દરેક ટેક્નોલોજીના બે પાસાં હોય છે - સારું પાસું અને નઠારું પાસું. અણુ ટેક્નોલોજી હોય કે રોકેટ ટેક્નોલોજી - માનવસમાજના ઉદ્ધારમાં પણ તે ઉપયોગી થઇ શકે અને વિનાશમાં પણ તેનો ઉપયોગ થઇ શકે. આ જ કારણ છે કે નોર્થ કોરિયા દ્વારા થયેલા લાંબા અંતરના રોકેટ પરીક્ષણથી વિશ્વ સમસ્તમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નોર્થ કોરિયાએ આ પરીક્ષણને ભલે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચિંગ જેવું રુપાળું નામ આપ્યું હોય, પણ અમેરિકા, જપાન અને સાઉથ કોરિયા તેને લાંબા અંતરની મિસાઇલનું પરીક્ષણ જ માની રહ્યા છે. જપાન અને સાઉથ કોરિયા તો લગોલગ હોવાથી તેની ચિંતા સમજાય તેવી છે, પણ અમેરિકા જેવા શક્તિશાળી દેશના પેટમાં ફાળ પડવાનું કારણ એ છે કે આ લોંગ રેન્જ મિસાઇલના પરીક્ષણથી ન્યૂ યોર્ક અને વોશિંગ્ટન જેવા મહાનગરો નોર્થ કોરિયાના અણુશસ્ત્રોની રેન્જમાં આવી ગયા છે.
પડોશી દેશ સાઉથ કોરિયા સાથેના વર્ષોજૂના શીતયુદ્ધ સંદર્ભે જોવામાં આવે તો નોર્થ કોરિયા છાશવારે પોતાની લશ્કરી તાકાતનું પ્રદર્શન કરતું જ રહ્યું છે, પરંતુ રાજદ્વારી નિષ્ણાતો આ મિસાઇલ પરીક્ષણને અમેરિકા સામેના સીધા પડકાર રૂપે જૂએ છે. નોર્થ કોરિયાએ ચાર અણુપરીક્ષણ કર્યા છે, જેમાંથી ત્રણ તો રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં જ થયા છે. અને હવે તેણે લાંબા અંતરના મિસાઇલના સફળ પરીક્ષણ થકી અમેરિકા સુધી પહોંચ વિસ્તારી છે. મતલબ કે દુનિયાના સૌથી શક્તિશાળી દેશના વડા - ઇરાનની જેમ - નોર્થ કોરિયાને અંકુશમાં રાખવામાં ફાવ્યા નથી.
વિશ્વમાં આમ તો બીજા દેશો પણ સમયાંતરે અણુ પરીક્ષણો, મિસાઇલ પરીક્ષણો સહિતના શક્તિપ્રદર્શન કરતા રહ્યા છે, પરંતુ નોર્થ કોરિયાના સૈન્ય શક્તિ પ્રદર્શન વેળા સવિશેષ ચિંતા કે તણાવ જોવા મળે છે. દુનિયાના બહુમતી દેશો માને છે કે નોર્થ કોરિયાનું રાજકીય માળખું લોકતાંત્રિક અને પારદર્શક નહીં હોવાથી તેની સાથે વાટાઘાટ કરવાનું કે તેની સાથે સંબંધ વિકસાવવાનું ખૂબ જ જટિલ છે. સરમુખત્યારશાહી શાસનપ્રણાલિ ધરાવતો આ દેશ ક્યારેય આંતરરાષ્ટ્રીય દબાણને વશ થયો નથી.
આથી જ તેના પર આંતરરાષ્ટ્રીય રાજદ્વારી દબાણ ઉભું કરવું પણ મુશ્કેલ છે. એક સમયે નોન-પ્રોલિફરેશન ટ્રીટી (એનપીટી) - અણુ બિનપ્રસરણ સંધિ પર હસ્તાક્ષર કરનાર નોર્થ કોરિયા હવે તેનાથી સાવ જ છેડો ફાડી નાખી પરમાણુ કાર્યક્રમ મુદ્દે મનસ્વી નિર્ણયો લઇ રહ્યું છે. પોતાના અર્થતંત્રની તંદુરસ્તી જાળવવા માટે તે મિસાઇલો અને મિસાઇલ ટેક્નોલોજી પાકિસ્તાન, મિસ્ત્ર, ઇરાન, મ્યાંમાર, લીબિયા, નાઇજીરિયા, સીરિયા, યુનાઇટેડ આરબ અમિરાત, વિયેતનામ જેવા દેશોને વેચતા ખચકાયું નથી. આ યાદીમાંના મોટા ભાગના દેશો અશાંતિમાં ઊંબાડિયા ચાંપવા માટે જાણીતા છે. નોર્થ કોરિયાના સરમુખત્યાર શાસકો અત્યાર સુધી મનફાવે તેમ વર્ત્યા છે, પણ હવે વિશ્વના શાંતિપ્રિય દેશોએ એકસંપ થઇને તેને ભીંસમાં લેવું જ રહ્યું. જો આમ નહીં થાય તો વિશ્વશાંતિની વાતો પુસ્તકોમાં જ રહી જશે.
