દુર્ગાદેવી બંગાળના અતિ લોકપ્રિય દેવી છે. તે દયા અને કરુણાનો અવતાર છે. બંગાળમાં તહેવારની મોસમમાં શહેરો અને ગામડાઓથી લઈને કોલકાતા જેવા મહાનગરોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ હોય છે. દુર્ગા દેવી પાંચ દિવસ માટે પોતાના સ્વજનોને મળવા આવે છે. તે પછી તેમનું જળમાં વિસર્જન કરાય છે. એટલે તે જ્યાંથી આવ્યા હોય છે ત્યાં પાછા જાય છે.
દુર્ગાપૂજાના પંડાલો સ્થાનિક તેમજ વિદેશી લોકો બન્ને માટે સમાન આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. તેઓ મૂર્તિઓની વિશિષ્ટ કલા કારીગરીની પ્રશંસા કરતા એક પછી એક મૂર્તિઓ નિહાળે છે. દુર્ગાપૂજાની ઉજવણીમાં આ વર્ષે એક નવું આકર્ષણ ઉમેરાયું છે અને તે છે વિલિયમ શેક્સપિયરની ૪૦૦મી પુણ્યતિથિ. કોલકાતાની બ્રિટિશ કાઉન્સિલે કોલકાતામાં ત્રણ મુખ્ય પૂજા પંડાલોમાં ભાગ લીધો છે અને ત્યાં શેક્સપિયરના નાટકોનો વીડિયો દર્શાવવામાં આવે છે. ત્રણ અલગ વિસ્તારોના આ પંડાલોની બહાર મુલાકાતીઓને શેક્સપિયરના નાટકોના દ્રશ્યો દર્શાવવામાં આવે છે. ગ્લોબ થિયેટર્સના કમ્પલીટ વોકમાં દરેક નાટકની ૧૦ મિનિટની ખાસ તૈયાર કરાયેલી ૩૭ ફિલ્મ લોકોને દર્શાવાય છે. શેક્સપિયરે તેમના નાટકમાં જેની કલ્પના કરી હોય તે થીમ પર દરેક ફિલ્મ આધારિત છે. ‘એન્ટની એન્ડ ક્લિઓપેટ્રા’નું ફિલ્માંકન ઈજિપ્શીયન પિરામીડની પશ્ચાદભૂમિમાં અને શાયલોક સાથે ‘મર્ચન્ટ ઓફ વેનિસ’નું વેનિસમાં અગાઉ યહૂદીઓની વસાહત જે સ્થળે હતી તેના પર આધારિત છે.
કમ્પલીટ વોક સૌ પ્રથમ વખત ૨૩-૨૪ એપ્રિલે વેસ્ટમિન્સ્ટર બ્રીજ અને ટાવર બ્રીજ વચ્ચેના ૨-૩ માઈલના પટ્ટામાં દર્શાવવામાં આવી હતી. હાલનું સેટીંગ હુગલીના કિનારા પરનું છે. ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ ઈસ્ટના ડાયરેક્ટર દેબાંજન ચક્રવર્તીએ જણાવ્યું હતું કે શેક્સપિયરની કૃતિઓને હાલના સમયને અનુરૂપ બનાવવાનું આપણા પર આધારિત છે. વીડિયો ઈન્સ્ટોલેશન તે દિશામાં એક પ્રયાસ છે. કોલકાતાના અલગ સ્થળો પરના પંડાલોમાં શહેરના લોકોને શેક્સપિયરથી માહિતગાર કરાવવાનું કામ પડકારજનક હતું. જોકે, દુર્ગાપૂજાના ઉત્સાહની સાથે સાથે તે થયું હતું.
ખરેખર જે નોંધપાત્ર બાબત છે તે એ કે ખૂબ દૂર વિદેશી ભૂમિ પર વેલ્સમાં દુર્ગાપૂજાની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. વેલ્સ સત્તાવાળાઓએ આ ઉત્સવને રાષ્ટ્રીય પ્રસંગ બનાવી દીધો. પૂજાને બહુસાંસ્કૃતિક મહત્વનો અદ્ભૂત પ્રસંગ બનાવીને તેને સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં લોકપ્રિય બનાવાયો. મોટાભાગના ડોક્ટરો અને પ્રોફેશન્લ્સ સહિત બંગાળી કોમ્યુનિટીના અગ્રણીઓ સ્થાનિક લોકોએ આપેલા પ્રતિભાવથી ભારે ઉત્સાહિત થયા હતા. તેઓ અને તેમના પરિવારો દાયકાઓથી વેલ્સમાં રહે છે અને વેલ્સને પોતાનું વતન બનાવ્યું હોવાથી ત્યાં દુર્ગાપૂજાની ઉજવણી, દેવી પોતાના સ્વજનો પાસે આવે તે રીતે કરાઈ હતી.
અમેરિકામાં પ્રમુખપદ માટે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ હિંદુ સંસ્કૃતિ અને વૈશ્વિક વિરાસત તથા સમાજમાં તેના યોગદાનની ઉજવણી માટે ઈન્ડિયન અમેરિકન કોન્ફરન્સને સંબોધન કરશે તે આ વાતનો ઉપસંહાર છે. દુર્ગાદેવીને યોગ્ય આદર તરીકે તેઓ ભારતીયોની ઉપસ્થિતિને લીધે અમેરિકી સમાજની થયેલી સમૃદ્ધિની પણ પ્રશંસા કરશે.

