બ્રોડબેન્ડના વિજ્ઞાપનોમાં તમામ વિગતો આપવા ASAનો આદેશ

Monday 09th May 2016 12:02 EDT
 
 

લંડનઃ બ્રોડબેન્ડ પ્રોવાઈડર્સને આગામી ઓક્ટોબરથી તેમની પ્રોડક્ટ્સના સ્પષ્ટ દરો અને કોન્ટ્રાક્ટની વિસ્તૃત વિગતો સાથે જ વિજ્ઞાપન આપવા એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડસ ઓથોરિટીએ આદેશ આપ્યો છે. ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ગાય પાર્કરે જણાવ્યું હતું કે ગ્રાહકો ગેરમાર્ગે ન દોરાય અને તેમને વિકલ્પો સાથે તમામ માહિતી મળે તે માટે કડક વલણ અપનાવાયું છે.

ઓથોરિટીએ બ્રોડબેન્ડ પ્રોવાઈડર્સ નવા નિયમોનું પાલન કરે તે માટે ભવિષ્યમાં કેવી એડ આપવી તેની ભલામણ કરી છે, જે મુજબ એડમાં બ્રોડબેન્ડ લાઈનના ભાડાની કિંમત અલગ રાખ્યા વિના અપફ્રન્ટ અને માસિક કિંમત સહિત તમામ ચાર્જનો ઉલ્લેખ કરવાનો રહેશે. એડમાં અગાઉ ચૂકવવાની રકમ, કોન્ટ્રાક્ટનો સમયગાળો અને ડિસ્કાઉન્ટ પછીના દરોને વધુ મહત્વ આપવાનું રહેશે.

ઓથોરિટીના ‘વિજ્ઞાપનો પ્રત્યે લોકોની પ્રતિક્રિયા’ વિશે રેગ્યુલેટર Ofcom સાથેના અભ્યાસ મુજબ ઘણાં લોકોને હાલ પ્રસિદ્ધ થતા વિજ્ઞાપનો સમજવામાં મુશ્કેલી પડે છે. અભ્યાસમાં લોકોને બ્રોડબેન્ડ કોન્ટ્રાક્ટના કુલ ખર્ચની ગણતરી કરવાનું કહેવાયું ત્યારે ૮૦ ટકાથી વધુ લોકો તેની ગણતરી કરી શક્યા ન હતા. અભ્યાસમાં માત્ર ૨૩ ટકા લોકો જ પહેલી વખત એડ જોઈને દર મહિને ચૂકવવાની થતી સાચી રકમ જણાવી શક્યા હતા. ૨૨ ટકા લોકો તો આ એડ બીજી વખત જોયા પછી પણ કોઈ રકમ દર્શાવી શક્યા ન હતા.


comments powered by Disqus