તમારી વાતના પત્રો

Tuesday 11th October 2016 13:26 EDT
 

સરહદોનું સંરક્ષણ ટોચની પ્રાથમિકતા

ભારતના ઈતિહાસમાં પૃથ્વીરાજ ચૌહાણનો દાખલો છે. પૃથ્વીરાજે મહંમદ ઘોરીને છ-છ વખત પરાજ્ય આપ્યા બાદ દયા બતાવીને છોડી મૂકેલો, તો પણ સાતમી વખતે, એણે છળકપટ કરીને પૃથ્વીરાજને મારી નાંખેલા. આવી જ રીતે, પાકિસ્તાન કે ચીન ઉપર વિશ્વાસ મૂકી શકાય ખરો?
‘Nip the evil in the bud’ કે ‘પાણી પહેલાં પાળ બાંધો’ એ કહેવતોને અમલમાં મૂકવાનો સમય પાકી ગયો છે. અગમચેતી જ આપણને બચાવી શકે. કેટલાંય વર્ષોથી પાકિસ્તાની આતંકવાદીઓ આપણી સરહદોમાં ઘૂસીને લશ્કરી જવાનો અને સામાન્ય નાગરિકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. ચીની સૈનિકો અરુણાચલ પ્રદેશની સરહદો પાર કરીને ૪૫ કિ.મી. સુધી ઘૂસી જઈને ઘણી હરકતો અને બાંધકામ કરી જાય તોય આપણી ઊંઘ ઊડતી નથી. ચાણક્ય નીતિને અપનાવીને આપણી સરહદોનું જડબેસલાક સંરક્ષણ કેમ કરાતું નથી ?
આપણે સંખ્યાબંધ ઉપગ્રહો અવકાશમાં મૂકી શકવાની ટેકનોલોજીમાં અવ્વલ નંબરે પહોંચ્યા અને ચંદ્ર અને મંગળના દૂરથી ફોટોગ્રાફ્સ લઈ શક્યા, પરંતુ આપણા દેશની સરહદોમાં દુશ્મનો ઘૂસે તે પહેલાં જ તેમને પકડી પાડવાની ટેકનોલોજી ઉપજાવીને જાસૂસી ઉપગ્રહો કેમ વિક્સાવી શકાતા નથી? અલ્ટ્રાવાયોલેટ અને ઈન્ફ્રારેડ કિરણો તેમજ બીજી અદ્યતન ટેકનોલોજી તથા છેલ્લી ઢબના દૂરદર્શીય કેમેરાનો ઉપયોગ કરીને આવી જાસૂસી કરી શકતા નથી એ એક અચંબો પમાડે તેવી વાત ગણાય. પાકિસ્તાન સાથે ફોકટ વાટાઘાટો કરવાથી અત્યાર સુધી કંઈ જ વળ્યું નથી. ગુજરાત અને કચ્છના રણની તારની વાડો હજુ પૂરી કરી શક્યા નથી. ત્યાંથી કેટલા આતંકવાદીઓ ઘૂસણખોરી કરી શકે એનો જરાય અંદાજ નથી.
ઘણું મોડું થઈ ગયું છે પરંતુ ‘જાગ્યા ત્યાંથી સવાર’ ગણીને, અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ એવા છેલ્લી કક્ષાના જાસૂસી ઉપગ્રહોને ત્વરિત તૈયાર કરીને એનો તત્કાળ ઉપયોગ કરવાનો સમય પાકી ગયો છે.

- ડો. નગીનભાઈ પી. પટેલ,લંડન

ભારતે પડોશી દેશોથી ચેતવાની જરૂર

અમેરિકા, પાકિસ્તાન અને ચીન આ ત્રણેય દેશોનું રાજકારણ હંમેશા કૂટનીતિથી ભરેલું રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની અંદરના રાજકારણમાં સફળ થયા છે. પરંતુ, આ દેશોની કૂટનીતિને સમજવામાં થોડીક કચાશ રહી ગઈ હોય તેમ લાગે છે. આ ત્રણેય દેશો સાથે મિત્રતા કરવામાં ખૂબ જ નાણાં અને સમયનો બગાડ થયો. તેમ છતાં આ દેશો કાયમ આપણી પીઠ પાછળ ઘા કરે છે.
છેલ્લાં બે વર્ષમાં સરહદપારથી પાકિસ્તાન પ્રેરિત ઘણાં છમકલા થવા છતાં ભારતે હજુ સુધી કોઈ આક્રમક પગલું લીધું નથી. પાકિસ્તાન પહેલેથી જાણે છે કે તેને અમેરિકા અને ચીનનો ટેકો છે. તેથી જ તો ઉરી હુમલા બાદ નવાઝ શરીફ તાત્કાલિક સલામત જગ્યા અમેરિકા પહોંચી ગયા, જેથી અમેરિકાના દબાણમાં ભારત કોઈ પગલું લઈ ન શકે. હંમેશા અમેરિકાના દાંત દેખાડવાના અને ચાવવાના અલગ જ હોય છે.
ઉરી હુમલા બાદ રશિયા સૌ પ્રથમ ભારતના ટેકામાં આવ્યું હતું. ભારતે હંમેશા રશિયા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ અને જાપાન જેવા દેશો સાથે મજબૂત અને સારા સંબંધો રાખવા જોઈએ. આ દેશો ભૂતકાળમાં પણ ભારતના સમર્થક રહ્યા છે. તેમની સાથે ભારતને મજબૂત સંબંધો હશે તો અમેરિકા કે ચીન પણ ભારતને કશું કરી શકે તેમ નથી, કારણ કે રશિયાની તાકાતથી આ બન્ને દેશો સારી રીતે વાકેફ છે.

- પરેશ પી. દેસાઈ,લંડન

એબીપીએલનો ભજન તર્પણ કાર્યક્રમ પ્રશંસનીય

તા.૮-૧૦-૧૬નું ‘ગુજરાત સમાચાર’ મળ્યું. તેમાં એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ દ્વારા ’ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના લવાજમી વાચકો માટે યોજાયેલા ભજન તર્પણ કાર્યક્રમનો વિસ્તૃત અહેવાલ ફોટા સાથે વાંચીને ખૂબ જ આનંદ થયો. એબીપીએલ ગ્રૂપ હંમેશા તેના વાચકો માટે નવતર કાર્યક્રમોનું આયોજન કરતું હોય છે, જે ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર છે.
વધુમાં, પહેલા પાને જ ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘૂસીને કરેલી સર્જીકલ સ્ટ્રાઈકના સમાચાર વાંચ્યા. ખરેખર, પાકિસ્તાનને પાઠ ભણાવવાની જરૂર હતી જ કારણ કે સરહદપારથી આતંકીઓ છાશવારે ઘૂસણખોરીનો પ્રયાસ કરતા હોય છે અને ભારતમાં હુમલા કરતા હોય છે. વધુમાં પાન નં.૧૫ પર કચ્છ-ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારમાં હાઈ એલર્ટ વિશેના અને પાકિસ્તાન દ્વારા સિંધ પ્રાંતમાં ૧૦ હજારથી વધુ સૈનિક તૈનાત કરાયાના સમાચાર પણ વાંચ્યા.
પાન નં. ૧૪ પર સી બી પટેલે તેમની લોકપ્રિય કોલમ ‘જીવંત પંથ’મા બ્રિટનના પૂર્વ વડાપ્રધાન માર્ગારેટ થેચર અને હાલના વડાપ્રધાન થેરેસા મેની કરેલી સરખામણીની વિગતો વાંચવાની ખૂબ મજા આવી. બન્ને અતિ સામાન્ય પરિવારમાંથી દેશના સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા છે. સી બી પટેલે સરખામણી કરવામાં બન્ને વિશે ખૂબ અભ્યાસ કર્યો હોય તેમ લાગે છે.
ખાસ કરીને ‘અતીતથી આજ’માં ભારતના ‘મિસાઈલ મેન’ડો. એ પી જે અબ્દુલ કલામ વિશે રસપ્રદ માહિતી વાંચીને ઘણું જાણવા મળ્યું.

- દિલિપ શાહ,બ્રેડફર્ડ

નીતિ રાવનો રૂડો સંકલ્પ

‘ગુજરાત સમાચાર’ના તા.૧-૧૦-૨૦૧૬ના અંકમાં ઉરીમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા સૈનિકના એક બાળકને દત્તક લઈને ભણાવવાની જવાબદારી ઊઠાવવાની કુ.નીતિ રાવના મનમાં સ્ફૂરેલી લાગણી અને સંકલ્પ ખૂબ જ વખાણવા લાયક છે. નીતિના આ સુંદર પ્રયાસ બદલ હું એને હૃદયપૂર્વક મારા આશીર્વાદ આપું છું. નીતિનો સંકલ્પ આપણા સૌના જીગરને જાગૃત કરે છે.
એક ભારતીય યુવતી આવો સુંદર વિચાર કરી શકતી હોય તો આપણે સૌએ તેને વધાવીને તેને ખૂબ જ પ્રોત્સાહન આપવું જોઈએ. માનવતાની રીતે અને એક ભારતીય તરીકે પણ આ બાબત ખૂબ જ ગૌરવ લેવા જેવી છે. આપણી બહેન-દીકરીઓ આગળ આવે અને સમાજોપયોગી કાર્યો કરીને પોતાના જીવનની સાથે બીજાના જીવનને ધન્ય બનાવે એના જેવું રૂડું કાર્ય બીજું શું હોઈ શકે?
નીતિના ફંડમાં ખૂબ વૃદ્ધિ થાય એવા તેને અમારા અંતરના આશીર્વાદ છે. હું રાજેન્દ્ર વ્યાસ અને હેમાબહેન વ્યાસ પરિવાર તરફથી પાઉન્ડ ૨૫૧ની રકમનો તમો કહેશો તે નામનો ચેક જમા કરાવવા તત્પર છીએ.

- રાજેન્દ્ર વ્યાસ,મીચમ

ઘરમાં ગુજરાતી જ બોલવાની જરૂર

દીપાવલિ અને નૂતન વર્ષનું આગમન નજીક આવી રહ્યું છે, એ પ્રસંગે સર્વેનું જીવન પવિત્ર, રસમય, પ્રેમમય, પ્રામાણિક અને પ્રકાશમય બની રહે. સમગ્ર દુનિયામાં કુદરતી આફત અને આતંકવાદના ફેલાવાથી દરેકનું જીવન દુઃખમય બની રહ્યું છે. હાલના સમયે માનવતા મી પરવારી છે. તેના માટે પરમકૃપાળુ પરમાત્મા તેઓને માનવતાનું દર્શન કરાવે અને સર્વેનું જીવન શાંતિમય બની રહે તેવી પરમકૃપાલુ પરમાત્માને પ્રાર્થના કરું છું.
બીજું તો ખાસ જણાવવાનું કે ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે તમામ ગુજરાતીઓ ઘરમાં ગુજરાતી બોલવાનો નવા વર્ષે સંકલ્પ કરે તો સોનામાં સુગંધ ભળવા જેવી વાત થશે. આ તકે ‘ગુજરાત સમાચાર’ દિન-પ્રતિદિન પ્રગતિના શિખરો સર કરે તેવી શુભકામના.

- ચંદુભાઈ કાનાણી,નોર્થ હેરો


comments powered by Disqus