ભારત પાકિસ્તાન વચ્ચે હાલમાં પ્રવર્તતા તનાવને પગલે પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનને ‘રઈસ’માંથી પડતી મૂકવામાં આવી શકે એવા અહેવાલો બોલિવૂડમાં છે. અમદાવાદના નામચીન ડોન લતિફ પરથી બની રહેલી શાહરુખ ખાન અભિનિત ફિલ્મ ‘રઈસ’ના નિર્માતા રાકેશ સિધવાણીએ પાકિસ્તાની હિરોઈન માહિરાને હટાવવી પડી રહી હોવાનો નિર્ણય લેવો પડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સાંભળવામાં આવ્યું છે કે, માહિરાને ખસેડીને તેના સ્થાને અન્ય અભિનેત્રીને લેવા માટે રાકેશ પર દબાણ વધતું જતું હતું. ઉરી પરના આતંકી હુમલા બાદ એવો સમય છે કે, કોઈપણ પાકિસ્તાની સાથે શૂટિંગ કરવું ભારતમાં અશક્ય છે તેથી રાકેશને કેટલાકે સલાહ પણ આપી કે, ફિલ્મનું શૂટ દુબઈમાં કરવામાં આવે, પરંતુ રાકેશને હાલમાં આ ઉકેલ યોગ્ય જણાયા નથી. ઉલ્લેખનીય છે કે માહિરાએ તાજેતરમાં આતંકવિરોધી નિવેદન કર્યું છે, પણ ઉરીમાં થયેલા આતંકી હુમલાને વખોડ્યો નથી તેથી પણ તેને ફિલ્મમાંથી હટાવવા માટેની માગ ઊઠી રહી છે.

