૪૦૦ વર્ષથી લોકહૃદયમાં ચિરંજીવ મહાકવિ શિવાનંદ

વિષ્ણુ પંડ્યા Wednesday 12th October 2016 06:32 EDT
 
 

નવરાત્રિના દરેક ગરબા, ગરબી, રાસ પછી અથવા પહેલા દિવડાઓ સાથે જે આરતી ગવાય છે તે યુકેમાં, અમેરિકામાં, ગુજરાતમાં એકસરખી ભક્તિની ધારાને પ્રવાહિત કરે છે... જય ઓમ, જય ઓમ, મા જગદંબે... પ્રથમ નોરતાથી વિજયાદશમી સુધીની શક્તિ આરાધનાનું તેમાં અદ્ભુત વૈવિધ્ય છે... કેટલા વર્ષોથી આ આરતી ગવાતી હશે? કેટલા કરોડ ભક્તોના ચિત્તમાં મા આદ્યશક્તિ સ્થાપિત થઇ ગઈ હશે? ...અને તેની અંતિમ પંક્તિ છે: ‘ભણે શિવાનંદ સ્વામી... ગુણ તારા ગાશે, વૈકુંઠે જાશે...’
કોણ છે આ શિવાનંદ? ક્યારે તેનો જન્મ થયો? ક્યાં રહેતો હતો? કોણ હતો?
આ સવાલો તો બચપણમાં માણાવદરની ગલીના ચોકમાં મ્યુનિસિપલ થાંભલાની બત્તી (લેમ્પ પોસ્ટ)ના અજવાળે અડોશપડોશની મહિલાઓ ગરબે ઘૂમતી અને એક નાનકડા ફોટા સામે આરતી થતી ત્યારે પણ થતા રહેતા. વર્ષો પછી એક દિવસે સુરતમાં મિત્રને ત્યાં વાત નીકળી તો કહે: ‘અમારા નર્મદે તેના વિષે નોંધ્યું છે.’ એટલે નર્મદ લિખિત ‘કવિ ચરિત્ર’ મેળવ્યું. અરે, કવિએ તો નરસિંહ મહેતા, મીરા અને અખા પછી કવિ શિવાનંદનું ચરિત્ર આપીને લખ્યું છે કે ‘ગુજરાતનો આ પણ એક મહાકવિ હતો!’
નર્મદ, તારી વાત સાચી છે. એક જ આરતી ૪૦૦થી વધુ વર્ષ હજારો કંઠેથી ગવાતી રહે એ કંઈ સામાન્ય વાત છે? ૧૫૫૦ની આસપાસ તે જન્મ્યો. પિતા વાસુદેવ પંડ્યા. વડનગરા બ્રાહ્મણ. જન્મસ્થાન સુરત. વંશ પરંપરા જ વિદ્વત્તાની હતી. કાકા સદાશિવ, દાદા હરિહર... આ બધા સંસ્કૃત વિદ્વાનો તરીકે ખ્યાત હતા. શિવાનંદ બચપણમાં જ પિતાને ગુમાવે છે. તે સમયની પરંપરા એવી હતી કે કુટુંબમાં કોઈ પણ આફત આવે તો બીજા કુટુંબીજનો દોડી આવે અને દુઃખનો અહેસાસ થવા ના દે. વિધવા મહિલાઓ, અપાહિજ સભ્યો, અનાથ બાળકો, બીમાર કુટુંબીજનો એક યા બીજા કુટુંબ દ્વારા સમાવી લેવામાં આવતા હતા. ઝવેરચંદ મેઘાણીની નવલકથાઓ વાંચતા આ ઉજ્જવળ પરમ્પરાનો અંદાજ આવે છે.
બારમા વર્ષે શિવાનંદે પિતાને ગુમાવ્યા એટલે કાકા સદાશિવ પાસે રહ્યા. મૃત્યુ સમયે તેમણે શિવાનંદને પંચાક્ષરી મંત્ર આપ્યો અને આ મંત્રદીક્ષાએ શિવાનંદનું જીવન બદલી નાખ્યું. દેવી- દેવતાઓની આરતી હૃદયમાં ગુંજવા લાગી. તેને વાચા આપી. હનુમાન, ગણપતિ, ભૈરવ, જ્યોતિર્લિંગ વગેરેની આરતી રચી. અને આરાધ્ય દેવાધિદેવ મહાદેવના પદ પણ રચ્યા. સંસ્કૃત, મરાઠી અને ગુજરાતીમાં તેનો ભાવ-પ્રવાહ વહેતો રહ્યો.
એક બીજી રસપ્રદ વાત એટલે કવિ નર્મદના જેમની સાથે બીજા લગ્ન થયા હતા તે ડાહી ગવરી શિવાનંદના વંશજ. છઠ્ઠી પેઢીના ત્રિપુરાનાદની પુત્રી તે આ નર્મદ-પત્ની ડાહી ગૌરી. નર્મદના જણાવ્યા પ્રમાણે શિવાનંદ ૮૫ વર્ષે અવસાન પામ્યા. ૨૫મા વર્ષથી તેની જીભ પર સરસ્વતીનો વાસ થયો હતો. પાંત્રીસ વર્ષ રેવા-તાપી નદીના કિનારે સાધના કરી. અને એક અંધારી રાતે મહાશક્તિનો સાક્ષાત્કાર થયો. તેમની આરતીની છેલ્લી કડીમાં તે ઘટના જળવાયેલી છે: ‘સંવત સોળસો સત્તાવન સોળસે બાવીસમાં. સંવત સોળે પ્રગટ્યા રેવાને તીરે, ઓમ જાય ઓમ મા જગદમ્બે...’
શિવાનંદની આ આરતી હતી તો ૧૭ કડીની. ૩૦૦ વર્ષ દરમિયાન તેમાં બીજી ચાર કડી ઉમેરાઈ અને જો જગન્નાથ પુરીના દંડી સ્વામીના સંશોધનને માનીએ તો ૨૧ ભૂલો સાથે તે ગવાય છે. એટલે આશાબેન રાવલ નામે શિક્ષિકાએ વિશુદ્ધ આરતી અને તેની સીડી વિતરીત થતી હોવાની માહિતી આપી છે. શિવાનંદ સ્વામીએ વિક્રમ સંવત ૧૬૫૭ એટલે કે ઈસ્વી સન ૧૬૦૧માં અને શક સંવત ૧૫૨૨માં આ આરતી રચી હતી.
નવ દુર્ગાનું આટલું દિવ્ય - ભવ્ય વર્ણન કરનારો કવિ ભક્ત નવરાત્રીનું ગમેએટલું આધુનિક સ્વરૂપ થાય પણ આ આરતીના સ્વરૂપે ચિરંજીવ રહેશે.

સિડની, ઓસ્ટ્રેલિયામાં વિષ્ણુ પંડ્યાના અંગ્રેજી કાવ્યોનું સચિત્ર પ્રદર્શન

સિડનીમાં દુનિયાના કુલ ૨૪ કવિઓની પ્રસ્તુતિનો એક અનોખો કાર્યક્રમ યોજાયો છે, તેમાં ૭થી ૧૩મી ઓક્ટોબર સુધી ગુજરાતના સાહિત્યકાર વિષ્ણુ પંડ્યાના કાવ્યો રજુ થશે. તેમના અંગ્રેજીમાં લખાયેલા ૨૦ કાવ્યો આ સપ્તાહમાં રજૂ થશે અને તેની ચર્ચા વિવિધ દેશોમાં ઇન્ટરનેટના માધ્યમથી કરાશે. આ કાવ્યોમાં વ્યક્તિ અને સમૂહની સંવેદના નિરુપિત છે.

પ્રદર્શનની આયોજક સંસ્થા ડબ્લ્યુયુપી વર્લ્ડ પોએટ્રી પોયેટેનકોમીયમ છે. ખ્યાત કવિ અને સમાજદર્શક એદે કાપારાસ મનીયાહ તેનું સંકલન કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે દુનિયાભરના ૨૪ કવિઓને અમે આમંત્રણ આપ્યા હતા. દરેક સપ્તાહે એક કવિ તેમની રોજની ત્રણ કવિતાઓ પ્રસ્તુત કરે છે, તેને ગેલેરીમાં આકર્ષક રીતે અમારી ટીમ રજૂ કરશે અને દુનિયાભરના નેટ તેમજ ફેસબુક પરના વાચકો પોતાનો પ્રતિભાવ આપશે. આવો પ્રયોગ પ્રથમ વાર કરાયો છે. વર્લ્ડ પોએટ્રી સંસ્થાએ સિડની (ઓસ્ટ્રેલિયા)માં એક વર્ષ માટે યોજેલો આ કાર્યક્રમ ઓગસ્ટ ૨૦૧૬થી શરૂ થયો છે, જે સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી અવિરત ચાલુ રહેશે.
વિશ્વના ૨૪ કવિને તેમની રચનાઓ મોકલવા આમંત્રિત કરાયા હતા, જેમાં ભારતમાંથી એકલા ગુજરાતમાંથી વિષ્ણુ પંડ્યાને પસંદ કરાયા તે ગુજરાત અને ગુજરાતી સાહિત્ય માટે પણ ગૌરવની ઘટના છે. સાતમી ઓકટોબરથી તેમની રચનાઓ પ્રસ્તુત થઇ રહી છે અને તેને આ સંસ્થાએ સચિત્ર બનાવી છે. તેમાં અપાયેલા પરિચયમાં જણાવાયું છે કે વિષ્ણુ પંડ્યાએ સાહિત્ય, રાજનીતિક વિશ્લેષણ, ઈતિહાસ, શિક્ષણ અને પત્રકારત્વ સહિતના વિવિધ ક્ષેત્રોમાં મહત્વનું પ્રદાન કર્યું છે.


comments powered by Disqus