જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદનું નિધન થયાને મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પણ કાશ્મીરી પ્રજા આજેય તેમણે ચૂંટેલા પ્રતિનિધિઓની સરકારથી વંચિત છે. લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છતાં છેલ્લા મહિનાથી જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન પ્રવર્તે છે. સહુ કોઇ રાજ્યના સૌથી મોટા પક્ષ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના યુવા નેતા મેહબૂબા મુફ્તી સઇદ સામે નજર માંડીને બેઠા છે. ૨૮ ધારાસભ્યો ધરાવતા મેહબૂબા સરકાર રચવા ઇન્કાર પણ કરતા નથી અને સરકાર રચવાનો કોઇ સંકેત પણ આપતા ન હોવાથી કોકડું ગૂંચવાયું છે. અત્યારે ૮૭ સભ્યોના વિધાનસભા ગૃહમાં પીડીપી-ભાજપનો શાસક મોરચો કુલ ૫૩ બેઠકો ધરાવે છે. પીડીપી કે ભાજપ - બેમાંથી કોઇએ સત્તાવાર રીતે રાજ્યપાલને એ પણ નથી કહ્યું કે મોરચો અસ્તિત્વમાં છે કે નહીં. લાંબી રાહ જોયા પછી છેવટે ગવર્નરે બન્ને પક્ષના નેતાઓ પાસેથી જવાબ માગવો પડ્યો છે કે તેઓ સરકાર રચવા માગે છે કે નહીં. તેમજ સરકાર માટે રચાયેલો મોરચો અસ્તિત્વ ધરાવે છે નહીં?
મુફ્તી મોહમ્મદ સઈદનું સાતમી જાન્યુઆરીએ અવસાન થયું તેના મહિના પૂર્વેથી તેઓ બીમાર હતા. વચ્ચે અહેવાલ હતા કે તેમની હયાતીમાં જ પુત્રી મેહબૂબા મુખ્ય પ્રધાનપદ સંભાળી લેશે. પીડીપીની સ્થાપના કરીને જમ્મુ-કાશ્મીરની પ્રજાને ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સનો પ્રાદેશિક વિકલ્પ આપવામાં પિતા કરતાં પણ મોટું યોગદાન મેહબૂબાનું છે તે જોતાં આમાં કંઇ ગેરવાજબી પણ નહોતું. છતાં આમ થયું નહીં. બીમાર મુફ્તી મોહમ્મદની હયાતીમાં મુખ્ય પ્રધાન બનવાનું તો ઠીક તેમના અવસાનના ચાર અઠવાડિયા પછી પણ સરકાર રચવાની વાત અદ્ધરતાલ છે. ગવર્નરને તેમના પ્રશ્નના જવાબમાં પીડીપીએ જણાવ્યું છે કે કેટલાક મુદ્દે ભાગીદાર પક્ષ સાથે સ્પષ્ટતા જરૂરી હોવાથી તેઓ વિલંબ કરી રહ્યાં છે. આમ કહીને તેમણે વધુ એક સપ્તાહનો - ૧૫ ફેબ્રુઆરી સુધીનો સમય માંગ્યો છે.
જોકે નિષ્ણાતો માને છે કે પીડીપી જે મુદ્દે સહયોગી પક્ષ ભાજપ પાસે સ્પષ્ટતા ઇચ્છે છે એ માટે આટલા દિવસો રાહ જોવાની જરૂર નહોતી. ગયા વર્ષે પીડીપી સાથેની વાટાઘાટોમાં અને સમજૂતી સાધવામાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર ભાજપના મહામંત્રી રામ માધવ જરૂર તમામ મુદ્દે સ્પષ્ટતા કરવા તૈયારી દર્શાવી જ ચૂક્યા છે, પણ તેમ થયું નહીં. અરે, મેહબૂબા મુફ્તી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને પણ પોતાના પ્રશ્નોના જવાબ મેળવી શક્યા હોત. પરંતુ મેહબૂબા મુફ્તીએ આવી કોઇ પહેલ કરી નહીં અને સમય સરતો રહ્યો. આ વલણ આશ્ચર્યજનક છે, પરંતુ રહસ્યમય નથી. મેહબૂબાની સંભવતઃ મૂંઝવણ રાજકીય છે. ભાજપ સાથે હાથ મિલાવવામાં હવે તેમને નુકસાન દેખાય છે. તેમને લાગે છે કે આનાથી વિરોધી નેશનલ કોન્ફરન્સને લાભ થઇ રહ્યો છે. ખાસ કરીને ૨૦૧૪ના જેલમ નદીના પૂર પછી વિસ્થાપિતોના પુનર્વસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પુનનિર્માણના મોરચે સરકાર નક્કર કાર્યવાહી કરી શકી નથી. પરિણામે રાજ્યમાં, સવિશેષ તો કાશ્મીર ખીણપ્રદેશમાં, અસંતોષ વધી રહ્યો હોવાનું છાશવારે થતા દેખાવો પરથી ફલિત થાય છે. દેખાવકારો સમયાંતરે પાકિસ્તાની ધ્વજ પણ ફરકાવતા રહ્યા છે. રાજ્યમાં વધી રહેલા અસંતોષ માટે કંઇક અંશે ભારત સરકારનું વલણ પણ જવાબદાર છે. વિનાશક પૂરે તબાહ કરેલા રાજ્યની મુલાકાતે આવેલા વડા પ્રધાન મોદીએ અસરગ્રસ્તો માટે ૮૦ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ વાતને આજે દોઢ વર્ષ કરતાં વધુ સમય થઇ ગયો છે, પણ રાજ્યને પેકેજની ૧૦ ટકા રકમ પણ ફાળવાઇ નથી. પીડીપીનો એક આક્ષેપ એવો પણ છે કે રાજ્યમાં પ્રદેશ ભાજપના નેતાઓ પાછલા દરવાજેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એજન્ડા લાગુ કરી રહ્યા છે. બે મહિના જૂનો બીફ-પાર્ટીનો વિવાદ તાજો છે. આ બધામાં સૌથી મહત્વનો મુદ્દો આર્મ્ડ ફોર્સિસ સ્પેશ્યલ પાવર એક્ટનો છે. રાજ્યમાં વિશેષ અધિકારો સાથે ફરજ બજાવી રહેલા લશ્કરી દળોને હટાવવાના મુદ્દે નજીકના ભવિષ્યમાં ઉકેલ આવે તેવી શક્યતા જણાતી નથી.
આ અને આવા કારણોસર હવે મેહબૂબાને એમ લાગી રહ્યું છે કે પીડીપીએ સત્તા માટે ભાજપ સાથે ભાગીદાર કરીને ભૂલ કરી છે અને તેનો લાભ મુખ્ય વિરોધ પક્ષ નેશનલ કોન્ફરન્સ અને કોન્ગ્રેસને મળી રહ્યો છે. બીજી તરફ, જમ્મુમાં ભાજપનો ગઢ મજબૂત રહેવાનો જ છે એટલે એને તો કોઈ રાજકીય નુકસાન થવાનું નથી. મહેબૂબાએ અત્યારે તો ફરી એક વખત ગવર્નર સમક્ષ રજૂઆત કરીને સરકાર રચવા સંબંધિત નિર્ણય કરવા માટે મુદત માંગી છે, પરંતુ ખરેખર તેઓ ભાજપ સાથે સરકાર રચે છે કે છેડો ફાડે છે એ તો સમય જ કહેશે.
