ગુજરાતની રાજકીય જમીન નાણતા કેજરીવાલ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Tuesday 11th October 2016 07:21 EDT
 
 

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર ૨૦૧૭ કે તે પૂર્વે આવે તો પણ ચૂંટણી પછીનું ચિત્ર કેવું ઉપસશે, એની ચર્ચા અત્યારથી રાજકીય પક્ષો અને આમજનતામાં થવા માંડી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નાકનો પ્રશ્ન છે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી. સત્તારૂઢ ભાજપ અને સત્તાકાંક્ષી કોંગ્રેસના વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઉપસવાની કોશિશ કરી રહી છે, પરંતુ આ પક્ષ-ત્રિવેણી એક જ ગોત્રમાંથી જ પ્રગટતી હોય એવું લાગે છે.

અણ્ણા હજારેના રામલીલા આંદોલનમાં ભારત માતાની જે છબિ મૂકાઈ હતી એ સ્વયં બોલકી હતી. અણ્ણાના લોકપાલ આંદોલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વરિષ્ઠ પ્રચારક રહેલા કે. એન. ગોવિંદાચાર્ય જ નહીં, જૂના અને નવા કે ભવિષ્યના ભાજપી ચહેરાઓ દૃશ્યમાન હતા. કોંગ્રેસની અપ્રતિષ્ઠા કરીને ભાજપના નરેન્દ્ર દામોદરદાસ મોદીને વડા પ્રધાનપદ સુધી પહોંચાડવાની કવાયતના બ્રાન્ડ-એમ્બેસેડર બાબા રામદેવ જેવા મહાનુભાવો પણ હતા. અરવિંદ કેજરીવાલની ‘આપ’ પાર્ટીની સેના એ આંદોલનમાંથી પ્રગટી તો અરવિંદ વિરુદ્ધ મુખ્ય પ્રધાનપદની ભાજપી ઉમેદવાર એવાં દેશનાં પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કિરણ બેદી પણ અણ્ણા-આંદોલન થકી જ ઉપસ્યાં હતાં. ગોવિંદાચાર્ય ભલે ક્યાંક ખોવાયેલા લાગ્યા હોય, પરંતુ એમની રાજકીય દીક્ષા લેનારાં સાધ્વી ઉમા ભારતી કેન્દ્રમાં પ્રધાનપદું જરૂર પામ્યાં.

અણ્ણા-આંદોલનની કૌરવ-પાંડવ સેનાએ કોંગ્રેસને ઘરભેગી કરીને એકમેક સામેના વેરની વસૂલાત કરી લેવાની કવાયત અખંડ રાખી છે. ગુજરાતમાં પણ ત્રિપાંખિયો જંગ ખેલાય તો ય સંઘર્ષ તો મામકા અને પાંડવાશ્ચનો જ છે. ભાજપ અને કોંગ્રેસ બેઉમાંથી કોઈ પણ જીતે, નાગપુરના સંઘકાર્યાલયે તો હરખ જ કરવાનો છે. એવું જ કાંઈક વિજય લગી નહીં પહોંચનારી મનાતી ગુજરાતની કેજરીવાલ - સેનાનું પણ લેખાવી શકાય.

‘આપ’ પાર્ટીનો ગંજીપો ચીપાયે જાય છે

અત્યાર લગી ‘આપ’ પાર્ટીનું ગુજરાતનું માળખું રચાયું નથી, જે રચાયું છે તે ભગવી પાર્ટી ભાજપના ટેકે અને હજુ કોણ જોડાશે એનાં મૂકાનારાં ગણિતમાં પણ ભાજપ-સંઘથી નારાજ થયેલાઓના શંભુમેળાઓનો જ સમાવેશ છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સુરતમાં ૧૬ ઓક્ટોબર ૨૦૧૬ની સભા કરીને ગુજરાતની જમીનને નાણી જોવા માંગે છે. એમની સેના ખરેખર કોને વફાદાર છે એ અજમાવી જોવા માંગે છે.

ગુજરાતના સંનિષ્ઠ અગ્રણીની છબિ ધરાવનારા મહુવાના ત્રણ-ત્રણ મુદ્દત માટે ભાજપી ધારાસભ્ય રહેલા ડો. કનુભાઈ કલસરિયા ગુજરાતની ‘આપ’ પાર્ટીના સંયોજક તરીકે અત્યારે કાર્યરત છે. કાલે ના પણ હોય, કારણ છેલ્લા દસ મહિનામાં ‘આપ’ પાર્ટીના ગુજરાતના પ્રભારી અને દિલ્હીના ધારાસભ્ય રહેલા ગુલાબ સિંહે ચાર-ચાર વખત વિવિધ હોદ્દેદારોને બાજીનાં પત્તાંની જેમ નિયુક્તિ-વિદાયની જેમ ચીપ્યા છે. એમ તો ગુજરાત ભાજપના સંસ્થાપક સંયોજક અને ‘ગણતર’ સંસ્થાના પ્રતિષ્ઠિત સૂત્રધાર સુખદેવ પટેલને જાન્યુઆરી ૨૦૧૫માં કનુભાઈમાં રાજ્ય એકમના પ્રમુખનું ટિમ્બર વર્તાયું હતું અને ડિસેમ્બર ૨૦૧૫માં તો સુખદેવનું ત્રણ વર્ષ માટે અકારણ નિલંબન થઈ ચૂક્યું હતું.

ગુજરાત ‘આપ’ પણ ભાજપથી ભરેલી

કનુભાઈ કેજરીવાલની સુરત-વરાછાની જાહેરસભાની પૂર્વતૈયારી માટે જઈ રહ્યા હતા ત્યારે વિગતે વાત થઈ. એમણે પોતાની પાર્ટીનું ગુજરાતનું માળખું ૪૦ ટકા ગોઠવાયાનું કહ્યું અને હજુ ૬૦ ટકા ગોઠવવાનું બાકી હોવાનું કહ્યું. યુદ્ધના મેદાનમાં કેજરીવાલના રણટંકારની સામે ડો. કલસરિયા આહિર હોવા છતાં થોડા ઋજુ ઋજુ લાગતા હોય એમ ઢીલું બોલે છે ત્યારે રાજ્યમાં ‘આપ’ કેવા કાંદા કાઢશે એ સમજવાનું આગોતરું દર્શન જરૂર થાય છે. ગુલાબ સિંહ વિરુદ્ધ દિલ્હીના પોલીસ કમિશનર કોઈ બે વ્યક્તિના ઝઘડામાં સમન્સ-વોરંટ પાઠવીને પરેશાન કરી રહ્યાની વાતથી લઈને સુરતમાં કેજરીવાલની જાહેરસભા માટે વડી અદાલતે જઈને મંજૂરી મેળવવી પડે ત્યાં લગીની વાત એ કરે છે.

‘આપ’ પાર્ટીમાં વિશ્વાસનો અભાવ વર્તાય છે. કાં તો ગુલાબ સિંહની આસપાસ ભાજપી સુપ્રીમો અમિત શાહનું ટેકેદાર જૂથ ગોઠવાઈ ગયાની પણ ચર્ચા કનુભાઈ કે કિશોર દેસાઈના પગ બાંધવા માટે જવાબદાર લાગે છે. વડોદરાના ભાજપી મેયર રહી ચૂકેલા રબારી આગેવાન રતિલાલ દેસાઈને વિહિંપ-ભાજપ-સંઘ થકી મોહભંગ થતાં ‘આપ’માં આવ્યા છે, એટલે ગુજરાતમાં એકંદરે ‘આપ’ પણ ભાજપથી જ ફાટફાટ થવાનાં એંધાણ છે. પંજાબની વિધાનસભાની ચૂંટણીના પરિણામ અને સુરતની કેજરીવાલ સભા પછી ‘આપ’ પાર્ટીએ ગુજરાતમાં ૧૮૨ બેઠકો લડવી કે માંડી વાળવું એ નક્કી કરાશે. ડો. કલસરિયા પ્રામાણિક અગ્રણી છે એટલે ડિંગ મારતા નથી.

ભાજપના ધારાસભ્ય રહેલા યતીન ઓઝા કોંગ્રેસમાં આંટો મારીને પાછા મોદી-અમિત શાહના ભાજપમાં પાછા ફર્યા હતા. અમિત શાહના ધારાશાસ્ત્રી પણ હતા. હવે એ ‘આપ’માર્ગી થયા છે. ‘આપ’માં એમને ગોઠશે કે પાછા ઘરવાપસી કરશે એ હજુ અનિશ્ચિત છે.

કોંગ્રેસમાં જતાં જતાં ‘આપ’માં

હમણાં પાટીદાર અનામત આંદોલનમાં ગાજવીજ કરનારા ધારીના ભાજપી ધારાસભ્ય નલિન કોટડિયા ‘આપ’માં જોડાવાની ચર્ચા હતી. ‘આપ’ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને રાજકોટમાં મળ્યા ય ખરા. અરવિંદે એમને પક્ષમાં જોડાવા માટે કહ્યું છતાં એમણે હજુ નિર્ણય કર્યો નથી. ઉલ્ટાનું ગુજરાત ‘આપ’ પાર્ટીના અગ્રણીઓ કનેથી મળતા સંકેતો મુજબ, કોટડિયા તો કોંગ્રેસગમન કરવાના હોય એવું લાગે છે. એમણે બધા વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. આમ પણ એમને પક્ષોમાં પલટીઓ મારવાનો અનુભવ છે. અગાઉ કેશુભાઈ પટેલ અને ગોરધન ઝડફિયાની ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)માંથી ૨૦૧૨ની ચૂંટણીમાં કેશુભાઈ વિસાવદરથી અને કોટડિયા ધારીથી ચૂંટાયા. બેઉ પાછા ભાજપમાં જીપીપીના વિલયથી સ્વગૃહે પાછા ફર્યાં. કેશુભાઈને રાજીનામું અપાવવાના એમના રાજકીય વારસ થવા ઉત્સુક પુત્ર ભરત દેસાઈ (કેશુભાઈની મૂળ અટક દેસાઈ છે)ના આગ્રહને વશ થયા પછી વિસાવદરની બેઠક ભાજપની ટિકીટ પર લડ્યા પછી ભરતભાઈને પરાજિત કરવામાં પક્ષની આંતરિક બાજી જ કામ કરી ગઈ.

કોટડિયા કોંગ્રેસમાં જોડાય તો સંઘ-ભાજપના જૂના જોગી શંકરસિંહ વાઘેલા સાથે એમને સારું ગોઠે. છેલ્લી ઘડીએ અમિત શાહની જાદૂઈ લાકડી કદાચ એમને ભાજપમાંય લઈ જાય કારણ કે આનંદીબહેન પટેલ મુખ્ય પ્રધાન હતાં ત્યારે જમીન સોદામાં એમની સંડોવણીને ઊજાગર કરીને ગાદીએથી દૂર કરાવવામાં કાંઈક અંશે આ કોટડિયા જ નિમિત્ત હતા.

વાત માત્ર નલિન કોટડિયાના નવા પક્ષની નથી, સ્વયં ગુજરાત ‘આપ’ પાર્ટીના સંયોજક ડો. કનુભાઈ કલસરિયા પણ એક તબક્કે કોંગ્રેસમાં જવાનું પાકું કરી ચૂક્યા હતા ત્યારે સુખદેવે તેમને ‘આપ’ ભણી વાળ્યા હોવાનું સ્વયં ‘આપ’ના સંસ્થાપક સંયોજક જ કહે છે.

પટેલ વિ. ઓબીસી વિ. દલિત

ગુજરાતમાં પાટીદાર આંદોલન થકી હાર્દિક પટેલ, ઓબીસી આંદોલન થકી અલ્પેશ ઠાકોર અને દલિત આંદોલન થકી જિજ્ઞેશ મેવાણી જેવાની આશાસ્પદ યુવા નેતાગીરી ઉપસતી જોવા મળી અને આશા બંધાઈ હતી કે આગામી વિધાનસભા ચૂંટણીમાં નક્કી પરિવર્તનનો પવન વાશે. કમનસીબે સત્તારૂઢ ભાજપ અને વિપક્ષી કોંગ્રેસના ખંધા રાજનેતાઓ આ યુવાનેતાઓના પ્રભાવને ઓહિયાં કરી જવા મેદાન પડ્યા છે. કેજરીવાલ આ ત્રિપુટીના ટેકે ‘આપ’ પાર્ટીને ગુજરાતમાં ચમકાવવાનાં સ્વપ્ન જોતા હતા, પણ એમાં અમિત શાહ અને શંકરસિંહની કીમિયાગીરી એમને ભારે પડી રહી છે. જિજ્ઞેશ ‘આપ’ માંથી છૂટા થયા છે. અલ્પેશને કેજરીવાલ દિલ્હીમાં મળ્યા અને હવે પાટીદાર શહીદોને અંજલિ આપવા નિમિત્તે પાટીદાર યુવાનેતા સાથે સેતુ રચવા માંગે છે. ઉના, ઊંઝા અને અમદાવાદની કેજરીવાલની મુલાકાતો દળીદળીને કૂલડીમાં ભરવાની સ્થિતિ સર્જશે કે પછી પ્રજા તેમને સાથ આપશે, એનું આગામી દિવસોમાં નીરક્ષીર થશે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


    comments powered by Disqus