ટ્રિપલ તલાકને ભારત સરકારના છૂટાછેડા

Tuesday 11th October 2016 13:24 EDT
 

તલાક... તલાક... તલાક... ભારત સરકારે પહેલી વખત સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે મુસ્લિમ સમુદાયમાં સદીઓથી ચાલી આવતી ટ્રિપલ તલાક પ્રથા અયોગ્ય છે. તેમજ આ પ્રથા ભારતીય બંધારણના સમાનતાના અધિકાર સાથે સુસંગત નથી. એટલું જ નહીં, સરકારે મુસ્લિમ સમુદાયમાં અસ્તિત્વ ધરાવતી બહુપત્નીત્વની પ્રથાનો વિરોધ કર્યો છે. ભારત સરકારે ટ્રિપલ તલાક મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસમાં એફિડેવિટ દ્વારા આ રજૂઆત કરી છે. ટ્રિપલ તલાકને પડકારતી અરજીની સુનાવણી વેળા દેશની સર્વોચ્ચ અદાલતે સરકારને તેનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. બસ, ત્યારથી રાજકીય નીરિક્ષકો અને લઘુમતી સમુદાય સહિત સહુકોઇ કાગડોળે સરકારી જવાબની રાહ જોઇ રહ્યા હતા.
સરકારનું કહેવું છે કે સ્ત્રી-પુરુષ વચ્ચે લિંગભેદ આધારે તફાવત નહીં રાખવાની બંધારણની ભાવના તેમજ ભારત દેશે અપનાવેલી બિનસાંપ્રદાયિક્તા સાથે આ ટ્રિપલ તલાક કે બહુપત્નીત્વની પ્રથા મેળ ખાતી નથી. સરકારે એફિડેવિટમાં કહ્યું છે તે પ્રમાણે માત્ર ધર્મના આધારે કોઇ મહિલાને સમાનતા અને ગૌરવભેર જીવવાના અધિકારથી વંચિત કરી શકાય નહીં.
ઉલ્લેખનીય છે કે મુસ્લિમોની બહુમતી ધરાવતા પાકિસ્તાન, બાંગલાદેશ, તુર્કી, સાયપ્રસ, ટ્યુનિશિયા, અલ્જિરિયા જેવા વિશ્વના ૨૨ દેશોમાંય આજે ટ્રિપલ તલાક પ્રથા નથી, પરંતુ ભારતીય શાસકો લઘુમતી તુષ્ટીકરણના નામે દસકાઓથી મુસ્લિમ મહિલાઓને અન્યાય કરતા રહ્યા છે. દાયકાઓ પૂર્વે, શાહબાનો કેસમાં મુસ્લિમ મહિલાઓને ભરણપોષણની બાબતમાં ન્યાય અપાવવાનો સોનેરી અવસર હતો, પરંતુ તત્કાલીન રાજીવ ગાંધી સરકાર લઘુમતી મતબેન્કની લાલચ છોડી શકી નહીં. મુસ્લિમ સમુદાયની નારાજગીના ઓઠાં તળે તેણે રૂઢિચુસ્ત ધર્મગુરુઓના દબાણને વશ થઇ શાહબાનોની તરફેણમાં અપાયેલા ચુકાદાને સંસદમાં ઉલ્ટાવી નાખ્યો હતો.
રાજીવ સરકારે ભલે - મતબેન્કની લાલચે - મુસ્લિમ પરીણિતાઓની તરફેણ કરવાનું ટાળ્યું હોય, પણ મોદી સરકારે આ કામ કરી દેખાડ્યું છે. આનું કારણ સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદભાવ ઘટાડીને (મુસ્લિમ મહિલાઓ સહિત) તમામ દેશવાસીઓને સમાન અધિકારો અપાવવાનું હોય કે પછી ભાજપે ક્યારેય વિજય માટે લઘુમતી મતબેન્ક પર મદાર રાખ્યો જ નથી તે વાત હોય, પરંતુ સરકારનું વલણ
આવકાર્ય છે તેમાં બેમત નહીં.
ત્રણ વાર તલાક બોલી લગ્નસંબંધમાંથી ફારગતી આપવાની પ્રથા સામે ખુદ મુસ્લિમ સમુદાયની મહિલાઓમાં જ તીવ્ર નારાજગી પ્રવર્તે છે. તાજેતરમાં ૫૦ હજારથી વધુ મહિલાઓએ સહીઝુંબેશ દ્વારા આ પ્રથા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે ઝુંબેશ ચલાવતા ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનના સર્વે અનુસાર ૯૨ ટકા મહિલા આ પ્રથાનો અંત ઇચ્છે છે. તેમનું કહેવું છે કે આ પ્રથા કુરાનવિરોધી છે. ભારતીય મુસ્લિમ મહિલાઓ પોતાના હક્ક માટે અવાજ ઉઠાવે, આંદોલનના મંડાણ કરે અને તેને વ્યાપક ટેકો મળે તે જ મોટી ઘટના છે. મુસ્લિમ સમુદાયમાં એક મોટો વર્ગ એવો છે જે માને છે કે બદલાતા સમયમાં આવી પ્રથા સમુદાયને પ્રગતિની દોડમાં પાછળ પાડી દે છે. કમનસીબે આ વર્ગ અને તેના વિચારો આજેય મુસ્લિમ સમાજમાં અસ્વીકૃત છે. બીજી તરફ, રૂઢિચુસ્તો, ધર્મગુરુઓ નારાજ થઇ જશે તેવા ડરે રાજકીય પક્ષો કે સરકારો પણ તેને સમર્થન આપવાનું ટાળતા રહ્યા છે.
ભાજપ સરકારે ભલે ચીલો ચાતર્યો હોય, પણ કોઇએ એ ન ભૂલવું જોઇએ કે સામાજિક સુધારાના પ્રયત્ન જે તે સમુદાય દ્વારા જ થવા જોઈએ. બીજો સમુદાય કે પક્ષકાર જો સુધારાની વાત કરે તો તેના વિપરીત પ્રત્યાઘાત જ જન્મે છે. આ કિસ્સામાં પણ કંઇક આવું જ બની રહ્યું છે. કેન્દ્ર સરકારે કોર્ટમાં ટ્રીપલ તલાક અને બહુપત્નીત્વ પ્રથાના વિરોધમાં એફિડેવિટ દાખલ કર્યાના કલાકોમાં જ મુસ્લિમ સંગઠનોમાંથી વિરોધી સૂર ઉઠ્યો છે. કેટલાકે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની તો કેટલાકે બંધારણીય જોગવાઇ ટાંકીને આ પ્રથાને વાજબી ઠેરવવા પ્રયાસ કર્યો છે.
લગ્ન કે છૂટાછેડા વ્યક્તિગત અને કૌટુંબિક બાબત છે. પત્નીને અસહાય તરછોડી દેનારા પુરુષોની સંખ્યા અમુક ધર્મમાં ઓછી છે અને તમુક ધર્મમાં વધારે છે એવુંય નથી. આ બાબત મુખ્યત્વે પુરુષપ્રધાન સમાજમાં સદીઓથી સ્ત્રીઓ પ્રત્યે આચરાતા ભેદભાવ અને શોષણને લગતી છે. સરકારની આ રજૂઆત બાદ સ્ત્રીઓને થતા આ અન્યાયનો સિલસિલો અટકશે તેવું આશાનું કિરણ અત્યારે તો દેખાઇ રહ્યું છે.
કોર્ટ તો તથ્યો-પુરાવા નજરમાં રાખીને ચુકાદો આપશે જ, પણ ટ્રીપલ તલાકની તરફેણ કરતા મુસ્લિમ સંગઠનોએ એ ન ભૂલવું જોઇએ કે આ પ્રથા ઉપર પ્રતિબંધની માગણી તેમના જ સમાજના એક વર્ગ, સવિશેષ તો મહિલાઓ અને મહિલા સંગઠન તરફથી થઈ છે. એટલું જ નહીં, એક મુસ્લિમ મહિલા પર્સનલ લો બોર્ડ પણ રચાયું છે, જેનાં અધ્યક્ષા સાઈસ્તા અંબર વર્ષોથી ટ્રીપલ તલાક પ્રથા ખતમ કરવાની માગ કરી રહ્યાં છે. મુસ્લિમ સમાજની સૈકાઓ પુરાણી પ્રથામાં ક્યારે પરિવર્તન થશે એ તો સમય જ કહેશે. આમ પણ સમાજસુધારણા લાંબી અને કઠિન પ્રક્રિયા છે. આ માટે હંમેશા એક મોટી લડાઈ લડવી પડતી હોય છે અને અડચણોભર્યા માર્ગેથી પસાર થવું પડતું હોય છે. આ કિસ્સામાં પણ આવું નહીં બને તો નવાઇ લાગશે.


comments powered by Disqus