વડોદરાઃ વડોદરાના ૮૧ વર્ષના મહિલા એથલેટ ભગવતીબહેન ઓઝાને ૧લી ઓક્ટોબરે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા સ્પોર્ટસ એન્ડ એડવેન્ચર કેટેગરીમાં વરિષ્ઠ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરાયાં હતાં. પદ્મ પુરસ્કાર પછી વરિષ્ઠ નાગરિક સર્વોચ્ચ નાગરિક સન્માન છે. ભગવતીબહેન વડોદરા મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે એટલે તેઓનું વડોદરા ખાતે સન્માન પણ કરવામાં આવ્યું હતું.
ભગવતીબહેને આ અંગે કહ્યું હતું કે આહાર, વિહારમાં નિયમનના કારણે હું ૮૧ વર્ષે પણ સ્વસ્થ જીવન જીવી રહી છું. મારો જન્મ કાઠિયાવાડમાં થયો હતો અને તે સમયે રૂઢિચુસ્ત સમાજ વચ્ચે મેં મારાં સપનાંઓને સાકાર કર્યાં હતાં. ખેલકૂદ ગુજરાતીઓના લોહીમાં નથી અને તેમાં પણ હું તો મહિલા એટલે મારા માટે તે સમયે ખેલકૂદ જેવું ક્ષેત્ર પસંદ કરવું એ ચેલેન્જની વાત હતી, પરંતુ મેં ચેલેન્જ સ્વીકારી હતી અને આખરે મારી આ ચેલેન્જનું સન્માન સરકારે કર્યું છે.
મેરેથોન કમિટીના ચેરપર્સન તેજલ અમીને કહ્યું હતું કે, આ સન્માન ગુજરાતની એ તમામ મહિલાઓનું સન્માન છે જે સમાજની રૂઢીઓને તોડીને ચેલેન્જ સ્વીકારે છે. મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર ભગવતીબહેનને મળેલા આ સન્માનથી સમગ્ર મેરેથોન ટીમ ગૌરવ અનુભવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ભગવતીબહેન વ્યવસાયે ગાયનેક ડોક્ટર છે. તેઓ સ્વિમર, એથલેટ અને સાયકલિસ્ટ પણ છે. એવરેસ્ટ સર કરનારા શેરપા તેન્ઝીંગ નોરગેય પાસેથી પણ ભગવતીબહેને ૧૯૭૫માં તાલીમ લીધી હતી. આ ઉપરાંત તેઓ ૧૯૭૯માં મચ્છુ ડેમ હોનારત વખતે મોરબીમાં મધર ટેરેસા સાથે રાહત કાર્યમાં પણ જોડાયાં હતાં. ભગવતીબહેન અસંખ્ય વખત સમાજિક જાગૃતિ માટે હજારો કિમીની સાયકલ રેલીમાં પણ જોડાઈ ચૂકયાં છે. ખાસ કરીને ૬૫ વર્ષ પછી નિવૃત્ત થવાને બદલે તેઓએ રમત ગમત પર વિશેષ ધ્યાન આપ્યું અને સ્વિમિંગ, લાંબીદોડ, મેરેથોન જેવી સ્પર્ધાઓમાં હજુ પણ ભાગ લઇ રહ્યાં છે. છેલ્લા ૧૫ વર્ષમાં તેઓ વિવિધ સ્પર્ધામાં રાજ્યકક્ષાના અને રાષ્ટ્રીયકક્ષાના મળીને ૮૦ મેડલ જીતી ચૂક્યાં છે.

