરિક્ષમાં થયેલી ઉથલ-પાથલ અને ફેરફારની ઝલક પણ દેખાડાઈ છે. ફિલ્મમાં થ્રીડી ઇફેક્ટ્સ સારી છે.
પીચેજ અને જુલિયાનની પ્રેમકથા ઉપરાંત સોશિયલ મીડિયાને પણ ઈનપુટ તરીકે રાખવામાં આવ્યા હોવાથી આ વાર્તા જંગલની ઓછી અને શહેરની વધુ લાગે છે. બાળકો સામાન્ય રીતે ફિલ્મના જૂના ભાગોને જોડીને જોતાં - વિચારતા ન હોવાથી તેમને આ ફિલ્મ પસંદ પડી શકે છે.

