ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે નિસ્બત ધરાવતા પ્રશ્નને પણ કેટલી અણઘડ રીતે હાથ ધરાતા હોય છે તે જાણવું - સમજવું હોય તો પઠાણકોટના આતંકવાદી હુમલા અને તે પછી હાથ ધરાયેલી તપાસના ઘટનાક્રમ પર નજર ફેરવવા જેવી છે. પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા પંજાબના પઠાણકોટ ખાતેના ઇંડિયન એર ફોર્સના બેઝ સ્ટેશન પર પહેલી જાન્યુઆરીએ થયેલો આતંકવાદી હુમલો તપાસ અને તારણના તબક્કામાંથી પસાર થતાં પૂર્વે જ વિવાદમાં સપડાયો છે. આ હુમલો કરનારા આતંકવાદી પાકિસ્તાનથી આવ્યા હોવાનું નિવેદન થયાં પછી તરત હુમલાખોર આતંકવાદીઓની સંખ્યાના મુદ્દે વિવાદ ચાલ્યો હતો. હુમલાખોર છ હતા કે ચાર તેની ગણતરી કરીને તપાસનીશ એજન્સીઓ સાચો આંકડો જાહેર કરે તે પહેલાં બીજો વિવાદ ઉભો થઇ ગયો. મુદ્દો હતો પંજાબ પોલીસની ભૂમિકાનો. પંજાબ પોલીસના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એસપી) સતવિંદર સિંહની આ હુમલામાં ભૂમિકા અંગે ખૂબ ચર્ચાઓ ચાલી. છેવટે સતવિંદર સિંહનો નાર્કો ટેસ્ટ થયો. ટેસ્ટની અગ્નિપરીક્ષામાં તેઓ ખરા ઉતર્યા અને તપાસ એજન્સીઓ માથું ખંજવાળતી રહી. આ પછી ભારતે (હંમેશની જેમ રાજકીય) ઉદારતા દાખવીને પાકિસ્તાનની તપાસ ટીમને પઠાણકોટમાં તપાસ માટે દરવાજા ખોલી આપ્યા. જે દુશ્મન દેશ હુમલામાં સંડોવાયો હોય તે જ દેશના અધિકારીઓ તપાસ કરવા આવે તેવી ઘટના વિશ્વમાં ભલે બીજે ક્યાં નોંધાઇ ન હોય, પણ આવી અભૂતપૂર્વ ઘટના ભારતમાં બની! દાના દુશ્મનને પણ સારો કહેવડાવે તેવા પડોશી દેશ સાથે મિત્રતાપૂર્ણ સંબંધો રાખવાની ઘેલછામાં દિલ્હીમાં બેઠેલા શાસકોએ કાવતરાંખોરોને જ તપાસકર્તાનો દરજ્જો આપ્યો. આ પછી સમસ્યા વધુ વકરી. પાંચ દિવસ સુધી ભારતની મહેમાનનવાજી માણીને સ્વદેશ પહોંચેલી પાકિસ્તાની તપાસ ટુકડીએ પોત પ્રકાશ્યું. પઠાણકોટમાં તો ભારતની અંદરથી જ હુમલો થયો છે તેવો આક્ષેપ કરીને તેણે ભારતને દાઝ્યા પર ડામ આપ્યો. ભારત આ પાકિસ્તાની ટીમને તપાસાર્થે એર ફોર્સના અતિ સંવેદનશીલ વિસ્તારમાં પણ લઇ ગઇ હતી, પરંતુ તેમણે દાવો કર્યો કે ભારતે અમને તપાસમાં સહકાર જ નથી આપ્યો.
પઠાણકોટ હુમલો કેમ થયો તેના નક્કર કારણો અને તારણો હજુ હવામાં જ છે ત્યાં પાર્લામેન્ટરી કમિટીનો રિપોર્ટ આવી ગયો છે. કમિટીએ રિપોર્ટમાં ભારત સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું છે કે દેશના ત્રાસવાદ-વિરોધી તંત્રમાં અઢળક ખામીઓ રહેલી છે. એર ફોર્સ સ્ટેશનની સુરક્ષા માટે પૂરતો બંદોબસ્ત નથી. કમિટીએ પંજાબ પોલીસની ભૂમિકા સામે પણ શંકાની સોય તાકી છે. તો એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે દેશભરમાં ટેરર એલર્ટ હોવા છતાં આતંકવાદીઓ ઇંડિયન એર ફોર્સ સ્ટેશનમાં ઘૂસવામાં સફળ કઇ રીતે થયા તે સમજાતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો, પાર્લામેન્ટરી કમિટીના રિપોર્ટમાં પઠાણકોટ હુમલા સંદર્ભે નક્કર કારણ કે તારણના બદલે સવાલો વધુ છે. ભારતમાંથી જ અને ભારતીયો દ્વારા જ ઉભા થયેલા આ સવાલો એવા છે જેણે ગુનેગાર પાકિસ્તાનને પોતાની જાતને નિર્દોષ પુરવાર કરવાનો માર્ગ મોકળો કરી દીધો છે.
પાકિસ્તાન ક્યારેય દુધે ધોયેલું ન હોવાની વાત ભારતથી વધુ સારી રીતે કોણ જાણતું હશે? આમ છતાં ભારત તેને વિશ્વતખતે આરોપીના કઠેડામાં ઉભા રાખવામાં કાચું પડી રહ્યું છે. આના મૂળમાં પાકિસ્તાનની ખંધાઇ કરતાં ભારતની નરમાઇ અને આંતરિક બાબતમાં સંકલનનો અભાવ વધુ જવાબદાર છે. ભારતે પાકિસ્તાનને ખુલ્લુ પાડવું હશે તો તપાસ એજન્સીઓથી માંડીને વિદેશ નીતિ સુધીની બાબતોમાં એકસૂત્રતા આણવી પડશે.
