મુંબઇઃ મહાનગરના વરલીમાં આવેલી નેશનલ સ્પોર્ટ્સ ક્લબમાં ઝાકઝમાળભર્યા ઉદ્ઘાટન સમારંભ સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) સિઝન-૯નો પ્રારંભ થયો છે. બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડીઝના ડાન્સ સાથે શરૂ થયેલા સમારંભમાં અનેક દેશવિદેશના અનેક કલાકારોએ લાઇટીંગ અને લેસરના રંગબેરંગી માહોલમાં ગીત-સંગીતના કાર્યક્રમ રજૂ કર્યા હતા. બ્લેક ડ્રેસમાં સજ્જ જેકલીને પાર્ટી ઓન માય મૂડ સોંગ ઉપર ખૂબસુરત ડાન્સ કરીને તમામને મુગ્ધ કરી દીધા હતા. જેકલિનની પ્રસ્તુતિ બાદ હિપ હોપ ચેમ્પિયનિશપની બ્રોન્ઝ મેડાલિસ્ટ કિંગ્સ યૂનાઇટેડ ટીમે ઢોલ દ્વારા એન્ટ્રી કરી હતી. રવિ શાસ્ત્રીએ તમામ આઠ ટીમોના કેપ્ટનને એમસીસી સ્પિરિટ ઓફ સ્પોર્ટ્સના શપથ લેવડાવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ભારતના સિનિયર ઓફ સ્પિનર હરભજન સિંહે લગ્ન અંગેના મજાકીયા અંદાજમાં જવાબ આપી તમામને મનોરંજન પૂરું પાડ્યું હતું. તેણે જણાવ્યું હતું કે લગ્ન બાદ જિંદગી વધારે સારી બની ગઇ છે. હું પ્રીતિ ઝિંટાને પણ શુભેચ્છાઓ પાઠવું છું. તે ટૂંક સમયમાં લગ્ન કરવાની છે. બોલિવૂડની અભિનેત્રી કેટરિના કૈફે પોતાની ફિલ્મોના ગીતો પર ડાન્સ કરીને માહોલ જોશીલો બનાવ્યો હતો.
વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રેવોએ ટી૨૦ વર્લ્ડ કપ દરમિયાન લોકપ્રિય બનેલા 'ચેમ્પિયન ડાન્સ' રજૂ કરીને તમામના મન મોહી લીધા હતા. તેના ડાન્સમાં તમામ લોકો જોડાયા હતા. ભારતીય યુવા દિલોની ધડકન યો યો હની સિંહે શાનદાર રેપ મ્યૂઝીક પર સમારંભમાં હાજર રહેલા તમામને ભરપૂર ડાન્સ કરાવ્યો હતો. આખરે રણવીર સિંહે લગભગ ૨૦ મિનિટ સુધી પ્રશંસકોનો જોશ વધાર્યો હતો. રણવીરે તમામ સેલિબ્રિટીને સ્ટેજ પર બોલાવ્યા હતા અને તમામે બ્રાવોના ડીજે પર ડાન્સ કર્યો હતો.

