‘ખૂન કે દલાલ’: યુવરાજે ફરી ભગો વાળ્યો?

Tuesday 11th October 2016 13:24 EDT
 

મોદી સરકાર અને ભાજપ દેશની સેનાના જવાનોના લોહીની દલાલી કરી રહ્યાનો રાહુલ ગાંધીનો આક્ષેપ સાંભળીને કોંગ્રેસના મોવડીઓ કપાળ કૂટી રહ્યા હોય તો નવાઇ નહીં. ચૂંટણીઓમાં ભાજપના વિજય માટે ભાજપના નેતાઓ કદાચ જેટલી મહેનત નહીં કરતા હોય તેનાથી વધારે ‘મહેનત’ કોંગ્રેસના નિવેદનશૂરા નેતાઓ કરી રહ્યા છે. પહેલાં મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ સંજય નિરુપમે નિવેદન કર્યું કે સરકારે સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય તો તેના પુરાવા રજૂ કરે. ભારતીય સેનાની ક્ષમતા અને વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવતા આ નિવેદન સામે દેશભરમાં દેકારો થયો. કોંગ્રેસ પર ટીકાની ઝડી વરસી. આ પછી કોંગ્રેસ પક્ષ અને અધ્યક્ષ સોનિયા ગાંધીએ સ્પષ્ટતા કરવી પડી કે નિરુપમના નિવેદન સાથે તેમને કોઇ નિસ્બત નથી, તેઓ સર્જિકલ સ્ટ્રાઇકના મુદ્દે સરકારની સાથે હતા, અને છે. વિવાદ માંડ શાંત પડ્યો ત્યાં હવે રાહુલે ‘ખૂન કે દલાલ’નું નિવેદન કરીને પક્ષને ભેખડે ભરાવ્યો છે. રાહુલનાં આ ઉચ્ચારણો કોંગ્રેસ માટે ફરી ‘મૌત કા સૌદાગર’ મોમેન્ટ પુરવાર થાય તો નવાઇ નહીં. સહુ કોઇને યાદ હશે કે ૨૦૦૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વેળા સોનિયા ગાંધીએ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી માટે - ગોધરાકાંડના રમખાણો સંદર્ભે - ‘મૌત કા સૌદાગર’ શબ્દ વાપર્યો હતો. ચૂંટણીપ્રચારમાં માહેર મોદીએ આ શબ્દપ્રયોગને તેમના સંબોધનોમાં એવો ચગાવ્યો કે પક્ષે જ્વલંત વિજય મેળવ્યો. પછી કોંગ્રેસે ૨૦૧૪માં મોદીને ફરી આવો મોકો આપ્યો. વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે મોદીને ‘ચાયવાલા’ કહીને તેમની ઠેકડી ઉડાવવા પ્રયાસ કર્યો. આફતને અવસર બનાવવામાં માહેર મોદી ફરી ચાણક્ય ચાલ ચાલ્યા. મોદીએ દેશભરમાં ‘ચાય પે ચર્ચા’ યોજી.
પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પ પર ભારતીય સૈન્યે કરેલી સર્જિકલ સ્ટ્રાઇક માટે કોંગ્રેસે પ્રારંભે પાકટ વલણ દાખવ્યું હતું. રાહુલે પણ વડા પ્રધાનને બિરદાવ્યા. પરંતુ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગ્યા તેમાંથી પ્રેરણા મળી હોય કે ગમેતેમ પણ હવે રાહુલે ભાજપ માટે ‘ખૂન કા દલાલ’ શબ્દ વાપર્યો છે. આવું બોલતાં આ યુવા નેતા કદાચ એ ભૂલી ગયા કે રાજકારણમાં ક્યારે શું બોલવું તેની સમજ તો જરૂરી છે જ, પરંતુ ક્યારે શું ન બોલવું તેની સમજ વધુ જરૂરી છે. સર્જિકલ સ્ટ્રાઇક બાદ કોંગ્રેસ સહિતના વિપક્ષે પ્રારંભે જેમ સરકારને સમર્થન આપ્યું હતું તે વલણ જાળવ્યું હોત તો (તેઓ માને છે તેમ) ભાજપને આ મુદ્દાનો રાજકીય લાભ ખાટવાનો અવસર ન મળ્યો હોત. રાહુલ ભલે આક્રોશમાં આ શબ્દો બોલી ગયા હોય, પણ માથે તોળાતી ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં આ મુદ્દો ઉછળશે ત્યારે કોંગ્રેસની નેતાગીરીને ખુલાસો કરતાં કરતાં આંખે પાણી આવી જશે તે નક્કી છે.


comments powered by Disqus