મોહાલીઃ કિંગ્સ ઇલેવન પંજાબ સામે સોમવારે રમાયેલા રસાકસીભર્યા મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે એક રને રોમાંચક વિજય મેળવ્યો હતો. બેંગલોરે એબી ડી’ વિલિયર્સના ૬૪ રન અને લોકેશ રાહુલના ૪૨ રનની મદદથી ૨૦ ઓવરના અંતે છ વિકેટ ગુમાવી ૧૭૫ રન કર્યા હતા. જવાબમાં પંજાબની ટીમ ૨૦ ઓવરના અંતે ચાર વિકેટ ગુમાવીને ૧૭૪ રન કરી શકી હતી. પંજાબ તરફથી કેપ્ટન મુરલી વિજયે સૌથી વધુ ૮૯ રન કર્યા હતા જ્યારે સ્ટોઇનિસ ૩૪ રન કરી અણનમ રહ્યો હતો. ૨૨ રન આપી બે વિકેટ ઝડપનાર શેન વોટસનને મેન ઓફ ધ મેચ થયો હતો.
હૈદરાબાદે મુંબઈને ૮૫ રનથી કચડ્યું
ધવનના અણનમ ૮૨ રન બાદ મેન ઓફ ધ મેચ આશિષ નેહરા અને રહેમાને ઝડપેલી ત્રણ-ત્રણ વિકેટની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે લીગ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને ૮૫ રનથી પરાજય આપ્યો હતો. હૈદરાબાદના ત્રણ વિકેટે ૧૭૭ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર મુંબઈ ૧૬.૩ ઓવરમાં માત્ર ૯૨ રનના સ્કોરે તંબુભેગું થઈ ગયું હતું. હૈદરાબાદ માટે ધવને સતત એક છેડો જાળવી રાખીને ૫૭ બોલમાં ૧૦ બાઉન્ડ્રી તથા સિક્સર ફટકારી હતી. વોર્નરે ૪૮ તથા યુવરાજે ૩૯ રન કર્યા હતા.
વિરાટ સામે ધોની સેના પરાસ્ત
પ્લેયર ઓફ ધ મેચ વિરાટ કોહલી (૧૦૮)એ ફટકારેલી ઝંઝાવાતી સદીની મદદથી યજમાન બેંગલોરે શનિવારે રમાયેલી મેચમાં રાઇઝીંગ પૂણે સુપરજાયન્ટ્સને સાત વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ધોનીની આગેવાનીમાં પૂણેની ટીમે સાતમો પરાજય મેળવ્યો હતો. પૂણેએ પહેલા બેટિંગ કરતા ૬ વિકેટે ૧૯૧ રન કર્યા હતા. જવાબમાં બેંગલોરે ૧૯.૩ ઓવરમાં ત્રણ વિકેટે ૧૯૫ રન કરીને મેચ જીતી લીધી હતી. કેપ્ટન કોહલીએ ૫૮ બોલમાં ૧૦૮ રન કર્યા હતા. તેણે અગાઉ આ જ ટૂર્નામેન્ટમાં ગુજરાત લાયન્સ સામે રમાયેલી મેચમાં ૬૩ બોલમાં ૧૦૦ રન કર્યા હતા.

