યુએસના ઈતિહાસમાં ક્લિન્ટન જેવું સ્ત્રીઓનું શોષણ કોઈએ કર્યું નથીઃ ટ્રમ્પ

Wednesday 12th October 2016 06:45 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પહેલા અમેરિકામાં બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ યોજાઈ હતી. મુખ્ય ઉમેદવારો હિલેરી અને ટ્રમ્પ વચ્ચેની આ બીજી ડિબેટમાં ટ્રમ્પે હિલેરી પર અંગત અને જાતીય આક્ષેપો કરતાં તેની લોકપ્રિયતા ઘટી હતી અને નિષ્ણાતોએ ટ્રમ્પની હાર ભાખી છે, પરંતુ સાથે સાથે અમેરિકી સમાજને માફક ન આવે એવી આક્ષેપબાજી પણ આ ચર્ચામાં પહેલી વખત જોવા મળી હતી.
ડિબેટ વખતે પૂર્વ રાષ્ટ્રપતિ અને હિલેરીના પતિ બિલ ક્લિન્ટન હાજર હતા તો વળી ટ્રમ્પે એવી મહિલાઓને હાજર રાખી હતી જેમણે બિલ પર અગાઉ જાતીય સતામણીનો આક્ષેપ કર્યો હતો. શરૂઆતમાં ચર્ચા સારી રીતે ચાલી હતી, પરંતુ બાદમાં કોઈ મહિલાએ ટ્રમ્પને તેમની મહિલાઓ વિશેની એલ-ફેલ કમેન્ટ અંગે સવાલ કર્યો હતો. એ વખતે ટ્રમ્પે પોતે અમેરિકી સમાજની અને મહિલાઓની માફી માગે છે એમ જણાવ્યું હતું. એટલેથી ન અટકતાં ટ્રમ્પે કહ્યું હતું કે મહિલાઓનું જેવું અપમાન અને શોષણ અગાઉના પ્રમુખ બિલ ક્લિન્ટને કર્યું છે એવું તો અમેરિકાના ઈતિહાસમાં કોઈએ નથી કર્યું. ટ્રમ્પનો ઈશારો સ્વાભાવિક રીતે જ બિલ ક્લિન્ટન પ્રમુખ હતા એ વખતે તેમણે મોનિકા લેવેસ્કી સાથે બાંધેલા ગેરકાયદે સબંધો અંગે હતો. જોકે રાજકીય નિષ્ણાતોએ ટ્રમ્પના આ વર્તનને પલાયનવૃત્તિ ગણાવી હતી. કેમ કે તેમાં જવાબ આપવાને બદલે મુદ્દો ચાતરી જવાની વધારે વાત આવતી હતી. એ વખતે વાત બદલવા માટે ટ્રમ્પે આપણે તો આઈસિસના આતંકીઓને હાંકી કાઢવાના છે. એવો મુદ્દો પણ રજૂ કર્યો હતો.
આ દરમિયાન ઓડિયન્સમાં કોઇએ બન્નેને સવાલ કર્યો કે, જો તમારે એકબીજાના વખાણ કરવા હોય તો કેવી રીતે કરશો? આ સવાલનો જવાબ આપતાં સૌપ્રથમ ટ્રમ્પે હિલેરીના વખાણ કરતા કહ્યું કે હિલેરી ક્યારેય મેદાન છોડીને નથી ભાગતા, તેઓે લડત ચલાવનારા એક યોદ્ધા છે. હું તેમનો આદર કરું છું. બીજી તરફ હિલેરી ક્લિન્ટને પણ ટ્રમ્પના બાળકોના વખાણ કર્યા હતા. તેઓએ કહ્યું કે ટ્રમ્પના બાળકો અભૂતપૂર્વ રીતે સક્ષમ અને સમર્પિત છે. મને લાગે છે કે એક નાની હોવાને નાતે મારા માટે પ્રેરણાદાયક પણ છે.
હિલેરી ક્લિન્ટનને ભીંસમાં લેતા ટ્રમ્પે કહ્યું હતું કે, હું સત્તા પર આવીશ તો તમને જેલભેગા કરીશ. કેમ કે હિલેરી ક્લિન્ટન અમેરિકાના વિદેશ પ્રધાન (સેક્રેટરી ઓફ સ્ટેટ) હતા ત્યારે તેમણે સરકારી કામકાજ માટે અંગત ઈ-મેઈલનો ઉપયોગ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, હું સ્પેશિયલ તપાસ પંચ નીમીને આખા મામલાની તપાસ કરાવીશ, કેમ કે અંગત ઈ-મેઈલનો ઉપયોગ એ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ઘણી મહત્ત્વની બાબત ગણાય છે. અલબત્ત હિલેરીએ તેના માટે માફી માગી હતી અને તેનાથી દેશની સુરક્ષાને કોઈ ખતરો ન થયો હોવાનું જણાવ્યું હતું.
નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે મહિલાઓ અંગે કેટલીક વિવાદિત ટિપ્પણીઓ પણ કરી હતી. જેને લઇને ભારે વિવાદ થયો હતો. હવે એવા અહેવાલો છે કે ટ્રમ્પે પોતાની પુત્રીને પણ કામુક કહી હતી. જેને પગલે ઓબામાએ એક ભાષણમાં અમેરિકનોને વિનંતી કરી છે કે આવા લોકોને મત આપી દેશને ભયમાં ન મૂકે.
હેન્ડશેક પણ નહીં
સામાન્ય રીતે આ પ્રકારની ચૂંટણીના બન્ને હરીફો ચર્ચાની શરૂઆત કરતાં પહેલા એકબીજા સાથે હાથ મિલાવીને અભિનંદનની આપ-લે કરતાં હોય છે. કદાચ પહેલી ડિબેટમાં એવું થયું હતું, પણ આ બીજી ડિબેટની શરૂઆતમાં હિલેરી અને ટ્રમ્પ જાણે એકબીજા સાથે લડવા માટે જ મેદાનમાં આવ્યા હોય એમ એકબીજાની સાથે હસ્તધનૂન કરવાથી પણ દૂર જ રહ્યા હતા. ચર્ચા પૂરી થયા પછી જોકે બન્નેએ હાથ મિલાવ્યા હતા.
મહિલાઓ લાઈમલાઈટમાં
હિલેરી - ટ્રમ્પ વચ્ચેની આ બીજી ચર્ચાનો મુખ્ય અને મહત્ત્વનો મુદ્દો મહિલાઓ જ રહી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ મહિલાઓ વિશે કરેલા આડા-અવળાં વિધાનો અંગે તેણે સ્ટેજ પરથી જોકે માફી માગી લીધી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, મેં જે પણ કંઈ કહ્યું હતું એ બંધ-બારણે કહ્યું હતું, છતાંય જો એનાથી કોઈને દુઃખ થયું હોય તો હું સૌ કોઈની માફી માગુ છું. સામે પક્ષે હિલેરીએ કહ્યું હતું કે આવા વિધાનો દ્વારા જ ટ્રમ્પે સાબિત કરી દીધું છે કે તેઓ રાષ્ટ્રપતિ બનવાને લાયક નથી.
ટ્રમ્પની હારની અટકળો
રાજકીય વિશેષજ્ઞોના મત મુજબ આ બીજી ડિબેટ ટ્રમ્પ માટે નિર્ણાયક સાબિત થઈ શકે એમ છે. કેમ કે ટ્રમ્પના પક્ષના જ અનેક સેનેટરો તેનો સાથ છોડી રહ્યાં છે. બીજી તરફ લોકો પણ ટ્રમ્પના ઉછાંછળા વર્તનથી કંટાળ્યા છે. માટે હવે અમેરિકી મિડિયામાં સવાલ ઉભો થઈ રહ્યો છે કે હજુય ટ્રમ્પ જીતી શકશે ખરાં? તો કેટલાક મીડિયાએ તો અત્યારથી ટ્રમ્પની હાર પણ ભાખી લીધી છે.
 રશિયાની દખલગીરી
બેગાની શાદીમાં અબ્દુલાની માફક અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં રશિયાની દિવાનગી પણ ઘણી ચર્ચાસ્પદ બની હતી. હિલેરીએ કહ્યું હતું કે રશિયા નથી ઈચ્છતું કે હું ચૂંટણી જીતું. રશિયા ડોનાલ્ડ ટ્રમ્પને મદદ કરી રહ્યું છે. અગાઉ હિલેરી બીમાર પડયા ત્યારે અમેરિકાના જગવિખ્યાત ડોક્ટરે એવો આક્ષેપ પણ કર્યો હતો કે હિલેરીના ખોરાકમાં રશિયાના પુતિન અથવા ડોનાલ્ડ ટ્રમ્પે ઝેર ભેળવ્યું હોઈ શકે છે.


comments powered by Disqus