ભારતીય બિઝનેસમેન નવજીત ઢિલ્લોં પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે, તેમણે પોતાનાં ૧૦૦ એપાર્ટમેન્ટ્સ લોકોને રહેવા માટે ખોલી આપ્યા છે.
ફોર્ટ મેકમર્રે શહેર આગથી સૌથી વધુ અસરગ્રસ્ત થયું છે. અહીંનાં હજારો લોકોને ઘર ત્યજવાની ફરજ પડી છે ત્યારે કેલગરીમાં મેઇનસ્ટ્રીમ ઇક્વિટી કોર્પ્સ ચલાવી રહેલા સીઈઓ નવજીત ઢિલ્લોંએ પોતાનાં ૧૦૦ એપાર્ટમેન્ટ લોકોનાં વસવાટ માટે ખુલ્લાં મૂકી દીધાં છે.
જાપાનમાં જન્મેલા નવજોતનો ઉછેર લાઇબેરિયામાં થયો છે. સિમલામાં પણ અભ્યાસ કર્યો છે. તેમની કંપની કેનેડાની રિઅલ એસ્ટેટ કંપનીમાંની એક મોટી કંપની છે. કેનેડામાં ૧.૫ બિલિયન કેનેડિયન ડોલરની મિલકતો ધરાવે છે. સીરિયાથી નાસીને કેનેડા આવેલાં લોકોને પણ ઢિલ્લોંએ ૨૦૦ એપાર્ટમેન્ટ રહેવા ફાળવ્યાં હતાં.
લોકોની નોકરી છૂટી ગઈ છે. ઘર છૂટી ગયાં છે, પણ કારમાં બેસીને લોકો કેલગરી સુધી પહોંચી શક્યાં છે. તેમની મદદ માટે કંપનીનો સ્ટાફ ખડેપગે હાજર છે. ગુરુ નાનક સિંહ શીખ સોસાયટીના અનમોલ સિંહે કહ્યું કે રાહતસામગ્રી જરૂરતમંદો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ગુરદ્વારા અને મકાનોમાં ૧૦૦ કુટુંબોને આશરો આપવામાં આવ્યો છે. આલ્બર્ટા ઉપરાંત બ્રિટિશ કોલંબિયા અને ઓન્ટારિયો ખાતે વિવિધ ગુરદ્વારામાં રાહત માટે ખાસ કાઉન્ટર શરૂ થયાં છે. શીખ સંગઠનોએ અનેક ટ્રકમાં રાહતસામગ્રી પ્રભાવિત વિસ્તાર સુધી રવાના કરી છે.

