બેંગ્લૂરુઃ એપ્રિલથી શરૂ થઇ રહેલી ઇંડિયન પ્રીમિયર લીગની નવમી સિઝન માટે શનિવારે યોજાયેલી ખેલાડીની હરાજીમાં યુવા ખેલાડી પવન નેગી અને દીપક હૂડા છવાઇ ગયા હતા. પવન નેગીને તેની બેઝ પ્રાઇઝ કરતાં ૨૮ ગણી વધુ કિંમતે રૂ. ૮.૫ કરોડમાં દિલ્હી ડેર ડેવિલ્સે ખરીદ્યો હતો. પવન નેગીની બેઝ પ્રાઇઝ ૩૦ લાખ રૂપિયા હતા. અનકેપ્ડ ખેલાડી દીપક હૂડાને સનરાઇઝ હૈદરાબાદે રૂ. ૪.૨ કરોડ ખર્ચીને ટીમમાં સામેલ કર્યો છે. દીપક હૂડાની બેઝ પ્રાઇઝ ૧૦ લાખ રૂપિયા હતી.
વિદેશી ખેલાડીમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસન સૌથી ઊંચી કિંમતે વેચાયો હતો. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રૂ. ૯.૫ કરોડમાં ખરીદ્યો હતો. વોટસનની બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા હતી.
વોટસન ઉપરાંત યુવરાજ સિંહ, ઇશાંત શર્મા, કેવિન પીટરસન, મોહિત શર્માને ફ્રેન્ચાઇઝીએ ટીમમાં સામેલ કરવામાં રસ દાખવ્યો હતો. યુવરાજને સનરાઇઝ હૈદરાબાદે રૂ. ૭ કરોડમાં ખરીદ્યો હતો. યુવરાજને ગત વર્ષે દિલ્હીએ રૂ. ૧૬ કરોડમાં ખરીદ્યો હતો. આમ આ વખતે તેને અડધા કરતાં પણ ઓછી કિંમત મળી છે.
બીજી તરફ ટી૨૦ ક્રિકેટમાં મોટા નામ ગણાતા ન્યૂ ઝિલેન્ડના ઓપનર માર્ટિન ગપ્તિલ, ઓસ્ટ્રેલિયાના માઇક હસ્સી, ડેવિડ હસ્સી, ઉસ્માન ખ્વાજા, શ્રીલંકાના જયવર્દને અને તિલકરત્ને દિલશાનને કોઈ ખરીદદાર મળ્યા નહોતા.
ઓલરાઉન્ડરનું આકર્ષણ
આઈપીએલ-૯ માટે શનિવારે યોજાયેલી હરાજીમાં ફ્રેન્ચાઇઝીઓએ ટીમમાં ઓલરાઉન્ડરને સમાવવા દિલ ખોલીને નાણાં ખર્ચ્યા હતા. ટી૨૦ ક્રિકેટમાં બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં કાબેલ ખેલાડી પર વધુ ધ્યાન આપાય છે. આ જ કારણ છે કે આઈપીએલ-૯ માટે થયેલી લિલામીમાં ટોપ-૧૦ ખેલાડીઓમાં સાત ઓલરાઉન્ડર છે. આ તમામને ૪ કરોડ રૂપિયાથી વધુ રકમ આપીને ખરીદાયા છે.
ભારતીય બોલરોની બોલબાલા
ભારતના ઝડપી બોલરો ઇશાંત શર્મા, મોહિત શર્મા, આશિષ નેહરા અને પ્રવીણ કુમારને ખરીદવા માટે ફ્રેન્ચાઇઝીઓએ મોટી રકમ ખર્ચી હતી. જેમાં મોહિતને રૂ. ૬.૫ કરોડ, નેહરાને ૫.૫ કરોડ, ઇશાંતને ૩.૮ કરોડ અને પ્રવીણ કુમારને ૩.૫ કરોડ રૂપિયામાં ખરીદાયો હતો.
નેગીને ખરીદવા તીવ્ર રસાકસી
ઓલરાઉન્ડર પવન નેગીનો સ્ટ્રાઇક રેટ ૧૩૫નો છે. નેગીએ ૫૬ ટી૨૦ મેચમાં ૪૬ વિકેટ ઝડપવાની સાથે ૪૭૯ રન પણ કર્યા છે.
પવન નેગીને તેના ઓલરાઉન્ડ દેખાવના કારણે આગામી એશિયા કપ અને વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં સામેલ કરાયો છે તેનો પણ પવન નેગીને ફાયદો થયો હતો. પવન નેગીને દિલ્હીની ટીમે રૂ. ૮.૫ કરોડમાં ખરીદ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પવન નેગી આઈપીએલની પાંચમી અને છઠ્ઠી સિઝનમાં દિલ્હી ડેર ડેવિલ્સ તરફથી જ રમતો હતો, પરંતુ ૨૦૧૪માં તેને રિલીઝ કરી દેવાયો હતો. પવન નેગીને તે વખતે ચેન્નઈ સુપર કિંગ્સે ખરીદ્યો હતો, જ્યાં તે છેલ્લી બે સિઝનથી રમતો હતો. આ વખતે ચેન્નઈ સુપર કિંગ્સ પર પ્રતિબંધ હોવાથી તેના ખેલાડીઓની લિલામી થઈ હતી, જેમાં પવન નેગીનું નામ પણ હતું.
પહેલી ફેબ્રુઆરીએ શ્રીલંકા સામેની ટી૨૦ સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદગી, ત્રણ દિવસ બાદ એશિયા કપ તથા વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં સ્થાન અને તેના બીજા જ દિવસે આઈપીએલ ઓક્શનમાં સૌથી મોંઘા ભારતીય ખેલાડી બનવું કોઈ પણ ખેલાડી માટે ચમત્કારથી ઓછું નથી. ઓલરાઉન્ડર પવન નેગીને છ દિવસમાં એક સાથે આટલી બધી ખુશી મળી છે. રાતોરાત સ્ટાર ખેલાડી બની ગયેલા પવન નેગીએ કહ્યું કે, હું કોઈ પરીકથા સાંભળી રહ્યો છું મને આટલી ખુશી મળી રહી છે. મને આ વાતનો વિશ્વાસ થતો નથી.
આઇપીએલમાં રાજકોટની ‘ગુજરાત લાયન’ ટીમ
આઈપીએલ સિઝન-નાઇનમાં નવી જોડાયેલી ટીમ ગુજરાત લાયન્સે શનિવારે યોજાયેલી હરાજીમાં ૧૯ ખેલાડીઓ ખરીદ્યા હતા, જેમાં તેણે ભારતીય ખેલાડીઓને ખરીદવા પર વિશેષ ધ્યાન આપ્યું હતું. ટીમે ખરીદેલા નવા ખેલાડીઓમાં ૧૫ ભારતીય અને ચાર વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ટીમમાં સામેલ ચાર વિદેશી ખેલાડીઓમાંથી ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચ અને એન્ડ્ર્યુ ટેયને જ્યારે વેસ્ટ ઇન્ડિઝના ડ્વેન સ્મિથ અને સાઉથ આફ્રિકાના ડેલ સ્ટેનને સમાવેશ થાય છે. જોકે અન્ય ટીમોની સરખામણીએ ગુજરાત લાયન્સની ટીમ હજુ બેલેન્સ થઈ નથી.
બીજી તરફ, પુણે રાઇઝિંગે ટીમ માટે જાણીતા ખેલાડીઓ ખરીદવામાં કોઈ કચાશ ન રાખતાં મિચેલ માર્શ, કેવિન પીટરસન, થિસારા પરેરા, સ્કોટ બોલેન્ડ અને ઇશાંત શર્માને ટીમમાં સામેલ કરીને મજબૂત ટીમ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
આઈપીએલમાં આ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખેલાડીઓ ખરીદવામાં સાવચેતી રાખતાં બેલેન્સ ટીમ બનાવી છે. ટીમમાં સ્ટાર્કના બેકઅપ માટે શેન વોટસનને ૯.૫૦ કરોડ રૂપિયા ખર્ચી ટીમમાં સામેલ કર્યો છે.
ઓકશનમાં કઈ ટીમે કુલ કેટલા રૂપિયા ખર્ચ્યા
• રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
રૂ. ૫૯.૮૨ કરોડ
• મુંબઈ ઈન્ડિયન્સ
રૂ. ૫૨.૯૫ કરોડ
• કોલકતા નાઈટ રાઇડર્સ
રૂ. ૫૩.૭૫ કરોડ
• સનરાઈઝર્સ હૈદરાબાદ
૫૭.૬૦ કરોડ
• કિંગ્સ ઇલેવન પંજાબ
૫૩.૭૫ કરોડ
• પુણે સુપર જાયન્ટ્સ
૬૦.૮૦ કરોડ
• દિલ્હી ડેર ડેવિલ્સ
૫૯.૮૫ કરોડ
• ગુજરાત લાયન્સ
૫૫.૬૫ કરોડ

