વિવિધ કાઉન્સિલોની ચૂંટણીમાં લેબર પાર્ટીનું ધોવાણ સ્કોટલેન્ડમાં SNPની ત્રીજી મુદત, કન્ઝર્વટિવ બીજા સ્થાને

Tuesday 10th May 2016 14:29 EDT
 
 

લંડનઃ યુકેમાં ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં કાઉન્સિલો માટેની ચૂંટણીમાં પાંચમી મે, ગુરુવારે મતદાન યોજાયું હતું. વિપક્ષ લેબર પાર્ટીએ સ્કોટલેન્ડમાં પરાજય વેઠ્યો હતો, જ્યારે દક્ષિણમાં પણ તેની સ્થિતિ સારી રહી ન હતી, જેને જેરેમી કોર્બીનના નેતૃત્વ વિશે સમગ્ર દેશમાં ચુકાદા તરીકે નિહાળવામાં આવે છે. જોકે, લંડન, બ્રિસ્ટોલ અને સાલ્ફોર્ડમાં લેબર પાર્ટીના મેયર ચૂંટાઈ આવ્યા હતા. લંડનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ઝેક ગોલ્ડસ્મિથને સાદિક ખાને પરાજય આપ્યો હતો અને ટોરી પાર્ટીના આઠ વર્ષના શાસનનો અંત આવ્યો હતો. આ રીતે, બ્રિસ્ટોલમાં પણ માર્વીન રીસના વિજય સાથે લેબર પાર્ટીએ મેયરપદ હાંસલ કર્યું હતું, જ્યારે પૌલ ડેનેટના વિજય સાથે સાલ્ફર્ડમાં આ પદ જાળવી રાખ્યું હતું.
જોકે લંડન અને વેલ્સ એસેમ્બલીના પરિણામો લેબર પાર્ટીના તરફેણમાં રહ્યાં હતાં. લંડન એસેમ્બલીમાં લેબર પાર્ટીએ ૧૨, કન્ઝર્વેટિવને ૮ તેમજ ગ્રીન અને Ukipને ફાળે ૨-૨ બેઠકો ગઈ હતી જ્યારે લિબરલ ડેમોક્રેટ્સને ૧ બેઠક મળી હતી. વેલ્સમાં લેબર પાર્ટીએ એક બેઠકના નુકસાન સાથે ૨૯ બેઠક મેળવી હતી. જ્યારે પ્લેઇડ સીમ્રુને ૧૨, કન્ઝર્વેટિવને ૧૧, Ukipને ૭ અને લિબ ડેમ્સને ૧ બેઠક મળી હતી.
સ્કોટલેન્ડમાં SNP ની ત્રીજી મુદતઃ
સ્કોટિશ નેશનલ પાર્ટીએ ૧૨૯માંથી ૬૩ બેઠક પર વિજય સાથે સ્કોટલેન્ડમાં ત્રીજી મુદત માટે શાસન હસ્તગત કર્યું હતું. જોકે, નિકોલા સ્ટર્જનની પાર્ટી સંપૂર્ણ બહુમતી હાંસલ કરવામાં અને ૨૦૧૧માં એલેક્સ સાલમોન્ડે હાંસલ કરેલી ૬૯ બેઠકની ભવ્ય સફળતાનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળ ગઈ હતી. સ્કોટિશ પાર્લામેન્ટ હેલ્થ, એજ્યુકેશન, હાઉસિંગ, જસ્ટિસ અને પર્યાવરણ સહિતના ક્ષેત્રોમાં સ્કોટલેન્ડ માટે કાયદા બનાવવાની સત્તા ધરાવે છે.
બીજી તરફ, સ્કોટિશ કન્ઝર્વેટિવ્ઝે સત્તાના વિભાજન પછી સૌથી સારા પરિણામો મેળવ્યા છે. એડિનબરા સેન્ટ્રલ બેઠક પરથી વિજયી બનેલાં રુથ ડેવિડસનના વડપણ હેઠળ ટોરી પાર્ટીએ સ્કોટલેન્ડમાં બીજા ક્રમની સ્પર્ધામાં લેબર પાર્ટીને પાછળ ધકેલી દીધી છે.  તેમણે યુનિયનના બચાવ અને આઝાદીના બીજા રેફરન્ડમનો વિરોધના કેમ્પેઈન પર આધાર રાખ્યો હતો, પરિણામે સ્કોટિશ પાર્લામેન્ટમાં તેમના ૩૧ સભ્ય થયા છે, જે ૨૦૧૧ની સરખામણીએ ૧૬ બેઠકનો વધારો સૂચવે છે.
એક સમયે સ્કોટલેન્ડમાં શાસન ધરાવતી લેબર પાર્ટીએ ૨૪ બેઠકો મેળવતાં તેનું ધોવાણ થયું હતુ અને ૨૦૧૧ની સરખામણીએ ૧૩ બેઠક ઓછી મળી હતી. સ્કોટલેન્ડમાં ગત ચાર ચૂંટણીઓ પર નજર નાખતા જણાય છે કે સ્કોટિશ નેશનલ પાર્ટીને તબક્કાવાર ઉદય લેબર પાર્ટીના ધોવાણ સાથે સંકળાયેલો છે. આ વખતે લેબર પાર્ટીએ ગ્રીન્સ અને કન્ઝર્વેટિવ્ઝ સામે મત ગુમાવ્યાં છે.  
લેબર પાર્ટીમાં સાદિકના વિજય છતાં હતાશા
સાદિક ખાનનો વિજય લેબર પાર્ટી માટે મોટું આશ્વાસન બની રહ્યો છે કારણકે દાયકાઓમાં ઈંગ્લિશ કાઉન્સિલની બેઠકો ગુમાવનાર તે પ્રથમ વિપક્ષ બન્યો છે, જ્યારે સદીમાં સૌપ્રથમ વખત તે સ્કોટલેન્ડમાં ત્રીજો ક્રમે પહોંચ્યો છે અને વેલ્સ એસેમ્બલીમાં સંપૂર્ણ નિયંત્રણ ગુમાવ્યું છે.


    comments powered by Disqus