શાંતિની સ્થાપના માટે ગાંધીજીનો અહિંસાનો સંદેશ પ્રાસંગિકઃ લોર્ડ વિલિયમ્સ

Wednesday 05th October 2016 10:50 EDT
 
 

લંડનઃ આ વર્ષનું ગાંધી ફાઉન્ડેશનનું વાર્ષિક પ્રવચન ગત ૧ ઓક્ટોબરે કેન્ટરબરીના પૂર્વ આર્ચબિશપ અને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજની મેગ્ડેલેન કોલેજના માસ્ટર લોર્ડ રોવન વિલિયમ્સે આપ્યું હતું.‘એમ્પથી, એથીક્સ અને પીસમેકિંગ, રીફ્લેક્શન્સ ઓન પ્રિઝર્વીંગ અવર હ્યુમેનિટી’ વિષય પરના પ્રવચનમાં લોર્ડ વિલિયમ્સે વિવાદનો ઉકેલ લાવવા માટે મહાત્મા ગાંધીના અભિગમ પરથી આજના વિશ્વભરના શાંતિ સ્થાપકો શું શીખી શકે તેની વિસ્તૃત છણાવટ કરી હતી.

૧૯૮૩માં રિચાર્ડ એટનબરોની ફિલ્મ ‘ગાંધી’ બન્યા બાદ ગાંધી ફાઉન્ડેશનની એક ચેરિટી તરીકે સ્થાપના થઈ હતી. તેનો ઉદ્દેશ મહાત્મા ગાંધીનું જીવન અને તેમનો અહિંસાનો સંદેશ અને વર્તમાન સમયમાં તેની પ્રાસંગિકતા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. ગાંધી લેક્ચર તેના મહત્વના કાર્યક્રમો પૈકીનો એક છે.

લંડનમાં સેન્ટ માર્ટિન-ઈન-ધ-ફીલ્ડ ચર્ચ ખાતે શ્રોતાઓને આ વર્ષના લેક્ચર વિશે માહિતી આપતા ગાંધી ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ લોર્ડ ભીખુ પારેખે જણાવ્યું હતું કે લોર્ડ વિલિયમ્સ સારા વિચારકો પૈકીના એક અને ઉમદા માનવી છે.

લોર્ડ વિલિયમ્સે સૌ પ્રથમ તો સંવેદના વિશેનો અભિગમ સ્પષ્ટ કર્યો હતો. સંવેદનાથી લોકો અને કોમ્યુનિટી વચ્ચે રહેલો તફાવત અને સમાનતાની સમજ કેળવી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરતી વખતે લોકો અને કોમ્યુનિટીઓમાં રહેલા તફાવતોને સમજવા માટે લાંબો સમય લેવો જરૂરી છે.

લોર્ડ વિલિયમ્સે જણાવ્યું હતું કે આપણા પડોશીની શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરીએ તો જ આપણી શાંતિ અને સુરક્ષા સલામત રીતે જળવાઈ રહે. એથીક્સ વિશે ચર્ચા કરતા લોર્ડ વિલિયમ્સે જણાવ્યું હતું કે આપણે કેવા પ્રકારની માનવજાતિની રચના કરવા માગીએ છીએ તે મૂળભૂત પ્રશ્ર પર તેનો આધાર રહેલો છે. ( લોર્ડ વિલિયમ્સે સપ્ટેમ્બરમાં સેન્ટ માર્ટિન્સ ખાતે ‘હુ ઈઝ ધાય નેબર ? ધ એથીક્સ ઓફ ગ્લોબલ રિલેશનશીપ્સ’ શીર્ષક હેઠળ આપેલા અન્ય એક પ્રવચનમાં આ વિષય હતો.)

તે https://s63.podbean.com/pb/9cbbc4be405c6ea1520db21d8e4119e0/57f11df2/data1/fs156/601733/uploads/16-09-22_Who_is_my_neighbour.mp3) પર સાંભળી શકાશે.

લોર્ડ વિલિયમ્સે અહિંસા પ્રત્યેના ગાંધીજીના વલણની છણાવટ કરતા જણાવ્યું કે તેમની વ્યૂહનીતિ જ એવી હતી કે તેને હિંસક ગણાવવાનું બ્રિટિશ રાજ માટે ખૂબ અઘરું હતું. લોર્ડ વિલિયમ્સે જણાવ્યું કે સીરિયા અને સુદાન જેવા દેશોમાં જે વિખવાદ છે તે સત્તા હાંસલ કરવા પર કેન્દ્રીત છે અને તેનું નીરાકરણ લાવવું ખૂબ મુશ્કેલ છે. ગાંધીજી રાજકીય નેતાઓમાં તેમની કોમ્યુનિટીના કલ્યાણ માટેની જવાબદારીની સમજ ઉભી કરીને તેવી સત્તાની સાઠમારીનો સામનો કરતા હતા.

આંતરરાષ્ટ્રીય રાજકીય સંસ્થાઓ દ્વારા કેવી રીતે શાંતિ સ્થાપી શકાય તે મુદ્દે લોર્ડ વિલિયમ્સે જણાવ્યું હતું કે વિશ્વ ‘સામુહિક રીતે રાજકીય નર્વસ બ્રેકડાઉન’ અનુભવી રહ્યું છે. તેમણે વિશ્વમાં સ્થાનિક વિખવાદોને નિયંત્રણમાં લેવા માટે યુનાઈટેડ નેશન્સને વધુ મજબૂત બનાવવાનું સૂચન કર્યું હતું. યુએન સિક્યુરિટી કાઉન્સિલને સ્થાને મિડિએશન કાઉન્સિલ રચવાની તેમણે ભલામણ કરી હતી. જોકે, તેવું કદાચ ન બની શકે તેમ પણ તેમણે સ્વીકાર્યું હતું. લોર્ડ વિલિયમ્સે ઈયુ છોડી દેવાની તરફેણમાં બ્રિટિશ રેફરન્ડમનું મતદાન અને ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષ સહિતના વિવિધ મુદ્દા પર શ્રોતાઓના પ્રશ્રોના જવાબ આપ્યા હતા.

લોર્ડ વિલિયમ્સના ગાંધી લેક્ચરનું ઓડિયો રેકોર્ડિંગ www.stmartin-in-the-fields.org/podcasts/ પર સાંભળી શકાશે.


comments powered by Disqus