લંડનઃ ટાટા સ્ટીલ તેના યુકેના પોર્ટ ટાલ્બોટ પ્લાન્ટને બચાવી શકે અને નિવૃત્તિ લાભ ચુકવણીમાં કાપ મૂકાય તેવા નવા સોદા માટે વાટાઘાટો કરી રહ્યું છે. બ્રિટિશ સ્ટીલની ૧૫ બિલિયન પાઉન્ડની પેન્શન સ્કીમનો ભાર સહન ન કરવો પડે તે માટે ભારતીય કંપનીએ પેન્શન પ્રોટેક્શન ફંડ (PPF) અને પેન્શન્સ રેગ્યુલેટર સાથે નવા માળખા વિશે નવેસર વાટાઘાટો આદરી છે.
આ મંત્રણાઓ ‘રેગ્યુલેટેડ એપોર્શનમેન્ટ એગ્રીમેન્ટ’ના ઉપયોગ પર અવલંબે છે, જે કંપનીઓને પેન્શન સ્કીમમાં રોકડ નાણા મૂકવાની અને આ જવાબદારીઓ વિના વેપાર ચાલુ રાખવા છૂટ આપે છે. બ્રિટિશ સ્ટીલની ૧૫ બિલિયન પાઉન્ડની પેન્શન સ્કીમમાં ૭૦૦ મિલિયન પાઉન્ડની ખાધ ટાટા સ્ટીલને તેના બ્રિટિશ ઓપરેશન્સ માટે ખરીદાર શોધવામાં અંતરાય બની રહી છે. આ પેન્શન સ્કીમમાં ૧૩૦,૦૦૦ નિવૃત્ત અને કાર્યરત સભ્યો સામેલ છે.
આ યોજનાની વધતી ખાધના ઉકેલમાં નિષ્ફળતા ટાટાના જર્મન સ્ટીલ જાયન્ટ થીસેનકૃપ્પ સાથેના સંભવિત જોડાણને ધક્કો પહોંચાડી શકે છે. થીસેનકૃપ્પ-ટાટા જોડાણ થાય તો હોલેન્ડ, જર્મની અને સાઉથ આફ્રિકામાં આધુનિક પ્લાન્ટ્સ સાથે વૈશ્વિક સ્ટીલ જાયન્ટનું સર્જન થશે. થીસેનકૃપ્પ બ્રિટિશ સ્ટીલ પેન્શન ફંડની જવાબદારીઓ માથે લેવા તૈયાર નથી.
જો પેન્શન અંગે સોદો થાય તો ટાટા પેન્શન્સને ઓછી જવાબદારીઓ સાથે નવી સ્કીમમાં ફેરવી શકશે. જોકે, ભાંગી પડેલી રીટેઈલ સ્ટોર ચેઈન BHS અને તેની નિવૃત્તિ યોજના અંગે રોષ ફેલાયો છે ત્યારે આવો સોદો વિવાદ ખડો કરી શકે છે.

