ઇન્દોરઃ હોલકર સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાએ ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચમાં પણ ન્યૂ ઝીલેન્ડને ૨૨૧ રનથી હરાવીને સિરિઝમાં ક્લીન સ્વીપ કરી છે. ન્યૂ ઝીલેન્ડને વિજય માટે ૪૬૫ રન બનાવવાના હતા. જોકે મહેમાન ટીમનો દાવ ૧૫૨ રનમાં જ સમેટાઈ ગયો હતો.
પહેલા દાવ પછી ભારતીય સ્પિનર આર. અશ્વિન બીજા દાવમાં પણ કીવી બેટ્સમેનો ઉપર છવાયેલો રહ્યો હતો. તેણે બીજા દાવમાં સાત વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ બે અને ઉમેશ યાદવે એક વિકેટ ઝડપી હતી.
ત્રીજી અને શ્રેણીની છેલ્લી મેચના ચોથા દિવસે ટીમ ઇન્ડિયાએ બીજા દાવમાં ત્રણ વિકેટે ૨૧૬ રન કર્યા હતા. ચેતેશ્વર પૂજારા ૧૦૧ રન અને અજિંક્ય રહાણે ૨૨ રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા. આ સાથે ભારતે ન્યૂ ઝીલેન્ડને મેચ જીતવા માટે ૪૬૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે પોતાના પહેલા દાવમાં ૫૫૬ રનનો સ્કોર બનાવ્યો હતો. જ્યારે ન્યૂ ઝીલેન્ડનો પહેલો દાવ ૨૯૯ રનમાં જ સમેટાઈ ગયો હતો. આમ ભારતને પ્રથમ દાવમાં ૨૫૮ રનની લીડ મળી હતી.
પૂજારાએ ફટકારી આઠમી સદી
ન્યૂ ઝીલેન્ડ સામે વિશાળ લક્ષ્ય મૂકવામાં ચેતેશ્વર પૂજારાનો મહત્ત્વનો રોલ રહ્યો હતો. તેણે પોતાના ટેસ્ટ કરિયરની આઠમી સદી ફટકારી હતી. તે ૧૦૧ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. તેમણે ગૌતમ ગંભીરની સાથે મળીને બીજી વિકેટમાં ૬૬ રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ રહાણે સાથે મળીને ૫૮ રનની અણનમ ભાગીદારી કરી હતી.
બીજો સૌથી મોટો વિજય
ભારતે ન્યૂ ઝીલેન્ડને ત્રીજી ટેસ્ટમાં ૨૨૧ રનથી પરાજય આપ્યો હતો. આ સાથે ટીમ ઇન્ડિયાએ ૮૪ વર્ષના ઇતિહાસમાં બીજી સૌથી મોટી જીત મેળવી છે. દશેરાના દિવસે જ ભારતે સીરિઝ ૨-૦થી પોતાના નામે કરી હતી. ભારતે ત્રણ વર્ષ પછી ક્લીન સ્વીપ કરી છે.
ઇન્દોરમાં કુલ ૧૨ અને સમગ્ર સીરિઝમાં ૨૬ વિકેટ ઝડપનારા સ્પિનર આર. અશ્વિનને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરિઝ જાહેર કરાયો હતો. કેપ્ટન તરીકે વિરાટ કોહલીની આ ૧૦મી ટેસ્ટ જીત છે. તે ભારતનો ચોથો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન પણ બની ગયો છે.
ગાવસ્કરે આપી ગદા
ભારતે ન્યૂ ઝીલેન્ડને ૨-૦થી હરાવી સીરિઝને જીતી લીધી તે સાથે જ આઇસીસી ટેસ્ટ રેન્કીંગમાં તે પ્રથમ સ્થાને આવી ગયું છે. આઇસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ સુનીલ ગાવસ્કરે સીરિઝ ઇનામ વિતરણ સમારંભમાં વિરાટ કોહલીને નંબર-વનની ટેસ્ટ ગદા સોપી હતી.

