લંડનઃ હિંદુ પંચાંગમાં કારતક મહિનો સૌથી પવિત્ર ગણાય છે. તેની કથાને જાણીતા કથ્થક નૃત્યાંગના જાનકી મહેતા કથ્થક નૃત્યના માધ્યમથી ‘કાર્તિક માસ’ કાર્યક્રમ દ્વારા રજૂ કરશે. કાર્યક્રમનો ઉદ્દેશ કારતક મહિનાના દિવાળી, કાર્તિકી પૂનમ જેવા મહત્ત્વના તહેવારોની ગાથાને નૃત્યના માધ્યમથી રજૂ કરવાની સાથે વૃંદાવનમાં રહેતા અતિગરીબ લોકોના કલ્યાણ માટે ફંડ રેઝિંગનો છે.
જાનકી મહેતા આ કાર્યક્રમ તેમના આધ્યાત્મિક ગુરુ અભય ચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદને સમર્પિત કરે છે. કાર્યક્રમ દ્વારા તેઓનો પ્રયાસ દર્શકોને વૃંદાવનની ઝાંખી કરાવવાનો રહેશે.
ફૂડ ફોર લાઈફ વૃંદાવન યુકે લિમિટેડ ૧૯૯૦થી વૃંદાવનમાં રહેતા ગરીબો અને ખાસ કરીને કન્યાઓ તથા મહિલાઓને વિનામૂલ્યે ભોજન પૂરું પાડવાનું તથા તેમના સશકિતકરણનું કાર્ય કરે છે. સંસ્થા ૧,૩૦૦થી વધુ કન્યાઓને વિના મૂલ્યે શિક્ષણ આપે છે. સંસ્થા દ્વારા ગરીબ પરિવારોને નિઃશુલ્ક અથવા ખૂબ નજીવા દરે તબીબી સારવાર, ગ્રામીણ મહિલાઓને રોજગારી માટે સિલાઈ અને એમ્બ્રોઈડરી સેન્ટર, પીવાના પાણીની સુવિધા વિનાના ગામોમાં કૂવા કરાવવા, ગૌ સંભાળ, મેડિકલ કેમ્પ, વૃક્ષારોપણ, પેપર રિસાયકલીંગ ફેક્ટરી સહિતની પ્રવૃત્તિઓ ચાલે છે.
આ કાર્યક્રમનું આયોજન રવિવાર તા. ૬ નવેમ્બર, ૨૦૧૬ સાંજે ૫ વાગે ધ ભવન, 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતે કરાયું છે. ટિકિટના દર £૧૫ અને £૨૦ (બન્નેમાં ડિનર સામેલ) છે.
જાનકી લંડનના જાણીતા અગ્રણી અને શકાહારના પ્રચાર માટે વર્ષોથી કાર્યરત યંગ ઇન્ડિયન વેજીટેરિયન સોસાયટીના સ્થાપક શ્રી નીતિનભાઇ મહેતાના સુપુત્રી છે. સંપર્ક: 07936 895 346.

